રાજકોટના બે નેતા આપમાં ચમક્યા:કોંગ્રેસમાં પાતળી સરસાઈથી હારેલા સાગઠીયાને ગ્રામ્ય અને લેઉવા પટેલ સમાજના બારસિયાને દક્ષિણની ટિકિટ મળી

રાજકોટ10 દિવસ પહેલા
રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર શિવલાલ બારસીયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આજે આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ 10 બેઠક પર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં રાજકોટ ગ્રામ્ય અને રાજકોટ દક્ષિણ બેઠક પરથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્યમાંથી વશરામ સાગઠીયા અને રાજકોટ દક્ષિણ બેઠક પરથી શિવલાલ બારસીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી પોતાની લીટી લાંબી કરી જીતનો દાવો કરવામાં આવ્યો છે.

વિધાનસભા એક મંદિર છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા મહિનાઓ બાકી છે ત્યારે આજે પ્રથમ ઉમેદવારોની યાદી આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં આજે પ્રથમ 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે,વિધાનસભા એ એક મંદિર છે મંદિરમાં કેવા લોકો જઇ શકે પૂજા કરી શકે તેનું ઉદાહરણ આમ આદમી પાર્ટી દ્વાર પૂરું પાડવામાં આવ્યું છે અને ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે. ચૂંટણી સમયે ભાજપ કોંગ્રેસ એક બીજાના ઉમેદવાર યાદી જાહેર થવાની રાહ જોતા હોય છે તેવામાં આમ આદમી પાર્ટી એ આજે 10 ઉમેદવારોની સૌપ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ખરા અર્થમાં લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવી લોકોની સુખાકારીમાં જોડાયેલ રહેતા હોય તેમને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.

AAPના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ
AAPના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ

કોંગ્રેસની આંતરિક લડાઇના કારણે સાગઠીયા હાર્યા
તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્યમાં વશરામ સાગઠીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે કે જેઓ ભાજપ સરકાર સામે સક્ષમ વિપક્ષ નેતા બની લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા અને કોંગ્રેસની આંતરિક લડાઇના કારણે પાછલી વિધાનસભાની ચૂંટણીમાં પાતળી સરસાઇથી તેઓ માત્ર 2200 મતથી હાર્યા હતા પરંતુ આ વખતે તેઓ ચોક્કસ જીતી વિધાનસભા ગૃહમાં પહોંચશે જયારે દક્ષિણ બેઠકના ઉમેદવાર શિવલાલ ભાઈ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે હાલમાં ચેમ્બર ઓફ કોમર્સના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ સભ્ય છે ત્યારે વેપારીઓના પ્રશ્ન ખુબ સારી રીતે તેઓ ઉકેલે છે અને સમાજ માં પણ સારી નામના ધરાવે છે માટે તેમની પસંદગી કરવામાં આવી છે.

હું લોકોના પ્રશ્નો માટે કામ કરીશ
રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર શિવલાલ બારસીયાએ જણાવ્યું હતું કે પાર્ટીએ મારા પર ભરોસો મૂકી મને દક્ષિણ બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે ત્યારે હું તે વિશ્વાસમાં ખરો ઉતરીશ અને દક્ષિણ બેઠકમાં મોટા ભાગે મધ્યમ વર્ગીય પરિવારો વસવાટ કરે છે માટે તેમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે મારા હરહમેશ પ્રયત્નો રહેશે. ભાજપ કોંગ્રેસના ઉમેદવાર કોણ છે તે જોવા બદલે તેની લીટી ટૂંકી કરવા બદલે મારી લીટી લાંબી કરી હું લોકોના પ્રશ્નો માટે કામ કરીશ. ચૂંટણી વહેલી જાહેર થશે તેવી વાતો વચ્ચે અમે બુથ લેવલનું પ્લાનિંગ કરી હતી આજે અમારું બુથ લેવલનું પ્લાનિંગ પૂર્ણ થઇ ગયેલ છે માટે આ ચૂંટણી જીતવી અમારા માટે સરળ બની રહેશે.

AAPના રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર વશરામ સાગઠીયા
AAPના રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર વશરામ સાગઠીયા

હું ચૂંટણી લડીશ અને જીતીશ
તેમને વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ બેઠકમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારે જરૂર છે પરંતુ હું દરેક સમાજને દરેક વર્ગને સાથે રાખી ચૂંટણી લડીશ. સામાન્ય માણસ હોય કે, વેપારી હોય કે મોટા ઉદ્યોગપતિ દરેક ને સાથે રાખી હું ચૂંટણી લડીશ અને જીતીશ. અત્યાર સુધી 10 વર્ષ સુધી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં હોદેદાર રહી ચુક્યા છે તેમજ પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર સમાન ખોડલધામ સંસ્થાના પણ તેઓ ટ્રસ્ટી રહી ચુક્યા છે.

સાયકલ ગોઠવવાની નોકરી કરતા
શિવલાલ બારસીયા મૂળ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામના વાતની છે અને વર્ષ 1982 થી તેઓ રાજકોટ આવ્યા છે. ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ રાજકોટમાં એસ્ટ્રોન સિનેમાની અંદર સાયકલ સ્ટેન્ડ માં સાયકલ ગોઠવવાની નોકરી કરી માસિક 168 રૂપિયા પગાર મેળવી સંઘર્ષ કરી પોતાની કારકિર્દી આગળ વધારી છે. તેઓ રાજકોટ સૌરાષ્ટ્રના અગ્રગણીય વેપારીઓમાં સ્થાન ધરાવે છે.

ભાજપનો ગઢ યથાવત રહેશે !
ઉલ્લેખનીય છે કે વર્ષોથી રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપનો કબ્જો છે અને ભાજપના ઉમેદવાર આ બેઠક પરથી જીતાઇને આવી રહ્યા છે. ભાજપના સિનિયર નેતા ગોવિંદ પટેલ આ બેઠક પરથી જ ચૂંટાઇ ને મંત્રી પદ પણ હાસિલ કરેલ છે ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઢમાં ગાબડું પડશે કે પછી ભાજપનો ગઢ યથાવત રહેશે તે જોવું મહત્વનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...