કોંગી નેતાના નિવેદન:જગદીશ ઠાકોરે કહ્યું-હાર્દિકના જવાથી કોંગ્રેસને કંઈ ફેર ન પડે, નરેશ પટેલ માટે અમારા તરફથી કંઈ અટકતું નથી

રાજકોટ3 મહિનો પહેલા
વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા - Divya Bhaskar
વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા
  • નરેશ પટેલ સમાજના લીડર, હાઇકમાન્ડ સાથે વાતચીત ચાલે છેઃ સુખરામ રાઠવા

આવતીકાલે રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકોટ આવેલા વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ હાર્દિક પટેલના રાજીનામા અંગે જણાવ્યું કે, હાર્દિક પટેલ અમારી સાથે હતા. મનની વાત કોઈ સાથે કરી નહીં અને રાજીનામુ આપ્યું. તેમના મનની ઈચ્છા છે, પાર્ટીએ નાની ઉંમરે તક આપી હતી. તકનો ઉપયોગ કરવાની જરૂર હતી.બીજી તરફ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, નરેશ પટેલ સાથે વાત કરતાં હાર્દિક ડર્યો તેને હતું કે રાજકારણ પૂરું થઈ જશે.

નરેશ પટેલ અને હાર્દિક પટેલ મુદ્દે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું.
નરેશ પટેલ અને હાર્દિક પટેલ મુદ્દે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું.

નરેશ પટેલને આમંત્રણ આપ્યું છે-ઠાકોર
નરેશ પટેલ મુદ્દે નિવેદન આપતા જગદીશ ઠાકોરે કહ્યું કે,નરેશ પટેલને કોંગ્રેસમાં લેવા મુદ્દે અમારા તરફથી ક્યાંય અટકતું નથી.નરેશ પટેલને અનેક વખત આમંત્રણ આપવામાં આવેલું છે.નરેશ પટેલને કોંગ્રેસ આવકારી રહી છે. નરેશ પટેલ ક્યારે જોડાવવું તેનો નિર્ણય તેઓ જ જાહેર કરશે.

હાર્દિકના જવાથી કોંગ્રેસને ફરક ન પડે-ઠાકોર
હાર્દિક પટેલ અંગે જગદીશ ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસને નુકશાન થાય તેવી હાર્દિકને રણનીતિ બનાવવી હતી.પત્રની ભાષા સંયમી છે. આ પત્ર કમલમ કાર્યાલયથી લખાયેલો હોય તેવું લાગે છે. હાર્દિક કહે છે કે, મને કામ નથી આપતા એ વાત ખોટી છે. હાર્દિકના મીડિયા સ્ટેટમેન્ટ બાદ સીધો હું ફોન કરી વાત કરવા અને મળવા બોલાવતો હતો.ઉદયપુર ચિંતન શિબિરમાં આમંત્રણ હોવા છતાં એ આવ્યા નહોતા. હાર્દિકના જવાથી કોંગ્રેસને 1 ટકો પણ ફેર નહી પડે

રાઠવાએ વધુમાં જણાવ્યું કે, હાર્દિક પટેલના જવાથી પાટીદાર ફેક્ટરમાં અસર થશે. પાટીદાર ફેક્ટરનું ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરીશું. નરેશ પટેલ સામાજિક આગેવાન છે અને અમારા મવડી મંડળ સાથે વાત ચાલી રહી છે.

હાર્દિક પટેલના રાજીનામાથી ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશેઃ પ્રભારી
સૌરાષ્ટ્ર ઝોનની બેઠકની તૈયારીના ભાગરૂપે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રામકિશન ઓઝા રાજકોટ આવી પહોંચ્યા છે. તેઓએ સર્કિટહાઉસ ખાતે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. જેમાં હાર્દિક પટેલના રાજીનામાથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ ફેર પડશે તેવા સવાલના જવાબમાં રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને ફાયદો થશે.

હાર્દિક પટેલે રાજીનામું આપ્યું છે એ કોઈ પક્ષમાં જવા માટે આપ્યું નથી
રામકિશન ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે રાજીનામું આપ્યું છે એ કોઈ પક્ષમાં જવા માટે આપ્યું નથી, કોંગ્રેસમાં નારાજ હોવાથી રાજીનામું આપ્યું છે. હું સમજુ છું ત્યાં સુધી તેને કોઈ રાજનૈતિક અપેક્ષાઓ હશે, કોઈ બીજા સાથે વાતચીત ચાલી રહી હશે. અમારી સાથે નારાજગી દર્શાવી પણ પરત આવી શકે છે. કોંગ્રેસમાં કેટલાય લોકો આવતા હોય છે તેમ કેટલાય જતા પણ હોય છે. હાર્દિક પટેલે ગુજરાતના નેતાઓ દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવિચ ખવડાવવાની ચિંતામાં રહે છે અને હાઇકમાન્ડ ગુજરાત પ્રત્યે નફરત જેવું વર્તન કરે છે તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, હાર્દિકે આ આરોપ લાગવ્યો છે તે હળાહળ ખોટો છે.

રાહુલ ગાંધીએ હાર્દિકનું હંમેશા સન્માન કર્યું
રામકિશન ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે, હું માનું છું કે, આરોપ-પ્રત્યારોપ થાય એનો મતલબ એવો નથી કે બધુ સાચુ જ હોય. આ તો એક રાજનૈતિક આરોપ છે. પોતાની વાત અને કમજોરીને છૂપાવવાની વાત છે. હું નથી સમજતો કે આવા આરોપને લઈ અમારા નેતા અહીં કામ કરે છે. દાહોદમાં અમે સૌથી મોટી રેલી યોજી હતી. કાલે રાજકોટમાં અમારી સૌથી મોટી બેઠક થઈ રહી છે. આથી મને નથી લાગતું કે આવું કઈ હોય. રાહુલ ગાંધીએ હાર્દિકનું હંમેશા સન્માન કર્યું છે. રાહુલ ગાંધીએ તેને પાર્ટીમાં લીધા હતા. 2017માં રાહુલ ગાંધીએ જે પણ યુવા નેતાઓએ ટિકિટની માગ કરી હતી તેમને ટિકિટ આપી હતી. અમે વરિષ્ઠ સિનિયર કાર્યકરોને બાજુમાં રાખીને જેને ટિકિટ આપવાની હતી તેને આપી હતી.

નરેશ પટેલ સારી વ્યક્તિ, હાઈકમાન્ડ સાથે વાત ચાલે છે
નરેશ પટેલ વિશે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેમની સાથે વાતચીત કરી રહી છે. નરેશ પટેલને બધી રાજકીય પાર્ટી માની રહી છે, નરેશ પટેલ એક સારી વ્યક્તિ છે. સમાજના લીડર છે તેના આવવાથી જરૂર અમારી તાકાત બનશે. પરંતુ નિર્ણય તેઓએ લેવાનો છે. નરેશ પટેલ સાથે ચર્ચા ચાલી રહી છે તે અમારા હાઈકમાન્ડ લેવલથી થઈ રહી છે. કાલે રાજકોટમાં અમારી સૌરાષ્ટ્રના તમામ નેતાઓ સાથે બેઠક યોજાશે. આવનારી ચૂંટણીને લઈને રણનીતિ બનાવવા, રાજનૈતિક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા બેઠક યોજાશે.

સૌરાષ્ટ્ર જોનની બેઠકને લઈને માહિતી આપી હતી.
સૌરાષ્ટ્ર જોનની બેઠકને લઈને માહિતી આપી હતી.

નરેશભાઈ સાથે વાત કરતાં હાર્દિક ડર્યો-રઘુ શર્મા
રાજકોટમાં સૌરાષ્ટ્રની બેઠક માટે રઘુ શર્મા પહોંચ્યાં હતાં. તેમણે સૌરાષ્ટ્ર જોનની બેઠકને લઈને માહિતી આપી હતી. સાથે જ રઘુ શર્માએ હાર્દિક પટેલના રાજીનામાને લઈને પ્રતિક્રિયા આપતાં કહ્યું કે,હાર્દિક પટેલે પહેલાથી જ મન બનવી લીધું હતું.અમે નરેશભાઈ સાથે જેવી વાત શરૂ કરી અને હાર્દિકને ડર લાગ્યો કે મારૂં રાજકારણ પૂરું થઈ ગયું.બીજી તરફ નરેશભાઇ પટેલના કોંગ્રેસમાં પ્રવેશ લઈને પ્રભારી રઘુ શર્માએ ગોળ ગોળ જવાબ આપ્યા હતાં. સાથે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો કર્યા હતાં.

ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ હાર્દિક પટેલ વિશે વાત કરી.
ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ હાર્દિક પટેલ વિશે વાત કરી.

કોંગ્રેસે હાર્દિકને મહત્ત્વનું પદ આપ્યું હતું: MLA વસોયા
હાર્દિકના રાજીનામાં પર ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. લોકશાહીમાં સૌ પોતાનો નિર્ણય લઈ શકે છે, હાર્દિકે જોઈ વિચારીને નિર્ણય કર્યો હશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું મહત્વનું પદ કોંગ્રેસે હાર્દિકને આપ્યું છતાં પણ નારાજગી વ્યક્ત કરે તે આશ્ચર્યની વાત છે. હાર્દિકે ભાજપમાં જવાનું મન બનાવી લીધું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે, ભાજપમાં કોંગ્રેસ જેવી કામ કરવાની સત્તા મળે તેવી શુભકામના પાઠવું છું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું.