સ્કૂલના બાળકોથી લઈને કોલેજના યુવાનોમાં માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે છેલ્લા કેટલાક સમયથી આરટીઓ અને રોડ સેફ્ટીના અધિકારીઓ શાળા-કોલેજોમાં કાર્યક્રમો યોજી રહ્યા છે. ત્યારે ગુરુવારે શહેરની અર્પિત નર્સિંગ કોલેજમાં રોડ સેફ્ટી ઓથોરિટી અને આરટીઓ દ્વારા માર્ગ સલામતી અંગેનો જાગૃતિલક્ષી કાર્યક્રમ રખાયો હતો જેમાં અધિકારીઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ પૈકી કેટલા પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ હોવાનું પૂછતાં જ 50% વિદ્યાર્થીઓ પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ અહીં હોવાનું માલૂમ પડતા હજાર તમામ વિદ્યાર્થીઓએ લાઇસન્સ કઢાવી લેવા જણાવાયું હતું.
આરટીઓ અને રોડ સેફ્ટીના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ડ્રાઈવિંગ લાઇસન્સ, સીટબેલ્ટ અને હેલ્મેટ, પીયુસી, વીમો, રિફ્લેક્ટિવ ટેપ, ટ્રાફિક ભંગ અને દંડની સમજ, વાહન ફિટનેસ, રીયર વ્યૂ મિરર, મોબાઈલનો ઉપયોગ સહિતની જુદી જુદી બાબતોની સમજ આપી હતી. આરટીઓ અને રોડ સેફ્ટીના અધિકારીએ કોલેજના વિદ્યાર્થીઓનો રોડ સેફ્ટીની બાબતોની સમજણ આપવા માટે ક્લાસ લીધો હતો. રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. રોડ સેફ્ટીના અધિકારી જે.વી. શાહ, આરટીઓ કે.એમ ખાપેડ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
વાલી નિયમ તોડશે તો બાળકો ધ્યાન દોરશે
બાળકોને ટ્રાફિકના નિયમોથી વાકેફ કરવા શાળાઓમાં ચિત્ર, નિબંધ, ક્વિઝ જેવી જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. બાળકોએ પણ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોને અનુરૂપ જુદા જુદા ચિત્રો બનાવ્યા હતા. શાળાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં બાળકોને જણાવાયું હતું કે, જો તેમના વાલી વાહન ચલાવતી વખતે સીટબેલ્ટ ન પહેરવો, સિગ્નલ પર ઊભા ન રહેવું જેવા નિયમો તોડે તો બાળકો તેમને ટોકશે અને નિયમનું પાલન કરવા જણાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.