‘સૂડી વચ્ચે સોપારી’ જેવી હાલત:રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતીય સ્ટુન્ડ્સને હાલાકી, દેશની મેડિકલ કોલેજમાં પ્રવેશ અંગે હજુ સરકારે નિર્ણય ન લેતાં ભાવિ ડામાડોળ

રાજકોટ15 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • યુદ્ધને 100 દિવસ કરતાં વધુ સમય થયો, વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવવા લાચાર બન્યા
  • જે વિષયનો અભ્યાસ પૂર્ણ થાય એની પરીક્ષા પણ હાલમાં લેવામાં આવી રહી છે

રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022થી શરૂ થયેલું યુદ્ધ આજે પણ ચાલી રહ્યું છે. આ બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 100 દિવસ કરતાં વધુ સમય થયો છતાં હજુ એ ક્યારે ખતમ થશે એ કહી શકાય એમ નથી. બીજી તરફ, યુક્રેન અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ જીવ બચાવીને પરત તો આવી ગયા છે, પરંતુ હવે આગળ તેમના અભ્યાસનું શું થશે? એની ચિંતા વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવી રહી છે. આજે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ તો કરી રહ્યા છે, પરંતુ અભ્યાસની સાથે પરીક્ષા પણ ઓનલાઇન આપવાનો સમય આવ્યો છે અને એ થોડા દિવસોમાં પૂરી થશે. ત્યારે ભારત સરકારે સ્થાનિક સ્તરે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે હજુ કોઈ વ્યવસ્થા ન કરતાં ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ બન્યું છે. ભારત સરકાર મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે કોઈ નિર્ણય જાહેર કરે એવી વિદ્યાર્થીઓ અને વાલીઓ માગ કરી રહ્યા છે.

હવે લોનના હપતા પણ ચડી જતાં વાલીઓ ચિંતામાં
યુક્રેનમાં MBBSનો કોર્સ છ વર્ષ માટેનો હોય છે અને એક વર્ષની ફી 2200 ડોલર એટલે કે અંદાજિત રૂ. 2 લાખ આસપાસ હોય છે, જ્યારે હોસ્ટેલ ફી 250 ડોલર એટલે કે 20 હજાર રૂપિયા હોય છે. આખો કોર્સ પૂરો થાય ત્યારે આશરે એક વિદ્યાર્થીદીઠ આશરે રૂ.15થી 20 લાખનો ખર્ચ થાય છે. કેટલાક વિદ્યાર્થીઓનાં પરિવારજનોએ લોન લઈને યુક્રેન અભ્યાસ કરવા મોકલ્યા બાદ હવે એના હપતા ચડી રહ્યા છે. બીજી બાજુ, સંતાનોના ભવિષ્યને લઈને ચિંતા સતાવી રહી છે. રાજકોટમાં આવા એક કિસ્સામાં એક મહિલાએ ઝેરી દવા પી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો, જે ચિંતાજનક છે. ભારત સરકાર યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે સ્થાનિક સ્તરે પ્રવેશ અંગે ઝડપથી નિર્ણય જાહેર કરે એવી માગણી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.

ભારત નહીં તો આસપાસના દેશમાં એડમિશન કરાવી આપો
રાજકોટ જિલ્લાના ગોંડલની વિદ્યાર્થિની દેવાંશી દાફડાના પિતા શૈલેષભાઈએ જણાવ્યું હતું કે અમે બીજા વર્ષની યુનિવર્સિટીની ફી 2200 ડોલર ભરપાઇ કરી છે અને હોસ્ટેલ ફી 250 ડોલર ભરી છે. આજે છેલ્લા ત્રણ મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે. પરીક્ષા પણ ઓનલાઈન આપવામાં આવી રહી છે. MBBSનો અભ્યાસ ઓનલાઈન કરવો શક્ય હોતો નથી, પરંતુ આજે યુદ્ધની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો પડી રહ્યો છે. MBBSમાં પ્રેક્ટિકલ અભ્યાસનું આગવું મહત્ત્વ છે. ત્યારે ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કોઈ નિર્ણય કરવામાં આવે એવી અમે માગ કરી રહ્યા છીએ. એમાં ભારત અથવા ભારતના આસપાસના દેશમાં પણ વિદ્યાર્થીઓના આગળ એડમિશન કરાવી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ સારી રીતે પ્રેક્ટિકલ અભ્યાસ કરી શકે.

રેગ્યુલર શેડ્યૂલ મુજબ અભ્યાસની સાથે પરીક્ષા પણ લેવાઈ છે
જ્યારે દેવાંશી દાફડાએ જણાવ્યું હતું કે જ્યારથી ભારત પરત આવ્યા ત્યારથી ઓનલાઈન અભ્યાસ ચાલુ છે. જે રીતે કોલેજમાં શિક્ષકો અભ્યાસ કરાવતા એ રીતે જ અત્યારે ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ છે. રેગ્યુલર શેડ્યુલ મુજબ અભ્યાસની સાથે પરીક્ષા પણ લેવામાં આવતી હોય છે. જેમ જેમ જે વિષયનો અભ્યાસ પૂર્ણ થાય એ વિષયની પરીક્ષા પણ હાલમાં લેવામાં આવી રહી છે. આ મહિના બાદ અમારું બીજા વર્ષનું સેમેસ્ટર પૂર્ણ થશે. રેગ્યુલર અભ્યાસક્રમ અને ઓનલાઈન અભ્યાસક્રમ જરૂર અલગ જોવા મળે છે અને થોડી અગવડતા પણ પડી રહી છે. કોઈ પ્રેક્ટિકલ અભ્યાસ ઓનલાઈન ક્લાસની અંદર કરી શકાતો નથી.

‘ઇન્ડિયન સ્ટુન્ડ્સ ઇન યુક્રેન’ નામના યુનિયનની સરકારને અપીલ
ભારત સરકારે પરત આવેલા વિદ્યાર્થીઓ માટે સ્થાનિક કોલેજોમાં પ્રવેશ માટે વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપી હતી, પરંતુ હજુ કોઈ જાહેરાત થઈ નથી. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સરકાર કોઈ નિર્ણય જાહેર કરે એની રાહ જોઈ રહ્યા છે. ટ્વીટ કરીને પણ આ મુદ્દે સરકારનું ધ્યાન દોર્યું છે. વિદ્યાર્થીઓનું એક યુનિયન ‘ઇન્ડિયન સ્ટુન્ડ્સ ઇન યુક્રેન’ નામના ટ્વિટર એકાઉન્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રપતિ ભવનને સંબોધી ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે કે ‘યુક્રેનમાં નોંધાયેલા ભારતીય તબીબી વિદ્યાર્થીઓ માટે એક વખતનો અપવાદ હોવો જોઈએ અને અમને ભારતીય મેડિકલ કોલેજોમાં અમારું શિક્ષણ પૂરું કરવાની છૂટ આપવી જોઈએ.’

ગુજરાતના બે હજાર સ્ટુન્ડ્સ મિશન ગંગા હેઠળ પરત આવ્યા
યુક્રેનથી ગુજરાતના બે હજાર જેટલા તબીબી સ્ટુન્ડટ્સ મિશન ગંગા હેઠળ પરત આવ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થીઓ પરત આવ્યા બાદ જર્મની સહિતના દેશોમાં એડમિશન ન મળતાં પોતે જે કોલેજમાં અભ્યાસ કરતા હતા એમાં જ ઓનલાઈન જોડાઇ ગયા છે. આજે ઓનલાઇન અભ્યાસની સાથે સાથે ઓનલાઇન પરીક્ષા પણ આપી રહ્યા છે. યુક્રેનથી પરત આવેલા રાજકોટના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે યુક્રેનની કોલેજોમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે એ પૂરી થયા બાદ આગળ અભ્યાસ કેવી રીતે કરવો એની મૂંઝવણ છે.

અન્ય સમાચારો પણ છે...