શાસક V/S વિપક્ષ:પરેશ ધાનાણીએ સો.મીડિયામાં લખ્યું- 'ભાજપ ભૂખ્યાના અન્ન પર પ્રસિદ્ધિ મેળવવા મથે છે,' BJPના પ્રવક્તાએ કહ્યું - કોંગ્રેસ બુદ્ધિનું પ્રદર્શન કરે છે

રાજકોટ6 મહિનો પહેલા
સોશિયલ મીડિયામાં વીડિયો રજૂ કરીને ભાજપવિરોધી આકરા પ્રહારો કરાયા.
  • તાજેતરમાં સસ્તા અનાજની દુકાનમાં કતારબંધ ઊભેલા લોકોને BJPનો પ્રચાર કરતી થેલી અપાયાનો વીડિયો વાઇરલ થયો છે

કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં વીડિયો રજૂ કરીને ભાજપવિરોધી આકરા પ્રહારો કરતાં લખ્યું છે કે 'ભૂખ્યાને અન્નના અધિકાર’ પર કમળ છાપેલી થેલીનો ભાર લદાય છે. ભાજપ ગરીબોના સ્વાભિમાન પર પણ પ્રસિદ્ધિ મેળવવા મથે છે. આ વીડિયોમાં રેશનકાર્ડના લાભાર્થીઓ પ્રધાનમંત્રીના ફોટો અને ભાજપના પ્રતીકવાળી થેલી લઈને ઊભા છે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ અંગે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે કોંગ્રેસ બુદ્ધિનું પ્રદર્શન કરે છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી (ડાબી તરફ) અને સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ (જમણી તરફ).
વિપક્ષ નેતા પરેશ ધાનાણી (ડાબી તરફ) અને સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ (જમણી તરફ).

સ્થાનિકે વીડિયો વાઇરલ કર્યો
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલા આ વીડિયોની વાત કરીએ તો એમાં ભાજપના કાર્યકર્તાઓ દ્રારા સસ્તા અનાજની દુકાન બહાર કાર્યકર્તાઓ દ્વારા ધાનમંત્રીના ફોટો અને ભાજપના પ્રતીકવાળી થેલી વહેંચવામાં આવી હતી. આ વીડિયો રાજકોટના જિલ્લા ગાર્ડન નજીક આવેલા જૂની જેલ રોડ પરનો હોવાનું સામે આવ્યું છે, જેનો સ્થાનિક ગોપાલ ચાવડા નામની વ્યક્તિએ વીડિયો ઉતારેલો હતો. ગોપાલ ચાવડાએ કહ્યું હતું કે પોતે જ્યારે આ વિસ્તારમાંથી પસાર થયો ત્યારે સ્થાનિક લોકોને ભાજપના કાર્યકર્તાઓ થેલીનું વિતરણ કરીને ફોટો પડાવતા હતા, જોકે એમાં કોઇ ચીજવસ્તુ ન હતી, જેથી તેમણે આ વીડિયો ઉતાર્યો અને સરકાર દ્રારા ખોટી પ્રસિદ્ધિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

રેશનકાર્ડના લાભાર્થીઓ પ્રધાનમંત્રીના ફોટો અને ભાજપના પ્રતીકવાળી થેલી લઈને ઊભા હતા.
રેશનકાર્ડના લાભાર્થીઓ પ્રધાનમંત્રીના ફોટો અને ભાજપના પ્રતીકવાળી થેલી લઈને ઊભા હતા.

ગરીબો જ દૂર થાય એવો કારસો ઘડી રહ્યાનો આક્ષેપ
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતુ કે ભાજપના શાસકોને ખોટી અને લોકવિરોધી નીતિઓને કારણે મંદી, મોંઘવારી અને મહામારીમાં ધકેલાયેલા ગયેલા નાગરિકોની સસ્તું અનાજ આપવાના નામે મશ્કરી થઈ રહી છે. ભાજપ સરકાર ગરીબી દૂર કરી શકી નથી અને હવે ગરીબો જ દૂર થાય એવો કારસો ઘડી રહી છે..

ગરીબો જ દૂર થાય એવો કારસો ઘડી રહ્યાનો આક્ષેપ.
ગરીબો જ દૂર થાય એવો કારસો ઘડી રહ્યાનો આક્ષેપ.

કોંગ્રેસ બિનજરૂરી મુ્દ્દાઓ આધારિત રાજનીતિ કરી રહી છે
આ અંગે સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઇ મુદ્દો નથી, તેથી આવા મુદ્દા પર રાજનીતિ કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે. ભાજપ દ્વારા સસ્તા અનાજની દુકાન બહાર થેલીઓ આપવામાં આવી છે, દુકાનની અંદર રાખવામાં આવી નથી. એટલું જ નહિ, રાજ્ય સરકાર દ્વારા પહેલા લોકડાઉનથી અત્યારસુધી કોરોનાકાળમાં લોકોના પેટનો ખાડો બુરાય એ માટે મફતમાં અનાજ વિતરણ કર્યું છે ત્યારે કોંગ્રેસ બિનજરૂરી મુ્દ્દાઓ આધારિત રાજનીતિ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...