તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પ્રેમીના દુષ્કર્મથી માતા બનેલી સગીરાના પરિવારે જન્મ પહેલાં જ બાળકીને ફેંકી દેવાનું નક્કી કર્યું હતું

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડધરીના ખીજડિયા પાસે બાળકીને જન્મ આપી સગીરા ત્રણ કિ.મી. ચાલીને કાકાના ઘરે પહોંચી હતી
  • પોલીસને જોતાં જ સગીરાને લઇ તેનો પિતા બાઇકમાં ભાગ્યો, છ કલાક દોડધામ બાદ અંતે ઝડપી લીધા

પડધરીના ખીજડિયા ગામના તળાવના પટ્ટમાંથી શનિવારે સવારે નવજાત બાળકી મળી આવી હતી, પોલીસે બાળકીને જન્મ દેનાર સગીરાને પકડી પૂછપરછ કરતાં કાળજું કંપાવી દે તેવી હકીકત બહાર આવી હતી. સમગ્ર ઘટના પરથી ભેદ ઉકેલનાર પડધરીના મહિલા પીએસઆઇ એ.એ.ખોખરે ‘દિવ્ય ભાસ્કર’ સાથે કરેલી વિસ્તૃત વાતચીત તેમના જ શબ્દોમાં અત્રે પ્રસ્તુત છે.

શનિવારે સવારે 6.30 વાગ્યે નવજાત બાળકી મળ્યા બાદ અને બાળકીની માતાની શોધખોળમાં લાગી ગયા હતા, ખીજડિયા સહિતના આસપાસના ગામો ખૂંદતા ખૂંદતા ખીજડિયાની બાજુમાં જ આવેલા એક ગામની વાડીમાં પહોંચ્યા ત્યારે ત્યાં ભેદી હિલચાલ જોવા મળી હતી, વાડીની ઓરડીમાં તપાસ કરતાં પ્રસૂતાની દવાઓ અને ફાઇલ મળી આવતા ત્યાં હાજર લોકોની આગવીઢબે પૂછપરછ કરતાં એ ઓરડીમાં જ રહેતી 17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યાની અને તે બાળકીને લઇને તેનો પિતા બાઇકમાં ભાગી ગયાની માહિતી મળી હતી.

પોલીસે સગીરાના પિતાના મોબાઇલ નંબર પરથી તેનું લોકેશન મેળવવાનું શરૂ કર્યું હતું, સગીરાને લઇ તેનો પિતા છ કલાક સુધી પડધરી અને જામનગરની હદમાં ફરતો હતો અંતે પોલીસે બંનેને ઝડપી લીધા હતા. સગીરાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, અગાઉ પરિવાર સાથે અમરેલીમાં ખેતમજૂરી કરતા હતા ત્યારે એમ.પી.ના જ એક સગીરવયના શખ્સ સાથે પ્રેમ થયો હતો અને તેની સાથેના શારીરિક સંબંધને કારણે પોતે સગર્ભા બની હતી, સગીરા સગર્ભા થતાં તેના માતાપિતાએ જે બાળક જન્મે તેને ફેંકી દેવાની વાત કરી હતી.

શુક્રવારે રાત્રે વાડીમાં ઘરના તમામ સભ્યો સુતા હતા ત્યારે સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતાં તે ઓરડીથી ચાલવા લાગી હતી અને ખીજડિયાની સીમમાં તળાવ પાસે પહોંચી ત્યારે પીડા અસહ્ય બની હતી, મધરાતે સગીરા એકલી હતી તે વખતે જ ઘોરઅંધારામાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપી સગીરાએ જાતે જ તેની નાળ કાપી નાખી હતી અને બાળકીને ઉઠાવીને થોડેદૂર જઇ તળાવના પટ્ટમાં ફેંકી દીધી હતી, ત્યાંથી સગીરા ત્રણ કિ.મી.ચાલીને જામનગર હાઇવે પર ટોલનાકે પહોંચી હતી અને ત્યાંથી રિક્ષા કરી ખજૂરડી ગામે રહેતા તેના કાકા-કાકીના ઘરે પહોંચી હતી.

કાકાએ ફોન કરી સગીરાના પિતાને જાણ કરતાં તે ત્યાં પહોંચ્યો હતો અને સગીરાને ફરીથી ખીજડિયા લઇ આવ્યો હતો, જોકે પોલીસ પહોંચતા તે ભાગ્યો હતો. પોલીસે બાળકીને તરછોડવાના ગુનામાં સગીરા, તેના માતા-પિતા સામે ગુનો નોંધ્યો હતો.

પિતા સગીરાને વતન મધ્ય પ્રદેશ ભગાડી દેવાનો હતો
પોલીસને જોતા જ ભાંડો ફૂટી જશે તેવો ભય લાગતા સગીરાને લઇ તેનો પિતા બાઇક પર ભાગ્યો હતો. છ કલાક સુધી અલગ-અલગ સ્થળોએ ભાગતો ફર્યો હતો. અંતે પોલીસને હાથ આવી ગયો હતો. સગીરાના પિતાએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, તેની પુત્રએ બાળકને જન્મ આપ્યાની વાત જાહેર ન થાય તે માટે નવજાત બાળકને ફેંકી દેવામાં આવ્યું હતું અને સગીરાને તેના વતન મધ્યપ્રદેશ મોકલી દેવાનો હતો. પરંતુ કોઇ વાહન મળે તે પહેલાં જ પોલીસ પહોંચી ગઇ હતી અને ભાંડો ફૂટી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...