આજે પાકિસ્તાન સામે ભારત હોટ ફેવરિટ:સટ્ટાબજારે ટીમ ઇન્ડિયાને વિનર ગણાવી 58 પૈસા ભાવ ખોલ્યો, ID પર પંટરોને સટ્ટો રમાડવા બુકીઓ સજ્જ

રાજકોટએક મહિનો પહેલા

ક્રિકેટરસિકો હંમેશાં જે મેચની આતુરતાપૂર્વક રાહ જુએ છે તે ભારત-પાકિસ્તાન ટીમ આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડકપમાં ટકરાવાની છે. ત્યારે ‘સુપરસન્ડે’ સમાન આ મુકાબલાને દરેક બોલને નિહાળી લેવા માટે ક્રિકેટરસિકો આતુર છે. સાથે સાથે મેચ જોવા કરતાં તેના ઉપર જુગાર ખેલીને રૂપિયા કમાઇ લેવાની લાય ધરાવતા પંટરો અને બુકીઓ પણ આ મેચમાં સટ્ટો રમવા માટે તલપાપડ હોવાનું દેખાઇ રહ્યું છે. આ મેચમાં જીતવા માટે ટીમ ઈન્ડિયાને બુકીબજારે ફેવરિટ ગણીને તેનો ભાવ 58 પૈસા ખોલ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજની મેચમાં ‘આઉટિંગ’ લાઈન મારફતે સટ્ટો રમવા-રમાડવાની જગ્યાએ ઓનલાઈન IDના આધારે જ સટ્ટો રમવા-રમાડી લેવા પંટરો-બુકીઓ સજ્જ થયા છે.

બુકીઓએ પોલીસના ડરથી આઉટિંગ લાઈન બંધ કરી
રાજકોટના એક બુકીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અત્યારે પોલીસની જોરદાર ધોંસ હોવાને કારણે લગભગ દરેક બુકીએ આઉટિંગ લાઈન મતલબ કે લાઈવ મેચ દરમિયાન ટેલિફોન પર સટ્ટો લેવાનું બંધ કરી દીધું છે. પંટરોને માત્ર ID જ આપવાનું શરૂ કરી સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. ID મારફતે પંટરો ગમે ત્યાં બેસીને આરામથી સટ્ટો રમી શકતા હોવાથી અત્યારે પંટરો પણ ID તરફ જ વળી રહ્યા છે. બીજી બાજુ ભારત-પાકિસ્તાન મેચ ઉપર સટ્ટો રમી લેવા માટે અનેક પંટરોએ માત્ર એક મેચ પૂરતું જ ID લીધું છે. બીજી બાજુ બુકીબજાર દ્વારા અત્યારે ટીમ ઈન્ડિયાની જીતનો ભાવ 58 પૈસા ખોલવામાં આવ્યો છે.

પોલીસના ડરથી બુકીઓએ આઉટિંગ લાઇન બંધ કરી (પ્રતીકાત્મક તસવીર)
પોલીસના ડરથી બુકીઓએ આઉટિંગ લાઇન બંધ કરી (પ્રતીકાત્મક તસવીર)

આજની મેચમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાશે
આનો મતલબ એ થાય કે કોઈ પંટર ટીમ ઈન્ડિયાની જીત ઉપર 10,000 રૂપિયા લગાવે અને ટીમ ઈન્ડિયા જીતી જાય તો બુકી તરફથી 5800 રૂપિયા મળે છે અને જો ટીમ ઈન્ડિયા હારી જાય તો પંટરે બુકીને 10,000 રૂપિયા ચૂકવવાના થાય છે. આ ઉપરાંત મેચનો પ્રથમ બોલ ફેંકાઈ ગયા બાદ ભાવમાં જબદરસ્ત ઉતાર-ચડાવ રહેવાનો વરતારો પણ બુકીબજાર વ્યક્ત કરી રહી છે. આ મેચ ઉપર હાર-જીતનો સટ્ટો ઉપરાંત સેશન, ટોસ સહિતનો ફેન્સી સટ્ટો પણ કરોડો રૂપિયામાં રમાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે બપોરે 1.30 વાગ્યે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.
આજે બપોરે 1.30 વાગ્યે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

આજે બપોરે 1.30 વાગ્યે ભારત પાકિસ્તાન સામે ટકરાશે
ટી-20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે, પરંતુ સુપર-12 મેચ ગઈકાલથી શરૂ થઈ ગઈ હતી. જ્યારે ભારત પોતાના અભિયાનનો આરંભ આજે મેલબોર્નમાં બપોરે 1.30 વાગ્યે પાકિસ્તાન સામે રમીને કરશે. કટ્ટર હરીફ સામે રમીશું, એટલે જ આ મેચને ફાઈનલ કરતાં પણ વધુ મહત્ત્વ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...