તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોકાર કોઇ સાંભળતુ નથી:કુવાડવાના સરપંચનું આક્રંદ; નેતાઓ, અમલદારોએ નોધારા છોડી દીધા, આંખ સામે 10 દિ‘માં 40 ગ્રામજનો તરફડીને મર્યા, શેરીમાં ડૂસકા સંભળાય છે

રાજકોટ3 મહિનો પહેલા
8થી 10 હજારની વસ્તીવાળા ગામમાં સોંપો પડી ગયો.
  • ગ્રામજનો ઓક્સિજન વિના તરફડીને મૃત્યુ પામી રહ્યાં છે, વર્ષે માંડ 10-12 મૃત્યુ થતા હતા

‘મને લાચારીનો અનુભવ થાય છે, હું કંઈ કરી શકતો નથી. કોરોનામા હું માંડ સાજો થયો છું પણ મારા ગ્રામજનોની સ્થિતિ બહુ નાજૂક છે, સરકાર કંઇક કરે, નેતાઓ અને અમલદારોએ અમને નોધારા છોડી દીધા છે. મારી આંખ સામે 10 દિવસમાં 40 ગ્રામજનો તરફડીને મર્યા, આજે પણ શેરીમાં પરિવારજનોના ડૂસકા સંભળાય છે’ આ શબ્દો છે રાજકોટ નજીક આવેલા કુવાડવા ગામના સરપંચ સંજયભાઇ પીપળીયાના છે.

દેશને મીઠાશ આપનાર ગામનો શ્વાસ તૂટી રહ્યો છે
આ વાત કુવાડવાની છે, જેના પેંડા દેશભરમાં પ્રખ્યાત છે. જેણે દેશને મીઠાશ આપી તે ગામના શ્વાસ તૂટી રહ્યા છે. ત્યારે આવી જ દર્દનાક સ્થિતિ અનેક ગામડાની છે. શહેરમા થતો શોર સૌને સંભળાય છે પરંતુ ગામડાનો પોકાર તંત્રને સંભળાતો નથી. કુવાડવા ગામમાં કરૂણતા છવાયેલી છે. શેરીઓમાં ડૂસકા સંભળાય છે, ગામજનોનું રૂદન પડઘાય છે. આ માત્ર 8થી 10 હજારની વસ્તીવાળા ગામમા આજે 8 લોકોના મૃત્યુ થયા છે. 10 દિવસમા 40 ગામજનોને કોરોનાએ ભરખી લીધા છે. સરપંચ સંજયભાઈ પીપળીયા કહે છે કે, કોઈ અમારી મદદ કરતું નથી, નેતાઓ, અધિકારીઓ માત્ર ઠાલી વાતો કરે છે, અહી અમારી આંખ સામે ગ્રામજનો ઓક્સિજન વિના તરફડીને મૃત્યુ પામી રહ્યાં છે. અમારા ગામમા વર્ષે માંડ 10-12 મૃત્યુ થતા હતા.

આજે આઠ વ્યક્તિના મોત થતા સ્મશાનમાં વારાફરતી અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યો છે.
આજે આઠ વ્યક્તિના મોત થતા સ્મશાનમાં વારાફરતી અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યો છે.

ગામમાં 150 દર્દીઓ સારવાર હેઠળ
સંજયભાઇ વધુમાં કહે છે કે, આજે કોરોના કહેરમાં ટપોટપ લોકો મરી રહ્યાં છે. ગ્રામજનોએ આ આપદામાં એક બનીને રૂ.10 લાખનો ફાળો એકત્ર કર્યો છે. પરંતુ ઓક્સિજનના બાટલા મળતા નથી. ગામમાં 150 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમને ઓક્સિજનની તાતી જરૂર છે. દર્દીઓ માટે અહીંયા આરોગ્ય કેન્દ્રમાં 20 બેડના કોવિડ કેર સેન્ટર માટે રજૂઆત કરી પણ તબીબો નથી. હવે તંત્ર કહે છે કે, ઓક્સિજનની વ્યવસ્થા તમે કરો. અમારે ત્યાથી દર્દીઓ સારવાર માટે રાજકોટ સિવિલમાં દોડે છે પરંતુ ત્યાં કલાકોના વેઈટિંગમાં જ કેટલાક દર્દી મરી જાય છે. કલેક્ટર, ડીડીઓને ઓક્સિજન માટે ફોન કર્યો તો તેમણે શાપરમા પ્લાન્ટ ખાતે સૂચના આપી દીધી હોવાનુ જણાવતા અમે શાપર ગયા પરંતુ ત્યાં અમારી ગાડીને પ્રવેશવા પણ ન દીધી.

અન્ય સમાચારો પણ છે...