ખોડલધામ 'નરેશ'ની સ્પષ્ટતા:રાજકોટ એરપોર્ટ પર કહ્યું: કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે નહીં, 4 MLA સાથે દિલ્હી એરપોર્ટ પર મુલાકાત થઇ હતી

રાજકોટ3 મહિનો પહેલા
  • ધારાસભ્યોની ઇચ્છા છે કે હું કોંગ્રેસમાં જોડાઉં, મારે કોઇ સાથે વાતચીત થઇ નથી: નરેશ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ખોડલધામના પ્રમુખ અને શક્તિશાળી રાજકીય નેતા નરેશ પટેલના રાજકીય પ્રવેશ વિશે લાંબા વખતથી ચાલી રહી છે. ટાયરે ગઈકાલે તેઓ દિલ્હી ગયા હતા. અને એવી પણ વાત સામે આવી હતી કે તેમણે કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ સાથે બેઠક કરી છે.આ અંગે ખુલાસો કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારી કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે નહીં, કોંગ્રેસના જ 4 MLA સાથે દિલ્હી એરપોર્ટ પર મુલાકાત થઇ હતી.

ધારાસભ્યો આજે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવાના હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખાસ તો કોંગ્રેસના ધારાસભ્યોની ઇચ્છા છે કે હું કોંગ્રેસમાં જોડાઉં. બાકી મારે કોઇ સાથે વાતચીત થઇ નથી. હા, એ વાત સાચી છે કે અમે મળ્યા એ અંગે ધારાસભ્યો આજે દાહોદમાં રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવાના હતા. પરંતુ મારો કોઈએ સંપર્ક કર્યો નથી. શનિવાર સુધીમાં ખોડલધામ સમિતીનો સર્વે પૂર્ણ થશે. એટલે હું આગામી 17થી 27 મે સુધીમાં રાજકારણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેનો નિર્ણય જાહેર કરીશ.

ક્યા પક્ષ સાથે જોડાશે તે વિશે જબરી રાજકીય ઉત્તેજના
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે ખોડલધામની રાજકીય કમિટી ઉપરાંત રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર મારફત પણ સર્વે કરાવ્યો છે અને આ બંને સર્વેના સંકલીત તારણના આધારે જ તેઓ રાજકીય નિર્ણય લેવાના છે. અત્યાર સુધીમાં તેઓ દ્વારા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપના નેતાઓ સાથે પણ એકથી વધુ વખત બેઠક કરવામાં આવી જ છે. તેઓ ક્યા પક્ષ સાથે જોડાશે તે વિશે જબરી રાજકીય ઉત્તેજના છે. હવેનું એક સપ્તાહ રાજકીય ઉત્તેજનાભર્યુ બનવાનું મનાય છે.

અન્ય સમાચારો પણ છે...