જળ / રૂડાએ માધાપરમાં વસતી ગણવાને બદલે કચેરીમાં બેઠાં બેઠાં જ સરવે કરતાં 20 હજાર લોકો તરસ્યાં રહ્યાં!

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • રૂડાનો 15 એપ્રિલે 20,000 વસતી હોવાનો રિપોર્ટ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:18 AM IST

રાજકોટ. શહેરની એકદમ નજીક અને ટૂંક સમયમાં શહેરી વિસ્તારમાં ભળનારા માધાપર ગામમાં ઉનાળો શરૂ થયો ત્યારથી પાણીની તંગી ચાલી રહી છે. વસતી મુજબ પાણી આપવા માટે રૂડા મારફત સરવે કરાયો અને તે મુજબ 20,000ની વસ્તી માટે 6 લાખ લિટર એટલે કે 60 ટેન્કર મંજૂર થયા અને 100 ટકા પાણી અપાયું હોવાનું નોંધાયું આમ છતાં તંગી યથાવત જ રહી. આખરે ફરી વખત સરવે થતા 43000ની વસ્તી નીકળી જેથી પ્રાંત અધિકારીએ અહેવાલ આવ્યાના દિવસથી જ દૈનિક 3 લાખ લિટર એટલે કે રોજના વધારાના 30 ટેન્કર મંજૂર કરી દેતા રોજ 90 ટેન્કર પાણી પહોંચાડાશે.

રૂડાએ માધાપરમાં વસતી ગણવાને બદલે કચેરીમાં બેઠા બેઠા જ સરવે કરી નાંખ્યો
માધાપરમાં ઉનાળો શરૂ થતા પાણીની માથાકૂટ સર્જાઇ હતી. અલગ અલગ સોસાયટીના લોકો વિરોધ પર ઉતરી આવ્યા હતા જેથી સરપંચે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને રજૂઆત કરી હતી. નિયમ મુજબ એક વ્યક્તિને દૈનિક 30 લિટર પાણી અપાય છે તેથી વસતી ગણીને તે મુજબ 100 ટકા પાણીની ખાતરી અપાઈ હતી અને વસતીનો સરવે કરવા રૂડાને સૂચના અપાઈ હતી. 15 એપ્રિલે રૂડાએ પ્રાંત કચેરીમાં અહેવાલ આપ્યો કે માધાપરમાં 20,000ની વસતી છે અને તે મુજબ પાણી આપવા દરખાસ્ત છે. પ્રાંતે તેને આધારે 100 ટકા પાણી મંજૂર કરી દૈનિક 60 ટેન્કર દોડાવ્યા હતા. આમ છતાં તંગી યથાવત જ રહી હતી. માધાપરના સરપંચ છગનભાઈ સંખાવરાએ પ્રાંતને લેખિતમાં ફરિયાદ કરી હતી કે રૂડાએ જે વસ્તી ગણી છે તે ખોટી છે હકીકતે ગામ તેમજ સોસાયટી સહિત 40થી 45000 લોકો રહે છે. આ વિવાદ એક મહિનો ચાલ્યો અને લોકો પાણી વગર પરેશાન થયા. 

18 મેએ ફરી સરવે અને 43000ની વસતી હોવાનું બહાર આવ્યું, હવે તે મુજબ પાણી અપાશે 
આખરે 18મીએ પ્રાંત અધિકારીએ ફરીથી વસતી ગણવાની અને આ વખતે બે દિવસ ચોખ્ખો સરવે કરવા રૂડાને સૂચના આપી હતી. સરવે વખતે સરપંચ, પા.પૂ. બોર્ડના કર્મચારીઓ, સોસાયટીના આગેવાનો સહિતના હાજર રહેતા વધુ 3383 ફ્લેટ અને 13578ની વસ્તી એટલે કે કુલ 43000 હોવાથી વધુ 4 લાખ લિટર પાણીની જરૂર હોવાની દરખાસ્ત રૂડાએ 20મીએ કરી હતી અને 22મીએ આ અહેવાલ પાણી સમિતિમાં લેવાતા ભોપાળું બહાર આવ્યુ હતું. વસ્તીમાં તફાવત નીકળતા તુરંત જ પ્રાંત અધિકારીએ 3 લાખ લિટર જથ્થો વધારી દીધો હતો. જો રૂડાએ એક માસ પહેલા જ સરખો સરવે કરીને ગણતરી કરી હોત તો પાણી સમસ્યા એક માસ પહેલા જ પૂરી થઈ ગઈ હોત પણ એક જ કચેરીમાં તલાટીને સાથે રાખીને 2011ની વસતી ગણતરીને ધ્યાને લઈ સીધા 20,000 વસતી કરી નાંખતા લોકોને પરેશાની ભોગવવી પડી હતી. 

રૂડાએ પ્રાંત કચેરીને ઊંધા ચશ્મા પહેરાવ્યા
પહેલા  જે વસતી ગણતરીનો અહેવાલ તૈયાર થયો તે ઉભડક જ બનાવી દેવાયો હતો. જેથી 100 ટકા પાણી મળવા છતા લોકો પરેશાન થયા. ગણતરી ફરીથી કરવા રજૂઆત કરી તો રૂડાના ઈજનેરોએ પ્રાંત કચેરીને એમ કહી ઊંધા ચશ્મા પહેરાવ્યા કે ગત વર્ષે અછતને લીધે વધુ પાણી અપાયું હતું.  હકીકતે તેવું હતું જ નહીં આખરે ફરીથી ગણવા સૂચના આપી તો સરખી ગણતરી થઈ છે. - છગનભાઈ સંખાવરા, સરપંચ, માધાપર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી