સૌરાષ્ટ્રના 141 ડેમ-જળાશયો 60 ટકાથી વધુ ખાલી બની ગયા છે ત્યારે અત્યારથી જ 27થી વધુ ડેમમાં સિંચાઇનું પાણી બંધ કરવાની ફરજ પડી છે. રાજકોટ જિલ્લાના 27 જળસ્ત્રોતોમાં 50.7 ટકા, ઝાલાવાડ પંથકના ડેમમાં 24.32 ટકા, જૂનાગઢ જિલ્લાના ડેમમાં 44 ટકા, જામનગર જિલ્લાના જળસ્ત્રોતોમાં 32 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ બચ્યો છે. ચોમાસા પહેલા ગામડાંઓમાં પાણીની તંગીની સમસ્યાના સંકેતો દેખાઇ રહ્યા છે.
સિંચાઇનું પાણી બંધ કરી દેવામાં આવ્યું
રાજકોટ જિલ્લાના 27 જળસ્ત્રોત પૈકી ભાદરમાં 55.83 ટકા પાણીનો જથ્થો છે, જેમાંથી 3600 હેક્ટરમાં સિંચાઇનું પાણી આપવામાં આવી રહ્યું છે. દરમિયાન વેરી, ઘેલો-સોમનાથ અને માલગઢ જળસ્ત્રોતમાંથી સિંચાઇનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના 21 ડેમમાં જુલાઇ-22 સુધીની જળરાશિ બચી છે. મોરબી જિલ્લાના 10 જળાશયમાં 31.37 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ડેમી-3, બંગાવડી અને બ્રાહ્મણી-2માંથી સિંચાઇનું પાણી બંધ કરાયું છે.
સુરેન્દ્રનગરના જળાશયોમાં પાણી માત્ર 24.32 ટકા
સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમ-જળાશયો પૈકી 24.32 ટકા પાણી બચ્યું છે. જેમાં મોરસલ, નિંભણી, લીંબડી ભોગાવો-2, વઢવાણ ભોગાવો-2, વાંસલ અને સબુરીમાંથી સિંચાઇનું પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ઝાલાવાડ પંથકના ડેમમાં માંડ મે સુધી પાણી ચાલે તેવા નિર્દેશો મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના 17 ડેમ પૈકી 44 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. દરમિયાન આંબાજળ, ઝંઝેશ્રી, પ્રેમપરા, સાબલી, વ્રજમી, મેઘલ ટીઆર, ભાખરવડ આર આર, ઓઝત, હસ્નાપુર, ગળથ અને ઉબેણમાંથી સિંચાઇનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.
જામનગરના 22 ડેમમાં 32 ટકા જ પાણી
જામનગર જિલ્લાના 22 ડેમમાં 32 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રૂપાવટી, સસોઇ-2, વાગડિયા અને ઊંડ-2માંથી સિંચાઇ માટે જળરાશિ બંધ કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાનાં 5 મુખ્ય જળસ્ત્રોતમાં 63.21 ટકા જેટલો પાણીની જથ્થો ઉપલબ્ધ છે. દેવભૂમિ દ્વારકામાં 12 જળાશય પૈકી 684.57 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તેમજ પોરબંદર જિલ્લાના 6 જળસ્ત્રોત પૈકી 27.94 ટકા પાણી બચ્યું છે જેમાં અમીપુર, રાણાખીરસરા અને સારણમાં પાણીનો જથ્થો નીલ છે.
હાલ ઉપલબ્ધ પાણીનો જથ્થો
જિલ્લો | જળસ્ત્રોતની સંખ્યા | હાલનો પાણીનો જથ્થો (મી.ઘન ફૂટ) |
રાજકોટ | 27 | 10611.38 |
મોરબી | 10 | 4080.33 |
સુરેન્દ્રનગર | 11 | 940.43 |
જૂનાગઢ | 17 | 2424 |
જામનગર | 22 | 3288 |
પોરબંદર | 5 | 3091 |
દેવભૂમિ દ્વારકા | 12 | 684.57 |
પોરબંદર | 6 | 90.75 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.