તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTPCR કૌભાંડ:ધોરાજીમાં સેમ્પલ લેવાયાં, મહિલાએ પોતાની સોસાયટીના કહ્યા તે પરિવાર રાજકોટનો નીકળ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂછ્યા વગર જ જવાબ આપનાર ધોરાજીના મહિલાનો ફોન બંધ, સરનામે કોઇ ન મળ્યું
  • ફોન પર મહિલાએ સેમ્પલ આપ્યાનું કહ્યું પણ લિસ્ટમાં આ નામની કોઇ વ્યક્તિ નીકળી નહિ

રાજ્યના છ જિલ્લાઓમાં આરટીપીસીઆરનું કૌભાંડ બહાર આવ્યું છે તેની તપાસમાં ઢાંકપિછોડાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે અને તે માટે બીજા કૌભાંડ પણ થઈ રહ્યા છે. જસદણમાં નકલી નિવેદનના કૌભાંડ બાદ ધોરાજીમાં મહિલાના ફોને તપાસનીશ અધિકારીઓને મૂંઝવણમાં નાખી દીધા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ધોરાજી આખો દિવસ રહ્યા પણ આરોગ્ય તંત્રના જ કેટલાક કર્મચારીઓ માહિતી લીક કરી દેતા હોવાથી તપાસ આગળ વધી શકી નથી. રાજકોટના ધોરાજીમાં એક જ દિવસમાં એક જ નંબર પર 22 અલગ અલગ જગ્યાએ સેમ્પલ લેવાયા હતા. આ રીતે બધા રિઝલ્ટ તપાસતા 270થી વધુ સેમ્પલમાં તે નંબર નીકળ્યો હતો.

ભાસ્કરે તે નંબર પર ફોન કરતા મહિલાએ માત્ર રસી લીધાનું જણાવ્યું હતું તેમજ જેમના સેમ્પલમાં નામ લખ્યું છે તેને ઓળખતા ન હોવાનું કહ્યું હતું. તપાસ માટે ભાસ્કરે આ લિસ્ટ તંત્રને આપ્યું હતું અને ત્યારબાદ તંત્રએ ફોન કરતા મહિલાએ શંકાસ્પદ રીતે પૂછ્યા વગર જ કહી દીધુ કે ઘણા બધા સેમ્પલમાં તેમના નંબર છે. સોસાયટીમાં રહેતા હોવાથી એક જ નંબર રાખ્યો છે તેમજ બે દિવસ પહેલા પણ આવો ફોન આવ્યાનું કહ્યુ હતું. આ બંને નિવેદન શંકાસ્પદ લાગ્યા હતા તેમજ જે લોકોને તેઓ સોસાયટીના રહેવાસી કહેતા હતા તેમાંથી 4 અન્ય વિસ્તારના હતા.

આ અંગે દિવ્ય ભાસ્કરે મુદ્દા ઉઠાવ્યા હતા અને શંકાસ્પદ નિવેદનને કારણે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહ બીજા દિવસે ધોરાજી પહોંચ્યા હતા. તેમણે સેમ્પલના લિસ્ટ ચેક કરતા મહિલાએ પોતાનું જે નામ આપ્યું એવા કોઇ સેમ્પલ જ નથી લેવાયા તે ઘટસ્ફોટ થયો હતો તેઓએ જેને પોતાના સોસાયટીના કહ્યા તે પૈકી એક પરિવાર ધોરાજીના બીજા ગામનો હતો. એક રાજકોટ શહેરનો પરિવાર હતો.

મહિલાના ઘરે જવા માટે ફોન પર સંપર્ક કરતા સતત ફોન બંધ આવી રહ્યો છે અને તેમણે આપેલા સરનામે સ્ટાફ પહોંચતા આવા કોઇ મહિલા ત્યાં રહેતા જ નથી તેવુ બહાર આવ્યુ હતું. આ બાબત સ્પષ્ટ કરે છે કે આરોગ્ય વિભાગના જ કેટલાક કર્મચારીઓ જે સેમ્પલ કાંડમાં જવાબદાર છે તેઓ તપાસનીશ અધિકારીઓને આડા પાટે ચડાવી રહ્યા છે અને માહિતી લીક કરીને બીજાને પણ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.

જસદણમાં વધુ એક પરિવારે કહ્યું, અમારા સેમ્પલ નથી લેવાયા
જસદણમાં ખોટા સેમ્પલ સાચા ઠેરવવા માટે નકલી નિવેદનો લેવાયાનું બીજુ કૌભાંડ બહાર આવ્યું છે. ભાસ્કરે તેનો પર્દાફાશ કરીને જેના નિવેદન લેવાયા છે તેમના પરિવારજનોના નામ બદલાયા હોવાનો પુરાવો આપતા સમગ્ર તપાસ પ્રાંત અધિકારીને સોંપાઈ છે. એક પરિવારે નિવેદન આપતા નામ ખોટા હોવાનું સાબિત થયું હતું જ્યારે બીજા બધા ફોન બંધ હતા. આ પૈકી એક પરિવારનો પતો લાગતા તેમનો સંપર્ક થયો હતો જો કે તેમણે સેમ્પલ ન લીધા હોવાનું તેમજ તેમના પરિવારમાં આવું કોઇ ન હોવાનું સ્પષ્ટ કહ્યુ છે. પ્રાંત અધિકારી ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરી જિલ્લા કલેક્ટરને રિપોર્ટ આપશે.

અન્ય સમાચારો પણ છે...