લગ્નના અઠવાડિયામાં જ પતિ સહિતના સાસરિયાઓના ત્રાસનો ભોગ બનેલી ઉર્વશી નામની પરિણીતાએ લોધિકાના સાંગણવા ગામે રહેતા પતિ નિલેશ સોરઠિયા, સસરા રમેશભાઇ જબુભાઇ, સાસુ મુક્તાબેન, કાકાજી રસિકભાઇ, કાકીજી જયશ્રીબેન, દિયર મૌલિક, નણંદ કિંજલબેન અને મોટા સાસુ રંભાબેન જબુભાઇ સોરઠિયા સામે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા બે વર્ષથી પેડક રોડ સેટેલાઇટ પાર્કમાં માવતરે રહેતી ગ્રેજ્યુએટ ઉર્વશીની ફરિયાદ મુજબ, તેના લગ્ન તા.11-2-2020ના રોજ નિલેશ સાથે થયા છે.
નિલેશને રાજકોટમાં મકાન છે અને તે કારખાનું ચલાવે છે, લગ્ન બાદ બંનેને રાજકોટ જ રહેવાનું હોવાનું સાસરિયાઓએ કહ્યું હતું. લગ્ન બાદ સાંગણવા ગામે સાસરે ગઇ હતી. ત્યાં અઠવાડિયામાં જ સાસરિયાઓએ માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. ત્યારે પોતાને એવું જાણવા મળ્યું કે, પતિ નિલેશ રમેશભાઇના નહિ પરંતુ સસરાના નાના ભાઇ રસિકભાઇનો પુત્ર હોવાનું અને સસરાએ સંતાન ન હોવાથી નિલેશને દત્તક લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
બાદમાં રાજકોટ જવાની વાત કરતા કાકાજી સાસુ અને સસરાએ ગાળાગાળી કરી તારે ક્યાંય જવાનું નથી અહીં જ રહેવાનું છે તેમ કહી પોતાને ઘરની બહાર પણ નીકળવા દેતા ન હતા. દિયર મૌલિક દારૂનો નશો કરી પોતાની પાસે નોનવેજ બનાવવા માટે અવારનવાર દબાણ કરતા હતા. પિયરમાંથી ફોન આવે તો વાત પણ કરવા દેતા ન હતા. પોતાનું દાંપત્ય જીવન તૂટે નહિ તે માટે કોઇ આનાકાની કર્યા વગર પોતે પતિ સાથે સાસરે જતી રહી હતી. સાસરે જતાની સાથે જ ફરીથી સાસુ-સસરા સહિતનાઓએ પોતાને માનસિક ત્રાસ આપી માર મારવાનું શરૂ કર્યું હતું.
અને પોતે બીમાર રહેતી હોવા છતાં બળજબરીથી ઘરનું, વાડીનું તેમજ ઢોર-ઢાંખરનું કામકાજ કરાવતા હતા. પતિ સહિતનાઓનો ત્રાસ સહન કરવા છતાં પોતાને તા.23-7-2020ના રોજ બપોરે પહેરે કપડે કાઢી મૂકતા પોતે પિયર આવી ગઇ હતી. બે વર્ષ સુધી કોઇ મારી દરકાર નહિ કરતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.