ચર્ચા-વિચારણાના અંતે કરાયો નિર્ણય:કુલપતિએ જાહેર કર્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે સનાતન ધર્મનો જ કોર્સ શરૂ કરાશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુલપતિ ભીમાણીએ જૂનાગઢ જઈ ઈન્દ્રભારતીબાપુના આશીર્વાદ લીધા - Divya Bhaskar
કુલપતિ ભીમાણીએ જૂનાગઢ જઈ ઈન્દ્રભારતીબાપુના આશીર્વાદ લીધા
  • BAPSના કોર્સના વિવાદ બાદ કુલપતિએ ઈન્દ્રભારતીબાપુની મુલાકાત લીધી, બન્ને વચ્ચે ચર્ચા-વિચારણાના અંતે કરાયેલો નિર્ણય
  • કોઈ પણ એક વ્યક્તિ કે સંતના મહિમામંડનને બદલે હિન્દુ સંસ્કૃતિના તમામ આરાધ્ય દેવોથી માંડી સંતોના જીવન મૂલ્યોનો પરિચય કરાવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આગામી શૈક્ષણિક વર્ષથી બીએપીએસ સંસ્થાએ તૈયાર કરેલા કોર્સને ફરજિયાત શીખવવા માટે પરિપત્ર કર્યો હતો. આ પરિપત્રમાં એવો ઉલ્લેખ હતો કે, કોર્સ માટે જે પુસ્તકો લેવાના છે તે ફક્ત બીએપીએસ સંસ્થામાંથી ખરીદવાના રહેશે. સનાતન ધર્મ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો તરફથી થતા વિવાદિત નિવેદનો વચ્ચે એકેડેમિક વિભાગે આ નિર્ણય લીધો હતો.

સનાતન ધર્મ આધારિત મૂલ્યનિષ્ઠ શિક્ષણ શરૂ કરવા બાંહેધરી
આ પરિપત્ર વિશે ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરતા સાધુ-સંતોમાં રોષ જોવા મળ્યો હતો. ઈન્દ્રભારતીબાપુએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી ઈન્દ્રભારતીબાપુને મળવા જૂનાગઢ દોડી ગયા હતા અને ત્યાં બીએપીએસનો કોર્સ અટકાવી દેવાની ખાતરી આપી સનાતન ધર્મ આધારિત મૂલ્યનિષ્ઠ શિક્ષણ શરૂ કરવા બાંહેધરી આપી હતી.

સનાતન ધર્મ આધારિત શિક્ષણ આપવું જોઈએ:ઈન્દ્રભારતીબાપુ
​​​​​​​
ઈન્દ્રભારતીબાપુ અને ગિરીશ ભીમાણી વચ્ચે બેઠક થઈ હતી જેમા ઈન્દ્રભારતીબાપુએ ગિરીશ ભીમાણીને કહ્યું હતું કે, કોઈ સંપ્રદાયનો વિરોધ નથી પણ શિક્ષણમાં જો શીખવવું હોય તો સનાતન ધર્મ આધારિત શિક્ષણ આપવું જોઈએ જેના આધારો વેદ, પુરાણ અને ઉપનિષદોમાં છે. નરસિંહ મહેતા, મીરાંબાઇ ઉપરાંત મહાવીર સ્વામી, બુદ્ધ જેવા સંતો કે જેમણે દેશ અને ધર્મનો પ્રચાર કર્યો છે આ બધામાંથી શીખવવું જોઈએ. જેને લઈને ગિરીશ ભીમાણીએ મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટે હવે સનાતન ધર્મ આધારિત કોર્સ તૈયાર કરવા સૂચના આપશે તેવી ખાતરી આપી હતી.

સુસંસ્કૃત સમાજનો પાયો મજબૂત બનાવી શકાશે
​​​​​​​​​​​​​​
ટૂંક સમયમાં ઈન્દ્રભારતીબાપુ સહિતના સંતો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિદો ચર્ચા કરશે અને સનાતન ધર્મની સંત સંસ્કૃતિ, આરાધ્ય દેવો, રામાયણ, મહાભારત, વિષ્ણુપુરાણ, મહાદેવ, બ્રહ્માજી સહિતમાંથી ક્યા પ્રકારના પાત્રો, જીવન કથન તેમજ ક્યા ક્યા પ્રસંગો લઈને વિદ્યાર્થીઓને સનાતન ધર્મના ઊંડાણથી પરિચિત કરાવી સુસંસ્કૃત સમાજનો પાયો મજબૂત બનાવી શકાય તે માટે કોર્સ નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...