છેતરપિંડી:રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં રૂ.80 લાખના ચણા ખરીદી સાંઈ ટ્રેડર્સ રફુચક્કર, વેપારીઓએ CPને રજૂઆત કરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સાંઈ ટ્રેડર્સનું બેંક ખાતુ સીઝ કરવા માંગણી કરવામાં આવી

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં કમિશન એજન્ટોને અને વેપારીઓને રૂા.80 લાખનો ચુનો ચોપડીને સાંઈ ટ્રેડર્સ નામની પેઢીના સંચાલક રફુચક્કર થઈ જતા આજે કમિશન એજન્ટ એસો. દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરીને પેઢીનું બેંક ખાતુ સીઝ કરવા માંગણી કરવામાં આવી હતી.

રૂ.80 લાખના ચણાની ખરીદી કરવામાં આવી
બેડી માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસો. દ્વારા પોલીસ કમિશ્નરને કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું હતું કે બેડી માર્કેટીંગ યાર્ડમાં સાંઈ ટ્રેડર્સના નામે દિલીપભાઈ સમસુદીનભાઈ કચ્છી છેલ્લા એકાદ વર્ષથી પેઢી ધરાવતા હતા. રજુઆતમાં વધુમાં જણાવાયું હતું કે સાંઈ ટ્રેડર્સના માલીક દિલીપભાઈ કચ્છી દ્વારા છેલ્લા છ-સાત દિવસમાં આશરે 35થી 40 પેઢીઓ પાસેથી રૂા.80 લાખના ચણાની ખરીદી કરવામાં આવી હતી.

મિશન એજન્ટ એસો. દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી
મિશન એજન્ટ એસો. દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી

વેપારીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે
રૂ.80 લાખના ચણાની ખરીદી કર્યા બાદ દિલીપભાઈ કચ્છી કમીશન એજન્ટ અને વેપારીઓને નાણા ચુકવ્યા વગર જ અચાનક પલાયન થઈ જતા કમીશન એજન્ટ અને વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દિલીપભાઈ કચ્છી રૂ.80 લાખના ચણાની ખરીદી કર્યા બાદ ગુમ થયા પછી તેમનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ મળવા લાગતા વેપારીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

રૂ.33 લાખ જેટલી રકમ જમા છે
બેડી માર્કેટીંગ યાર્ડના વેપારીઓ અને કમીશન એજન્ટોએ દિલીપભાઈના નિવાસસ્થાને તપાસ કરતા ત્યાં પણ અલીગઢી તાળા જોવા મળ્યા હતા. યાર્ડમાં દિલીપભાઈ સમસુદીનભાઈ કચ્છીની સાંઈ ટ્રેડર્સમાં પણ તાળા લાગી ગયા છે. કમીશન એજન્ટ એસો. એ પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆતમાં વધુમાં જણાવ્યું હતું કે દિલીપભાઈ આરડીસી બેન્કમાં ખાતુ ધરાવે છે અને તેમના ખાતા નં. 614084048471 છે. દિલીપભાઈના આ ખાતા અંગે તપાસ કરાવતા તેમાં રૂા.33 લાખ જેટલી રકમ જમા છે.

બેંક ખાતાને સીઝ કરાવામાં આવે
વેપારીઓ અને કમિશન એજન્ટોએ પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે તાકીદે તેમના બેંક ખાતાને સીઝ કરાવી દેવામાં આવે. જેથી વેપારીઓ અને કમીશન એજન્ટોને નાણાં પરત મળવાની આશા બંધાઈ. બેડી માર્કેટીંગયાર્ડમાં વેપારીઓ અને કમીશન એજન્ટોને રૂા.80 લાખનું બુચ મારી દેનાર દિલીપભાઈ સમસુદીનભાઈ કચ્છી દ્વારા કરવામાં આવેલી છેતરપીંડીનો આંક હજુ પણ ઉંચો જવાનો અને આશરે રૂા.એકાદ કરોડનું સાંઈ ટ્રેડર્સના સંચાલકે કરી નાંખ્યાનું વેપારીઓમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.