રાજકોટ ભાજપમાં નવો જૂથવાદ:રૂપાણી બાદ રાદડિયા ટાર્ગેટ, જિલ્લા બેંકમાંથી દૂર કરવા અસંતુષ્ટો એક થયા, ભરતી કૌભાંડની PMને રજૂઆત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જૂથમાં રાદડિયા જૂથને સાફ કરવું ભાજપને ક્યાંક ભારે ન પડે
  • રૂપાણીના કાર્યકાળના મંત્રી રાદડિયા વિરુદ્ધ ભાજપના જ નેતાઓની ફરિયાદ
  • આક્ષેપ કરનારા દૂધે ધોયેલા નથી, પહેલા અરીસામાં મોઢું જુએઃ જયેશ રાદડિયા

વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ પત્ર લખ્યો છે, જેમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતીકૌભાંડ અને ગોલમાલ અંગે રજૂઆત કરી છે. આ અંગે વડાપ્રધાન સુધી રજઆત કર્યાની પણ ચર્ચા ઊઠી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપનો જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે, જેમાં રૂપાણી જૂથને ટાર્ગેટ કરવા હવે જયેશ રાદડિયાને જિલ્લા બેંકમાંથી દૂર કરવા અસંતુષ્ટો એક થઈ ગયા છે.

જો કે રૂપાણીને ભલે ટાર્ગેટ કર્યા હોય પણ રાદડિયા સામે મોરચો ખોલવો ભાજપના જ નેતાઓને ભારે પડી શકે છે. મંત્રી ન હોવાછતાં જયેશ રાદડિયાનું ખેડૂતોમાં વર્ચસ્વ છે. માત્ર એટલું જ નહીં, જેતપુર-જામકંડોરણાથી લઈ રાજકોટના આસપાસના વિધાનસભા વિસ્તારોમાં રાદડિયાનો પ્રભાવ છે.

સહકારી ક્ષેત્રે જોડાયેલા 4 આગેવાનની રાવ
રાજકોટ યાર્ડના ડિરેક્ટરો પરસોતમ સાવલિયા, વિજય સખિયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચાએ આ રજૂઆત કર્યાનું ભાજપનાં સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જયેશ રાદડિયાના નિયંત્રણ હેઠળની જિલ્લા બેંકમાં પ્યૂનની ભરતીમાં લાખો રૂપિયાનો વહીવટ થયો છે, પટાવાળાની ભરતી કરીને પછી પ્રમોશન આપી ક્લાર્ક બનાવી દેવામાં આવે છે. આ ચાર આગેવાનોએ પત્રની વિગતો મીડિયામાં જાહેર કરીને લેટરબોમ્બ ફોડવાનું ટાળ્યું છે, પણ આવો પત્ર લખ્યાનું આ આગેવાનોને પૂછતાં જણાવ્યું છે.

યાર્ડમાં ચેરમેન બનવા લઇને જૂથવાદ વકર્યો
ઉલ્લેખનીય છે કે રાજકોટ યાર્ડમાં ચેરમેન લઇને પ્રશ્ન ઊઠ્યો હતો, જેમાં ચેરમેન તરીકે પરસોતમ સાવલિયાનું નામ છેલ્લે સુધી નક્કી હતું અને યાર્ડનો મામલો રૂપાણીના કાળમાં રાદડિયા જ સંભાળતા હતા. બાદમાં સત્તા પરિવર્તન થયું, પણ સાવલિયાને ચેરમેનપદ મળ્યું નહીં. તાજેતરમાં જસદણના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે ભાજપના મહામંત્રીથી ત્રાસી રાજીનામું આપ્યું હતું અને કુંવરજી બાવળિયાએ આ મહિલા નેતાને ટેકો આપ્યો હતો. આમ, જિલ્લામાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. હવે સત્તાનાં સમીકરણો સમૂળગાં બદલાતાં અત્યારસુધી મૌન રહીને સહી લેનારા નેતાઓ હવે મેદાને આવ્યા છે, આથી આ સહકારી આગેવાનોએ જિલ્લા બેંકમાં ભરતીમાં લાખોનો વહીવટ થયાનો આક્ષેપ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે.

સહકારી આગેવાનો ગાંધીનગર પત્રો લખ્યા પછી દિલ્હી સુધી પહોંચ્યા
જિલ્લા બેંકમાં ભરતીકૌભાંડ અંગે સ્થાનિક સહકારી નેતાઓએ ગાંધીનગર પત્ર લખ્યા બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યા છે. દિલ્હીમાં વડાપ્રધાનને મળીને સમગ્ર પ્રકરણની જાણ કરી હોવાનું સહકારી જગતમાં ચર્ચાઈ રહ્યું છે. કહેવત મુજબ રાજકારણમાં દોસ્તી અને દુશ્મની કાયમી હોતી નથી અને દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. એનું ઉદાહરણ સહકારી જગતના રાજકારણમાં જોવા મળી રહ્યું છે. પહેલાં જે જૂથ એકબીજાના હરીફ હતા એ હવે જિલ્લા બેંકની ભરતીકૌભાંડના મામલે એક થઈ ગયાં છે અને આ અંગે હાઈકોર્ટ- સુપ્રીમકોર્ટ સુધી પહોંચવાની તૈયારી પણ બતાવી છે. જો જયેશ રાદડિયાને દૂર કરવામાં આવે તો તેના સ્થાને કોને બેસાડવા અને ડિરેક્ટરમાં કોને ઘુસાડવા એ સહિતનો પ્લાન તૈયાર થઇ ગયો છે. તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

પરસોતમ સાવલિયા (ડાબી બાજુ) અને હરદેવસિંહ જાડેજા (જમણી બાજુ)ની ફાઈલ તસવીર.
પરસોતમ સાવલિયા (ડાબી બાજુ) અને હરદેવસિંહ જાડેજા (જમણી બાજુ)ની ફાઈલ તસવીર.

અસંતુષ્ટ જૂથોએ 22 મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી
હાલ સહકારી જગતમાં જિલ્લા બેંકનું ભરતીકૌભાંડ ચર્ચાનો વિષય બન્યો છે. અસંતુષ્ટ જૂથોએ 22 મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ માટે પ્રદેશ પ્રમુખને મળ્યા છે તો સહકારી સચિવ અને વિજિલન્સ કમિશનરને પણ પત્ર લખ્યો છે. હાલમાં તેઓ નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. ગાંધીનગર સુધી લખેલા પત્રમાં આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે કે જિલ્લા બેંકમાં પટાવાળાની ભરતીમાં કૌભાંડ થઈ રહ્યું છે તેમજ સહકારી જગતમાં સંચાલન થઇ રહ્યા છે એમાં કોઇને વિશ્વાસમાં લેવામાં આવતા નથી.

ચાર-પાંચ લોકોના આક્ષેપથી કાંઈ ફેર ન પડેઃ રાદડિયા
આ અંગે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે જે કોઇ આક્ષેપ કરે છે તે કોઇ દૂધે ધોયેલા નથી. સૌ પહેલા અરીસામાં તમામ મોઢું જુએ અને પછી આક્ષેપો કરે. જિલ્લા સહકારી બેંકે વર્ષોથી ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને કામગીરી કરી છે. જ્યારે કોઇ ખેડૂતોને 0 ટકાએ ધિરાણ આપતું નહોતું ત્યારે ખેડૂતોને ધિરાણ આપવાની શરૂઆત કરી. સહકારી ક્ષેત્રનું સંચાલન સારી રીતે થઇ રહ્યું છે. મને પાર્ટીએ બેસાડ્યો છે. ચાર-પાંચ લોકોના આક્ષેપથી કાંઈ ફેર ન પડે. બેંકનું સંચાલન વર્ષોથી કરું છું. ભૂતકાળમાં પણ આક્ષેપો થયા છે. જિલ્લા બેંકની મુલાકાત માટે ભારત દેશમાંથી લોકો આવે છે.

રૂપાણી જૂથને ટાર્ગેટ કરવામાં આવે છે
આ પહેલાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને પત્ર લખ્યો એ મીડિયામાં જાહેર થયો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિજય રૂપાણીના નજીક ગણાતા હતા. અંતે, ભાજપના જ જૂથવાદને કારણે લેટરબોમ્બ ફૂટ્યો અને ગઇકાલે પોલીસ કમિશનરની જૂનાગઢ ખાતે બદલી કરી દેવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...