રાજકોટના પાદરમાં આવેલા નવાગામ (આણંદપર) ખાતે 50 વારિયા પ્લોટમાં રહેતા 400થી વધુ પરિવાર આજે પણ નાછૂટકે ટેન્કરનું પાણી પીવા મજબૂર બની રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી સતત રજૂઆતો થતી હોવા છતાં પાઇપલાઇન નાખવાની કામગીરી ન કરાતાં કાળઝાળ ઉનાળામાં ગામમાં છતી સુવિધાએ આ વિસ્તારના રહીશોને પાણી માટે ટળવળવું પડી રહ્યું છે. ભલે રાજકોટનો જ છેવાડાનો ખૂબ જ નજીકનો ભાગ હોય પરંતુ આજે પણ નવાગામમાં પાણીનું ટેન્કર જ્યારે આવે છે ત્યારે જાણે બે દાયકાઓ પૂર્વેની સુવિધાવિહીન પુરાતન ગ્રામ્ય સંસ્કૃતિની યાદ તાજી થતી હોય તેવા દૃશ્યો વચ્ચે બેડાંઓ સાથે રીતસર લાઇનો જોવા મળી રહી છે.
નવાગામ (આણંદપર) ગામમાં 35 હજારની વસ્તી છે. સરપંચ લાલજીભાઇ સોલંકી જણાવે છે કે, ‘અમારા ગામમાં વચ્ચેના ભાગમાં પૂરતું પાણી આવી રહ્યું છે. ગામમાં 3 બોર, બે કૂવા અને તંત્રનું પાણી આવી રહ્યું હોવાથી ગામને કેન્દ્રમાં પાણીની કોઇ સમસ્યા નથી, પરંતુ અમારા ગામના છેવાડાના ભાગમાં 50 વારિયા પ્લોટમાં હજુ તંત્ર દ્વારા આસાનીથી ત્યાં વસતા પરિવારો સુધી પાણી પહોંચે તેવી કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી ત્યાં રહેતા 400 પરિવાર આજેય પાણી માટે ટેન્કરના સહારે છે.
આ વિસ્તારમાં પાઇપલાઇન નાખવા ત્રણ મહિનાથી રજૂઆતો કરીએ છીએ, નાણાપંચની ગ્રાન્ટમાંથી આ કામગીરી માટે રૂ.પાંચ લાખની રકમ ફાળવવાની તૈયારી દર્શાવી છે, તેમ છતાં કામગીરી આગળ વધતી નથી. હાલ પાણી પુરવઠા વિભાગ દ્વારા દૈનિક 5,000 લિટરના 16 ટેન્કર આવી રહ્યા છે. તાલુકા પંચાયત સ્તરે ફાઇલ મુકવાની પ્રક્રિયા થઇ ચૂકી છે, પાણી પુરવઠા વિભાગમાં પણ આ કામગીરી પૂરી કરવાનો અનુરોધ કર્યો છે, છતાં પરિસ્થિતિ આજે પણ જૈસે થૈ જેવી જ છે!’.
અધિકારીઓના ‘સરકારી’ જવાબ
પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની જવાબદારી રૂડાની
નવાગામ (આણંદપર)ના છેવાડાના વિસ્તારમાં હાલ પાણી પુરવઠા દ્વારા 16 ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ અંગે પાણી પુરવઠા બોર્ડના અધિક મદદનીશ ઇજનેર એ.બી.કવાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, ‘હાલ પાણી પુરવઠાના નેતૃત્વ હેઠળ આ વિસ્તારમાં ટેન્કર શરૂ કરાયા છે, પરંતુ આ વિસ્તાર રૂડાની હદમાં આવતો હોવાથી નવાગામના આ છેવાડાના વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની જવાબદારી રૂડાના શિરે છે. > અધિક મદદનીશ ઇજનેર, પા.પુ.બોર્ડ
છેવાડાના વિસ્તારમાં અમારે પાઈપલાઇન ન નાખવાની હોય
રૂરલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના નાયબ કાર્યપાલક ઇજનેર વિકાસ પરમારે જણાવ્યું હતું કે, ‘નવાગામ (આણંદપર) ખાતે પાણી પહોંચાડવા માટે રૂડાએ આણંદપર પાણી પુરવઠા યોજના પૂર્ણ કરી ગ્રામપંચાયતને સોંપી દીધી છે. હવે જે છેવાડાના વિસ્તારોનું વિસ્તરણ થાય તો ત્યાં પાણી પહોંચાડવાની જવાબદારી રૂડાની નથી. નવાગામના છેવાડાના વિસ્તાર માટે પાણીની લાઇન નાખવા માટે કોઇ રજૂઆત કે દરખાસ્ત પણ આવી નથી. > નાયબ કાર્યપાલક ઇજનેર, રૂડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.