રાજકોટના લોધિકા તાલુકાના કાંગશિયાળી ગામે ગ્રામસભા મળી હતી જેમાં સરપંચ રમેશ વાઘજી પરમારે ઊભા થઈને ગામમાં જે સરકારી ખરાબા છે તેના પર ગેરકાયદે પ્લોટિંગ કરીને ગ્રામજનોને ફાળવીને દબાણ કરવા માટે ઉશ્કેર્યા હતા.આ આખા મામલાનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે પુરાવા સાથે કરતા જિલ્લા પંચાયતમાં હડકંપ આવ્યો હતો.
અને સરપંચને ગેરલાયક ઠેરવવા માટે કાર્યવાહીનો આદેશ ડીડીઓએ આપ્યો હતો. તે પહેલાં જ ગ્રામપંચાયતમાં ધુળેટીના એક દિવસ પહેલા જ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા હવે 72 કલાકમાં જ રમેશ વાઘજી પરમાર પોતાનો સરપંચ પદનો હોદ્દો ગુમાવશે.
જ્યારે સરપંચ પોતે જ કોઇ સ્થળે દબાણ કરે તો તેને પદભ્રષ્ટ કરવા સુધીની કાર્યવાહી થાય છે. પણ, કાંગશિયાળી ગામે સરપંચે રમેશ વાઘજી પરમારે પોતે દબાણ કરવા ઉપરાંત અમુક ગ્રામજનોને દબાણની વ્યવસ્થા કરી આપવાની પણ વાતો કરી હતી.
કાંગશિયાળી ગ્રામપંચાયતમાં 7 સભ્યે દરખાસ્ત મૂકી હતી જેમાં મતદાન થતા સરપંચ એક જ દરખાસ્તની વિરુદ્ધ મતદાન કર્યું હતું જ્યારે બાકીના 8 સભ્ય ઉપસરપંચ જયેન્દ્રસિંહ ખેરડિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન યોગેન્દ્રભાઈ મકવાણા, છનુભા સોલંકી, કલ્પેશભાઈ જીલકા, રીટાબા મનહરસિંહ જાડેજા, પૂજાબા તેજસસિંહ પઢિયાર, દક્ષાબેન યોગેન્દ્રભાઈ મકવાણા તેમજ હિનાબેન અરવિંદભાઈ ભેંસદડિયાએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે મત આપતા દરખાસ્ત પસાર થઇ છે અને હવે મંજૂરી માટે તાલુકા પંચાયત મોકલી દેવાઈ છે.
DDOએ TDOને નોટિસ આપવા કહ્યું, હવે હુકમ કરવો જ પડશે
કાંગશિયાળી સરપંચ સામે પગલાં લેવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ આપ્યા હતા. જોકે તપાસના રિપોર્ટમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી અને 10 દિવસ પહેલા જ ડીડીઓએ સરપંચને નોટિસ ફટકારવા માટે આદેશ કર્યો હતો. જોકે લોધિકા તાલુકા વિકાસ અધિકારી પ્રદીપ સિંધવે હજુ નોટિસ બજવી ન હતી.
તેવામાં પંચાયતના સભ્યોએ જ સરપંચને દૂર કરવા માટે દરખાસ્ત પસાર કરતા હવે આ દરખાસ્ત અંગે હુકમ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે જશે. પંચાયતના સભ્યોની દરખાસ્ત હોવાથી ટીડીઓએ તેને મંજૂર રાખી સરપંચને દૂર કરવાનો હુકમ કરવાનો રહેશે. આ હુકમ આવ્યાના 3 દિવસમાં સરપંચે પદ છોડવાનું રહેશે નહીંતર 72 કલાક બાદ આપમેળે પદ ગુમાવી દેશે ત્યારબાદ નવા સરપંચ માટે પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.