મનાલીમાં રાજકોટના યુવાનોની સાહસિકતા:કહ્યું- 18,300 ફૂટની ઊંચાઇએ ખારદુંગલાથી પરત ફરતી વખતે પેન્ડલ માર્યા વગર સાઇકલ 70 કિમીની ઝડપે દોડી

રાજકોટ15 દિવસ પહેલા
રાજકોટના સાઇક્લિસ્ટોની મનાલી-લેહમાં સાહસિકતા.

રાજકોટના યુવાનો મનાલી-લેહ ગયા હતા. બાદમાં 18,300 ફૂટની ઊંચાઈએ આવેલા ખારદુંગલા અને ત્યાંથી પરત મનાલી એમ કઠિન ઉતાર-ચઢાવવાળા 600 કિમીનું અંતર સાઇકલથી કાપ્યું હતું. જેમાં ભાર્ગવ સેજપાલે જણાવ્યું હતું કે, પરત ફરતી વખતે પેન્ડલ માર્યા વગર અમારી સાઇકલ 70 કિલોમીટરની સ્પીડે દોડી રહી હતી.

ભાર્ગવ સૌથી નાની ઉંમરનો સાઇક્લિસ્ટ
ધો.12માં ઉત્તીર્ણ થયેલા ભાર્ગવ એન. સેજપાલ, શિક્ષક રાજેન્દ્ર એ.કોરડિયા, ઉદ્યોગપતિ સાગર એમ.કામદાર, સુનિલ પી.સિદ્ધપુરા, બેંકર વિજયભાઇ એચ.ગઢવી અને ટ્રેકર મયૂર કે.વામજાએ તાજેતરમાં યૂથ હોસ્ટેલના માધ્યમથી મનાલી-લેહ ગયા હતા. ત્યાંથી 18,300 ફૂટની ઊંચાઇએ આવેલા ખારદુંગલા અને અહીંથી પરત મનાલી એમ કઠિન ઉતાર-ચઢાણવાળા 600 કિ.મી.નું અંતર કાપ્યું હતું. જેમાં અન્ય રાજ્યોના 86 સાઇક્લિસ્ટો આ પ્રવાસમાં જોડાયા હતા. જેમાં ભાર્ગવ સૌથી નાની ઉંમરનો સાઇક્લિસ્ટ હતો.

પરત ફરતી વખતે સાઇકલને પેન્ડલ માર્યા વગર 600 કિમીનું અંતર કાપ્યું.
પરત ફરતી વખતે સાઇકલને પેન્ડલ માર્યા વગર 600 કિમીનું અંતર કાપ્યું.

પ્રવાસને નિર્વિઘ્ને પૂરો કરતા અમારો આત્મવિશ્વાસ વધ્યો
પહેલી જ વખત આ કઠિન સાઇકલ ટૂર કરનાર રાજકોટના સાઇક્લિસ્ટોએ જણાવ્યું હતું કે, અમે રોજ શહેરમાં 25-30 કિમીનું સાઇક્લિંગ કરતા હોઇએ છીએ અને આ પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું. લેહ વિસ્તારમાં ઓક્સિજનનું લેવલ ઓછું હોઇ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જાણતા હોવાથી અમે પ્રવાસ કરતા પૂર્વે જ યોગ ચાલુ કરી દીધા હતા. સવારે 7થી 4 વાગ્યા સુધી સાઇક્લિંગ કરી 50થી 60 કિ.મી.નું અંતર રોજ કાપતા. અંતિમ 40 કિમીનું અંતર બહુ જ કઠિન લાગ્યું હતું. ખારદુંગલાથી પરત ફરતી વખતે પેંડલ મારવાનો વખત જ નહોતો આવ્યો. સ્પીડોમીટરથી ચેક કરતા અમારી સાઇકલ 70 કિમીની ઝડપે ચાલતી હતી. પહેલી જ વખતના કઠિન પ્રવાસને નિર્વિઘ્ને પૂરો કરતા અમારો આત્મવિશ્વાસ વધી ગયો છે.

રાજકોટના યુવાનોએ મનાલી-લેહમાં સાઇક્લિંગ કર્યું.
રાજકોટના યુવાનોએ મનાલી-લેહમાં સાઇક્લિંગ કર્યું.