ચેતવણીરૂપ કિસ્સો:રાજકોટમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અસરથી અંજાયેલી સગીરાએ અભિનેત્રી બનવા ઘરે કહ્યાં વગર મુંબઇની વાટ પકડી, પોલીસે ટ્રેનમાંથી શોધી પરિવારને સોંપી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલવીયાનગર પોલીસે સગીરાને પરિવારને સોંપી. - Divya Bhaskar
માલવીયાનગર પોલીસે સગીરાને પરિવારને સોંપી.
  • અભિનેત્રી બનવાનો શોખ હોય તે પૂરો કરવા મુંબઇ જાવ છું લખેલી ચિઠ્ઠી સગીરાના પરિવારજનોને મળી હતી
  • મુંબઇ જતી સૌરાષ્ટ્ર મેલમાં સગીરા હોવાની બાતમી મળતા રેલવે પોલીસે વીરમગામ ખાતે હસ્તગત કરી હતી

રાજકોટ માલવીયાનગર સ્ટેશન વિસ્તાર હદમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી કોઇને કહ્યા વગર ઘરેથી એકલી નીકળી ગઇ હતી. બાદમાં તપાસ કરતા પરિવારને 3 પાનાની એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેને અભિનેત્રી બનવાનો શોખ હોય તે પૂરો કરવા માટે મુંબઇ જાવ છું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આથી પરિવારજનોએ માલવીયાનગર પોલીસ સ્ટાફને જાણ કરી અરજી આપતા પોલીસે તુરંત કાર્યવાહી કરી સગીરાને સહીસલામત તેના પરિવારને સોંપી છે.

સગીરાના પિતાએ અરજી કરતા પોલીસે એક્શનમાં આવી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે સગીરાના પિતાએ આવી જણાવ્યું હતું કે, પોતાની સગીર વયની દીકરી ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી છે. દીકરીને અભિનેત્રી બનવાનો શોખ હોય તે સપનું પુરૂ કરવા ઘર છોડી જતી રહી હોવાની વિગતો લખેલી ત્રણ પાનાની ચીઠ્ઠી ઘરે મૂકી જતી રહી છે. આથી માલવીયાનગર પોલીસ સ્ટેશને અરજી લઇ બનાવની ગંભીરતાને સમજી સગીરાને તાત્કાલિક શોધી કાઢવા માટે સ્ટાફને સૂચના આપી દીધી હતી.

પોલીસે બીટ વાઇઝ ટીમો બનાવી સગીરાની શોધખોળ હાથ ધરી હતી
માલવીયાનગર પોલીસે બીટ વાઇઝ ટીમો બનાવી સગીરાના ફોટોગ્રાફ્સ, તેના ઘરેથી નીકળતી વખતે પહેરેલા કપડાના વર્ણન ઉપરથી, સીસીટીવી, ટેકનિકલ સોર્સ, અન્ય હ્યુમન સોર્સિસ મારફત, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો વગેરે સ્થળોએ તપાસ કરી સગીરાને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી.

માલવીયાનગર પોલીસે બીટ વાઇઝ ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
માલવીયાનગર પોલીસે બીટ વાઇઝ ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

રાજકોટથી મુંબઇ જતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમા સગીરા હોવાની બાતમી મળી
દરમિયાન પોલીસને રાજકોટથી મુંબઇ જતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમા સગીરા હોવાની ચોક્કસ માહિતી મળતા આ ટ્રેનમા પેટ્રોલિંગમાં રહેલી રેલવે પોલીસ, RPFને આ સગીરાના ફોટા તથા વર્ણન વગેરે માહિતીનું સોશિયલ મીડિયા દ્વારા આદાન-પ્રદાન કરી સતત લાઇવ સંપર્કમા રહી શોધખોળ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન ટ્રેન વીરમગામ નજીક પહોંચતા જ રેલવે પોલીસને સગીરા ટ્રેનમાંથી મળી આવતા તેઓએ સમજદારીપૂર્વક અને સૂઝબૂઝથી સમજાવી વીરમગામ રેલવે સ્ટેશન ખાતે હસ્તગત કરી હતી.

રાજકોટ પોલીસ અને પરિવારજનો વીરમગામ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા
બાદમાં રેલવે પોલીસે માલવીયાનગર પોલીસને જાણ કરતા ટીમ સગીરાના પિતા અને પરિવારજનો સાથે વીરમગામ રેલવે પોલીસ સ્ટેશન પહોંચી હતી. બાદમાં રેલવે પોલીસે સગીરાને માલવીયાનગર પોલીસને સોંપતા રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. તેના વાલીની હાજરીમાં સગીરાની પૂછપરછ કરતા તેના બાળમાનસ પર ટી.વી. સિરિયલો તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની થયેલી અસરથી અંજાઇ જઇ પોતે મુંબઇ જવા માટે ઉપરોક્ત પગલું ભર્યાનું જણાવ્યું હતું.

વિરમગામથી ટ્રેનમાં મળી આવી (પ્રતિકાત્મક તસવીર).
વિરમગામથી ટ્રેનમાં મળી આવી (પ્રતિકાત્મક તસવીર).

કોઇ અઘટિત ઘટના બને તે પહેલા પોલીસે સગીરાને શોધી કાઢી
માલવીયાનગર પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા બનાવને ખૂબ જ ગંભીરતાથી લઇ આ સગીરા અજાણ્યા શહેરમા કોઇ અસામાજિક તત્વોના હાથમા પડે તે પહેલા જ શોધી લઇ તેઓના વાલીવારસને હેમખેમ સોંપી કોઇ અઘટિત બનાવ બનતો અટકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા સમય પહેલા પણ રાજકોટની એક સગીરા અભિનેત્રી બનવાના સપના સાથે મુંબઇ સુધી પહોંચી ગઇ હતી અને તેને પણ હેમખેમ રાજકોટ લાવવામાં આવી હતી.

ચિઠ્ઠી સાથે બેબાકળા પિતા પોલીસ સ્ટેશને પહોંચ્યા
એકની એક પુત્રી ઘર છોડીને જતી રહેતા પિતા બેબાકળા બની ગયા હતા, તેમણે પોલીસ સમક્ષ ચિઠ્ઠી રજૂ કરી હતી, ચિઠ્ઠી વાંચી માલવિયાનગરના પીઆઇ ભૂકણ અને પીએસઆઇ વી.કે.ઝાલા સક્રિય બન્યા હતા. તરુણીની તસવીરો પોલીસ સ્ટાફમાં શેર કરવામાં આવી હતી, તરુણીના મોબાઇલ નંબરને લોકેટ કરવાનું શરૂ કર્યુ હતું.

બાળસહજ વાત મુુંબઈમાં ચાન્સ તો મળત જ ને...
પોલીસે તરુણીને પૂછ્યું હતું કે, તારી પાસે પૂરતા પૈસા નહોતા, કોઇ સંપર્ક નહોતો તો મુંબઇ પહોંચીને શું કરત?, તરુણીએ જવાબ આપ્યો ત્યારે તેનું ભોળપણ બહાર આવ્યું હતું, તરુણીએ કહ્યું હતું કે,‘મુંબઇ રેલવે સ્ટેશને ઉતર્યા બાદ કોઇપણ વ્યક્તિને કહેત કે પોતે હીરોઇન બનવા આવી છે, કોઇપણ વ્યક્તિ હાથ જાલીને ચાન્સ આપત,’.

પિતાનો ડર મુંબઇ પહોંચી ગઇ હોત તો શું થાત
તરુણીના પિતાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, મુંબઇમાં હીરોઇન બનવાની ઘેલછામાં દેશભરમાંથી દરરોજ અનેક યુવતીઓ મુંબઇ પહોંચે છે અને તેની મજબૂરીનો લેભાગુ તત્વો ગેરલાભ ઉઠાવે છે, જો તે મુંબઇ પહોંચી ગઇ હોત અને તે એકલી છે તેવી ત્યાં કોઇને જાણ થઇ હોત તો તેની સાથે શું થાત તેવા વિચારમાત્રથી ધ્રૂજી જવાય છે.