સુપર એક્સક્લુઝિવ:માતા અનંતની વાટે, બહેન નયનાબાની મમતા હેઠળ રવિન્દ્ર જાડેજા મોટો થયો, ભાવુક થઈ કહ્યું- ભાઈ હાજર ન હોય ત્યારે હું ગણપતિને રાખડી બાંધુ છું

રાજકોટ9 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • રવિન્દ્રના નામથી અમારો પરિવાર ઓળખાય છે, આનાથી મોટી કંઈ ગિફ્ટ જોઈએ: નયનાબા જાડેજા
  • પિતાની ઇચ્છા મોટો આર્મી ઓફિસર બનાવવાની, આર્મી ઓફિસરની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી

‘અનેક વખત અન્ય તહેવાર અને ખાસ રક્ષાબંધનમાં ભાઈ હાજર નથી હોતો ત્યારે મા આશાપુરા માતાજીના ચરણોમાં રાખડી મૂકી અને ગણપતિને રાખડી બાંધુ છું અને ભાઈ માટે પ્રાર્થના કરું છું’. આ શબ્દો છે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રિકેટ જગતમાં ઓલરાઉન્ડરની નામના મેળવનાર ખેલાડી રવિન્દ્ર જાડેજાની બહેન નયબા જાડેજાના. નયબા જાડેજા જ્યારે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા હતા ત્યારે ભાવુક બની ગળગળા થઇ ગયા હતા. માતાએ જ્યારથી અનંતની વાટ પકડી ત્યારથી જ નયબાએ મમતાનો પ્રેમ આપી રવિન્દ્ર જાડેજાને મોટો કર્યો અને ક્રિકેટર બનાવ્યો.

નયનાબા ન હોત તો રવિન્દ્ર પણ ક્રિકેટર ન હોત
નયનાબા ન હોત તો રવિન્દ્ર પણ ક્રિકેટર ન હોત. નયનાબાએ ભાવુક બની વધુમાં જણાવ્યું હતું કે, રવિન્દ્ર માત્ર 17 વર્ષનો હતો અને તેની માતા લતાબા એટલે કે મારા માતા અકસ્માતમાં ગુજરી ગયા હતા. તે ક્ષણે તો અમારા માથે જાણે આભ જ તૂટી પડ્યું હતું. કારણ કે અમારા ત્રણ ભાઈ-બહેનમાં રવિન્દ્ર સૌથી નાનો હતો. ભાઈની આંખોમાં તો કંઈક સપનાં હતા. જેને સાકાર કરવાના હતા. આમ છતાં મેં લતાબાની જગ્યા લઈને આર્મી ઓફિસરની પરીક્ષામાં પાસ કરવા છતાં રવિને ક્રિકેટર બનાવ્યો. આનું કારણ એટલું જ કે મમ્મીનું સપનું હતું કે રવિ ક્રિકેટર બને, જેને સાકાર કરવામાં મારાથી બનતું બધુ જ કર્યું અને સફળતા મળી. આ વાતનું મને ખૂબ જ ગૌરવ છે. આજે પણ ભાઈ હાજર નથી અને ગણપતિ દાદાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે. નાનપણથી જ માતાનો પ્રેમ આપી રવિન્દ્રને ઉછર્યો છે.

દિવ્ય ભાસ્કરે નયબાને પૂછેલા પ્રશ્નો

દિવ્ય ભાસ્કર: રવિન્દ્ર આપને રક્ષાબંધન પર શું ભેટ આપે છે?
નયનાબા: ભેટ, તેણે જીવનમાં જે હાંસલ કર્યું છે એ જ મારા માટે મોટી ભેટ છે. હું જ્યાં પણ જઉં છું ત્યાં લોકો મને રવિન્દ્ર જાડેજાની બહેન તરીકે ઓળખે છે, માન-સન્માન આપે છે. તેના નામથી અમારો પરિવાર ઓળખાય છે. આનાથી વિશેષ બીજું શું જોઈએ.

દિવ્ય ભાસ્કર: તમે કેટલા ભાઈ-બહેન છો?
નયનાબા: અમે 3 ભાઈ-બહેન છીએ. સૌથી મોટી હું, મારા પછી નાની પદ્મિનીબા અને રવિન્દ્ર સૌથી નાનો છે.

દિવ્ય ભાસ્કર: રવિન્દ્ર સાથેનો બાળપણનો કોઈ યાદગાર પ્રસંગ જણાવશો
નયનાબા: આમ તો ઘણા યાદગાર પ્રસંગો છે. પણ એક પ્રસંગ મને યાદ છે. રવિ જ્યારે નાનો હતો ત્યારે તોફાની તો ખૂબ જ હતો. એ જ્યારે નાનો હતો ત્યારે હું તેને સ્કૂલે તેડવા જાઉં ત્યારે જો તેની મનગમતી વાનગી જોઈ જાય તો તે ચીજને એમને એમ પછી માગવાની જીદ કરતો હતો.

દિવ્ય ભાસ્કર: રવિન્દ્ર ક્રિકેટર કંઈ રીતે બન્યો?
નયનાબા: પપ્પાની ઈચ્છા તો રવિને આર્મીનો મોટો ઓફિસર બનાવવાની હતી. મેં આ માટે રવિને આર્મીની એક ટ્યુશન સ્કૂલમાં 6 મહિના માટે તો ટ્રેનિંગ પણ અપાવી હતી. પણ મારી મમ્મીનું સપનું હતું કે રવિ એક દિવસ ઈન્ડિયાની ટીમ માટે ક્રિકેટ રમે, રવિ પણ નાનપણથી એ માટે મહેનત કરતો હતો અને તેણે નાનપણમાં જ તેની મમ્મીને કહ્યું હતું કે, મમ્મી એક દિવસ હું ઈન્ડિયા માટે ક્રિકેટ રમીશ. હવે તેની માતાના નસીબમાં રવિને આજે ઈન્ડિયા માટે ક્રિકેટ રમતો જોવાનું નહીં હોય. પરંતુ તેણે પોતાનું વચન પૂરું કર્યું એ વાતનો અમને બધાને આજે આનંદ પણ છે અને ગર્વ પણ છે.

દિવ્ય ભાસ્કર: માતાના નિધન પછી પરિવારને તમે કંઈ રીતે સંભાળ્યો?
નયનાબા: 2005માં મારા મધર ગુજરી ગયા. એ વખતે મારુ નર્સિંગ ચાલતું હતું ત્યારે રવિ 15-16 વર્ષનો હતો. અચાનક આ વધુ બન્યું એટલે મેં વિચાર્યું કે હું પરિવારનું ધ્યાન નહીં રાખું તો કોણ ધ્યાન રાખશે. મેં પરિવાર માટે જે કર્યું એ મારી ફરજ હતી અને મને ગર્વ છે કે હું મારા મમ્મીની જેમ મારા પરિવારની સાંભળી શકી

દિવ્ય ભાસ્કર: આવનારા સમયમાં આપ રવિન્દ્રને ક્યાં શિખરો સર કરતા જોવા માંગો છો?
નયનાબા: અત્યાર સુધી તે ઈન્ડિયા માટે રમ્યો છે. ઘણું સારું પરફોર્મ કર્યું છે. મારી એક જ ઈચ્છા છે કે તે આમ જ સારું પરફોર્મન્સ આપતો રહે અને હાલ જે સ્ટેજ પર છે તેનાથી એક સ્ટેજ અપ જઈને વધુ સારું પ્રદર્શન કરે. હંમેશા ઈન્ડિયા માટે રમે અને પોતાનું 100 % આઉટપુટ આપીને નંબર 1ની પોઝિશન પ્રાપ્ત કરે.

રવિને મોટો કરવામાં મોટો સિંહફાળો મારી મોટી દીકરીનોઃ જાડેજાના પિતા
આ અંગે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રવિની મમ્મી તો હતી નહીં એટલે મારી બે દીકરી અને રવિ એમ ત્રણ બાળકો માટે મમ્મી પણ હું હતો અને પપ્પા પણ હું જ હતો. અમે કંઈ ઘટવા દીધું નહોતું. એ સમયે મારી મોટી દીકરી નયનાબાએ જ રવિની સાર-સંભાળ રાખવાનું શરુ કરી દીધું હતું. હું સાચુ કહું તો મને રવિને આજનો રવિન્દ્ર જાડેજા બનાવવામાં મારા કરતા પણ મોટો સિંહફાળો મારી મોટી દીકરી નયનાબાનો છે.

મા ગુજરી ગઈ પછી રવિ ભાંગી પડ્યો હતો
વધુમાં જણાવ્યું હતું કે, નયનાબા ના હોત તો રવિ આજે જ્યાં છે ત્યાં પહોંચી જ શક્યો ન હોત. મા ગુજરી ગઈ પછી રવિ પડી ભાંગ્યો હતો અને તેણે નક્કી પણ કરી લીધું હતું કે મારે હવે ક્રિકેટ નથી રમવું. આવામાં નયનાબાએ તેને માનો પ્રેમ આપીને સાચવ્યો. તેની નાની-નાની જરૂરિયાતોનું ખૂબ ધ્યાન રાખ્યું. તેની કીટ તૈયાર કરવા, કપડાં તૈયાર કરવા, મોજાં સુદ્ધાં ધોવાનું કામ નયનાબા કરતા હતા.

નયનાબા જડ્ડુસ રેસ્ટોરાંનું સંચાલન કરે છે.
નયનાબા જડ્ડુસ રેસ્ટોરાંનું સંચાલન કરે છે.

નયનાબા રાજકોટમાં જડ્ડુસ રેસ્ટોરન્ટનું સંચાલન કરે છે
ઉલ્લેખનીય છે કે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા જડ્ડુસ રેસ્ટોરાંનું સંચાલન રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા કરી રહ્યાં છે. નાનપણમાં રવિન્દ્ર જાડેજાને પરિવારજનો જડ્ડુસ કહેતા હતા. આથી રવિન્દ્ર જાડેજાએ પોતાના રેસ્ટોરાંનું નામ જડ્ડુસ રાખ્યું હતું. જાડેજાના હુલામણા નામ પરથી રેસ્ટોરાંનું નામ જડ્ડુસ ફૂડ ફિલ્ડ રખાયું. ક્રિકેટ થીમ પર આધારિત રેસ્ટોરાંમાં ક્રિકેટની સામગ્રીનો સંગ્રહ છે. આ ઉપરાંત તેઓ મહિલા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીનું પદ પણ સાંભળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...