RTOની 20 સેવાઓ હવે ફેસલેસ:RTOમાં હવે ડિજિટલ સેવાથી લોકોનો સમય બચશે : રૈયાણી

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં પોણા દસ કરોડના ખર્ચે બનનારી નવી બિલ્ડિંગનું મુખ્યમંત્રીએ ઈ-ખાતમુહૂર્ત કર્યું

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની અમદાવાદ અને રાજકોટની કચેરીઓનું ખાતમુહૂર્ત તેમજ ‘‘વાહન’’ અને ‘‘સારથી’’ની ફેસલેસ સેવાઓનો શુભારંભ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં યોજાયો હતો. આ કાર્યક્રમના અનુસંધાને રાજકોટમાં રૂ. પોણા દસ કરોડના ખર્ચે બનનારી નવી આર.ટી.ઓ.ના બિલ્ડિંગના ખાતમુહૂર્તનો કાર્યકમ વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આરટીઓની સેવાઓ ડિજિટલ થતા લોકોનો સમય બચશે અને સુવિધા વધશે. સરકારી કચેરીઓ વધુને વધુ સુવિધાયુક્ત અને આધુનિક બને તે માટે સરકાર વ્યવસ્થાઓ ઊભી કરી રહી છે. આ ઉપરાંત લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આર.ટી.ઓ. ખાતે તેમના સમયનો વ્યય ન થાય તે માટેનું આયોજન છે. આ સંદર્ભમાં જ આર.ટી.ઓ.ની સેવાઓ ઓનલાઇન- ડિજિટલ કરાઇ રહી છે. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું હતું કે, હજારો લોકો આર.ટી.ઓ. ખાતે આવતા હોય છે.

આ લોકોનો સમય બચે એ માટે વીસથી વધુ સેવાઓ ઓનલાઇન કરાઈ છે. ઇન્ચાર્જ આર.ટી.ઓ. પ્રતિક લાઠિયાએ પ્રાથમિક માહિતી આપી હતી કે, ફેસલેસ સેવાઓમાં આધાર બેઝડ ઇ.કે.વાય.સી.ની વાહન સંબંધિત સેવાઓમાં ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, વાહનના સરનામામાં ફેરફાર, હાઇપોથિકેશનનો ઉમેરો, હાઇપોથિકેશનને ચાલુ રાખવું, અન્ય રાજ્યો માટેની એન.ઓ.સી., ડુપ્લિકેટ આર.સી.બુક, નવી પરમિટ, રિન્યૂઅલ અને ડુપ્લિકેટ પરમિટ, તેમજ લાઇસન્સ સંબંધિત સેવાઓમાં લાઇસન્સ રિન્યૂઅલ, લાઇસન્સ રિપ્લેસમેન્ટ, લાઇસન્સ એક્સટ્રેક્ટ, ડુપ્લિકેટ લાઇસન્સ, લાઇસન્સમાં સરનામામાં ફેરફાર, હેઝર્ડસ લાઇસન્સના ક્લાસનો ઉમેરો, લાઇસન્સમાં નામનો સુધારો, લાઇસન્સમાં ફોટો/સિગ્નેચરમાં સુધારો, પહાડી વિસ્તારમાં વાહન ચલાવવાના વર્ગનો લાઇસન્સમાં ઉમેરો, લાઇસન્સ અથવા બેઝ જમા કરાવવું, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ, ડિફેન્સ લાઇસન્સ હોલ્ડરને લાઇસન્સ ઇસ્યૂ કરવા વગેરે સેવાઓનો ઓનલાઈન થશે.

અન્ય સમાચારો પણ છે...