ધરપકડ:‘સમડી’એ બાઇકચોરી અને ચીલઝડપ કર્યાની કબૂલાત આપી, આજે પોલીસ રિમાન્ડ માગશે

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે ધરપકડ કરી, આજે કોર્ટમાં રજૂ કરાશે

શહેરીજનોમાં ફફડાટ ફેલાવનાર ‘સમડી’ અઝીઝ સંધીને પોલીસે ઝડપી લેતા 16 ગુનાના ભેદ ઉકેલાયા હતા. પોલીસ પૂછપરછમાં તેણે વધુ બે ગુનાની કબૂલાત આપતા ગુનાનો આંક 18 પર પહોંચ્યો હતો. શહેરમાં બે દિવસમાં ચાર ચીલઝડપ કરીને પોલીસને પડકાર ફેંકનાર ‘સમડી’ વધુ શિકાર કરે તે પહેલા શનિવારે ક્રાઇમ બ્રાંચની ટીમે ફિલ્મીઢબે પીછો અઝીઝ જુસબ સંધી (ઉ.વ.47)ને ઝડપી લીધો હતો. પોલીસથી બચવા માટે અઝીઝ તરુણના ગળા પર છરી રાખી પોલીસમેનને ભય બતાવી તરુણના બાઇકની લૂંટ ચલાવી હતી અને ભાગ્યો હતો અને પોલીસમેન પર છરીથી હુમલો કરવાની કોશિશ કરી હતી.

અઝીઝ ઝડપાતા તેણે જે તે સમયે 16 ગુનાની કબૂલાત આપી હતી, પોલીસે તેની પાસેથી સોનાના ત્રણ ચેઇન અને એક બાઇક જપ્ત કર્યું હતું. ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં અઝીઝે વધુ બે ગુનાની કબૂલાત આપી હતી. 14 સપ્ટેમ્બર 2019ના હંસરાજનગરમાં કરિશ્માબેનની ડોક પરથી રૂ.27 હજારના ચેઇનની ચીલઝડપ કરી હતી આ અંગે તત્કાલીન સમયે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તેમજ 11 સપ્ટેમ્બર 2020ના હેડ પોસ્ટ ઓફિસ નજીકથી સ્કૂટર ચોરી કરી હતી, ચોરાઉ સ્કૂટર કબજે કર્યું હતું. પ્ર.નગર પોલીસે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા અઝીઝની રવિવારે ધરપકડ કરી હતી, વધુ કેટલાક ગુનાના ભેદ ઉકેલાવાની આશાએ આરોપીને રિમાન્ડની માંગ સાથે સોમવારે કોર્ટમાં રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...