વ્યાજખોરનો આતંક:રાજકોટમાં ટ્યુશન ક્લાસ ચલાવનારે બિલ્ડર પાસેથી 2.5 કરોડ 3%ના વ્યાજે લીધા, પઠાણી ઉઘરાણી ચાલુ કરતા CPના નામે પત્ર લખી પરિવાર ગુમ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલા પતિ, પત્ની અને દીકરીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગુમ થયેલા પતિ, પત્ની અને દીકરીની ફાઇલ તસવીર.
  • 13 તારીખ સુધીમાં કોઈ ભાળ ન મળે તો પતિ-પત્ની અને દીકરીને મરી ગયેલા સમજવા તેવો પત્રમાં ઉલ્લેખ

રાજકોટમાં ફરી એકવાર વ્યાજંકવાદનુ ભૂત ધુણ્યું છે. અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકો આપઘાત કરી લેતા હોય છે. વ્યાજખોરો દ્વારા કરાતી પઠાણી ઉઘરાણીથી કંટાળી પોલીસ પાસે જવાને બદલે નિઃસહાય લોકો મોત વ્હાલું કરી લેતા હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. કાલાવડ રોડ પર આવેલા પ્રદ્યુમન વિલામાં રહેતો પટેલ પરિવાર જેમાં 40 વર્ષીય વિજય ગોરધનભાઈ મકવાણા, તેમના પત્ની કાજલ તથા 11 વર્ષીય દીકરનો સમાવેશ થાય છે. વિજયભાઈ પર્સનલ ટ્યુશનનો વ્યવસાય કરે છે. તેઓએ પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપના જે. પી જાડેજા પાસેથી રૂપિયા 2.5 કરોડ વ્યાજે લીધા હતા. હવે પઠાણી ઉઘરાણી શરૂ કરતા ઘરે પોલીસ કમિશનરને સંબોધી પત્ર લખી ઘર છોડીને પરિવાર જતો રહ્યો છે.

પોતાના ફ્લેટનો કેટલોક હિસ્સો જે. પી. જાડેજાના નામે કરી દીધો
વ્યાજે લીધેલા આ રૂપિયાના બદલામાં તેઓએ પ્રદ્યુમન વીલામાં પોતાના ફ્લેટનો કેટલોક હિસ્સો જે. પી. જાડેજાના નામે કરી દીધો હતો. જોકે પઠાણી ઉઘરાણીથી કંટાળી તેઓ ઘરે મૂકીને જતા રહ્યા છે. વિજયભાઈએ રાજકોટ પોલીસ કમિશનરને સંબોધીને પત્રો લખ્યા છે. આ પત્રોમાં તેઓએ પોતાના પર વીતેલી તમામ હકીકત જણાવી છે. ઘરેથી ક્યાંક જતા રહેલા વિજયભાઈના ભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં તેઓએ વિજયભાઈએ લખેલા પત્રો પણ જમા કારાવ્યા હતા. બીજી બાજુ પત્રમાં વિજયભાઈએ એવુ જણાવ્યું છે કે જો 13 તારીખ સુધીમા તેમની કોઈ ભાળ ન મળે તો ત્રણેયને મરી ગયેલા સમજવા. સાથે જ વિજયભાઈએ લખ્યું કે છે, તેઓ પરિવાર સાથે આપઘાત કરી લેશે. ત્યારે વહેલી તકે સમગ્ર મામલે તપાસ થાય તેવી માગણી વિજયભાઈના ભાઈએ કરી છે.

ભાઇએ ગુમ થયાની અરજી પોલીસમાં કરી.
ભાઇએ ગુમ થયાની અરજી પોલીસમાં કરી.

પોલીસ કમિશનરને લખેલો પત્ર અક્ષરશઃ વાંચો
‘આદરણીય પોલીસ કમિશનર સાહેબ, આ પત્ર લખનાર હું વિજય ગોરધનભાઇ મકવાણા. અત્રે જણાવવા માગુ છું કે, મારા કુટુંબના ત્રણ સભ્યો દ્વારા આજ રોજ કરવામાં આવેલા સામૂહિક આત્મહત્યા પાછળ એક વ્યક્તિ જે.પી. જાડેજા (જ્યાતિભાઇ જાડેજા) પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપ જેની વિગત આ પ્રમાણ છે. અમે એક એજ્યુકેટ પરિવાર છીએ. જે છેલ્લા 20 વર્ષથી ટ્યુશન કરીને જીવન નિર્વાહ ચલાવતા હતા. ધંધાના વિકાસ માટે અમે 2013માં કે.કે.વી હોલની પાસે મોટુ બિલ્ડિંગ બનાવ્યું હતું. જેમાં 33 ટકામાં બાલાભાઈ આંદીપરા પાર્ટનર તરીકે હતા. પરંતુ તેના ભાગે આવતા પૈસાની વ્યવસ્થા ન થતા તેઓ પોતાની પાર્ટનરશીપ તરીકે જોડાય શક્યા નહીં.’

વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.
વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.

2.5 કરોડના 3 ટકા વ્યાજ પેટે દર મહિને 7.5 લાખ ચુકવતા હતા
મને બીજા પાર્ટનર વ્યવસ્થા કરી લેવા જણાવતા તાત્કાલિક કોઇ પાર્ટનર નહીં મળતા મેં જે.પી. જાડેજા પાસેથી 2.5 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. તેની સિક્યુરિટી તરીકે આ જ બિલ્ડિંગમાં 30 ટકા હિસ્સો આપ્યો હતો. તેના કહેવાથી અમે સાથે મળીને પી.એન, એસોસિયેટ નામની એક ભાગીદારી પેઢી બનાવી હતી. જેમાં 70 ટકા હિસ્સો અમારા બન્ને ભાઇઓના નામે અને 30 ટકા હિસ્સો જે.પી. જાડેજાનો હતો. જેમાં તેને તેના કુટુંબની ત્રણ સ્ત્રીઓને 10-10 ટકા આપવા નક્કી થયું હતું. શરત મુજબ અને આ 2.5 કરોડના 3 ટકા વ્યાજ પેટે દર મહિને 7.5 લાખ ચુકવતા હતા. જે 2019 સુધી રેગ્યુલર વ્યાજ આપ્યું હતું.

વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.
વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.

સાક્ષીરૂપે આપ અમારી ઓફિસમાં કામ કરતા સ્ટાફને પૂછી શકો છો
થોડા સમય બાદ મનપા દ્વારા ટેક્નિકલ કારણ આગળ ધરીને બંધ કરવામાં આવ્યું હતું. આ પ્રકરણ લંબો સમય ચાલ્યું હતું. માટે બિલ્ડિંગમાં ચાલતો ધંધો બંધ થયો અને અમે આર્થિક દેવાદાર બન્યા. 2019માં એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી કે, અમારી પાસે બેંકમાંથી લીધેલી લોન ભરવાના પણ પૈસા નહોતા. આ સમયે જે.પી. જાડેજાને વ્યાજ આપવામાં પણ વહેલા-મોડું થવા લાગ્યું. માટે તેના તરફથી અવાર-નવાર ધાક ધમકી મળવા લાગી. જેના સાક્ષીરૂપે આપ અમારી ઓફિસમાં કામ કરતા સ્ટાફને પૂછી શકો છો. (ક્રિષ્ના મેમ, કિંજલ મેમ, બહાદુરભાઇ ભાવેશભાઇ, નિલેશભાઇ તેમજ પાડોશી પિયુષભાઇ પણ આ વાતના સાક્ષી છે)’

જે.પી. જાડેજા કહ્યું હતું કે, બેંકની લોન ભરી દઉં એટલે મારે તમારી પાસે 9.3 કરોડ લેવાના નીકળશે
2019માં જે.પી. જાડેજાએ એવું કહ્યું કે, હવે તમે બેંકના હપ્તા ભરી શકતા નથી એટલે મારે ઘરે નોટિસ આવે છે. જો નહીં ભરો તો બિલ્ડિંગ સીલ કરી દેશે અને મારા 2.5 કરોડ પણ જાશે. અત્યારે બેંકની લોન (6.80 કરોડ અંદાજે) ભરી દઉં એટલે મારે તમારી પાસે 9.3 કરોડ લેવાના નીકળશે. અમે એવું કહ્યું કે આપ બિલ્ડિંગ લઈ લ્યો. ત્યારે જે.પી. જાડેજાએ એવું કહ્યું કે, આ બિલ્ડિંગની કિંમત 15 કરોડ ગણાય માટે આટલું મોટુ રોકાણ શા માટે કરવું? અત્યારે બેંકની લોન ભરી દઉ બિલ્ડિંગ જ્યારે વેચાય ત્યારે મારે કુલ 9.3 કરોડ રૂપિયા અને તેનું વ્યાજ મળી જે રકમ થાય તેનાથી ઉપરના પૈસા તમારા. અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો માટે અમે સહમત થઇ ગયા.

વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.
વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.

મારા બાપુજીની આંખમાં તમારા કારણે આવેલા આંસુ હું ક્યારેય નહીં ભૂલી શકું
સમયાંતરે 2 વખત બિલ્ડિંગ રિનોવેટમાં ખૂબ મોટી રકમનો ખર્ચ કર્યો છે. એ પણ એવા સંજોગોમાં કે જ્યારે બિલ્ડિંગમાં મનપા દ્વારા કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નહોતી. આવા સંજોગોમાં જો અમારા નીકળતા પૈસા નહીં આપવામાં આવે તો અમારે મજબૂરીથી ખોટુ પગલું ભરવું પડશે. જેના જવાબદાર વ્યક્તિ જે.પી. જાડેજા હશે. કારણ કે, બિલ્ડિંગ પાછળ અમે અમારૂ સર્વસ્વ લૂંટાવી દીધું છે અને પૈસા ન મળે તો અમારે મરવા સિવાય કોઇ વિકલ્પ નથી. જેની સિરિયસ નોંધ લેશો. જો અમારા નીકળતા પૈસા શનિવાર સાંજના 6 વાગ્યા સુધીમાં નહિ મળે તો હું, કાજલ અને દીકરી સાથે આત્મહત્યા કરી લઇશ. જેના આપ જ જવાબદાર હશો. કારણ કે, તમે અમારી સાથે છળકપટ કર્યુ છે. જેની સજા તમારે ભોગવવી જ પડશે. તમે અમને બહુ હેરાન કર્યા છે. અમારા ઘરની સ્ત્રીઓ પર બહુ અત્યાચાર કાર્યો છે. મારા બાપુજીની આંખમાં તમારા કારણે આવેલા આંસુ હું ક્યારેય નહીં ભૂલી શકું. ભાઇનો તો તમારી દાનત પર પહેલેથી જ વિશ્વાસ નહોતો. મેં તમારા પર વિશ્વાસ રાખ્યો હતો એની સજા હું તો ભોગવીશ પણ તમને નહીં છોડું.

નોંધઃ અત્યારે મને ફોન કરવાનો પ્રયત્ન ન કરશો. મારો સંપર્ક નહી થાય. મેં આપેલા સમયે હું એક વ્યક્તિનો સંપર્ક કરીશ કે પૈસા આવ્યા છે કે નહી. જો નહીં આવ્યા હોય તો એ જ સમયે અમે ત્રણેય ખૂબ જ ઝેરી દવા પી લઇશું. એ જ સમયે આ સાથે જોડેલો પત્ર પોલીસ કમિશનરને પહોંચી જશે. કારણ કે, હવે પૈસા વગર જીવાય એમ નથી. અમારી હાલની પરિસ્થિતિના જવાબદાર માત્ર તમે જ છો.’

લી.

વિજય મકવાણા
કાજલ મકવાણા
નિયતી મકવાણા.

પરિવારની સ્ત્રીઓ પર પણ બિલ્ડરે અત્યાચાર કર્યાનો પત્રમાં આક્ષેપ
વિજયભાઇએ ઘર છોડતા પહેલા બિલ્ડર જે.પી.જાડેજાને પણ ચિઠ્ઠી લખીને મોકલી હતી તે ચિઠ્ઠીમાં વિજયભાઇએ લખ્યું હતું કે, જે.પી.જાડેજાને કારણે તેની આર્થિક હાલત ખરાબ થઇ છે, ઘરનું ભાડું ભરવાના પૈસા નથી, અને જમવાના પણ સાંસા પડ્યા છે. જે.પી.જાડેજાએ છળકપટ કરી હેરાન કરવા ઉપરાંત પરિવારની સ્ત્રીઓ પર પણ અત્યાચાર કર્યાનો આક્ષેપ કર્યો છે.

ટ્યૂશન ક્લાસીસના સંચાલક અને તેનો પરિવાર આપઘાત કરશે તો પોતે ફસાશે તેવું લાગતાં જે.પી.જાડેજા માલવિયાનગર પોલીસે દોડી ગયા હતા અને એક અરજી પોલીસને આપી હતી અને વિજયભાઇ કે તેના પરિવારના સભ્ય કોઇ પગલું ભરશે તો પોતે જવાબદાર નથી તેવો બચાવ કર્યો હતો.