સરકારે આરટીઈની શાળાઓને વિદ્યાર્થી દીઠ ચૂકવવામાં આવતી ફીમાં તાજેતરમાં જ રૂ.650નો વધારો કર્યો છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ જે બાળકોને ધોરણ 1માં પ્રવેશ અપાય છે તે બાળક દીઠ અગાઉ પ્રતિવર્ષ રૂ.10 હજાર ફી જે-તે સ્કૂલને ચૂકવવામાં આવતી હતી, બાદમાં આ ફીમાં વધારો કરીને પ્રતિ વિદ્યાર્થી વાર્ષિક રૂ.13 હજાર કરવામાં આવી હતી અને હવે ફરી આરટીઈની બાળક દીઠ ફીમાં સરકારે રૂ. 650નો વધારો કર્યો છે. જેથી હવે રાજકોટ સહિત રાજ્યભરની સ્કૂલને આરટીઈના પ્રતિ વિદ્યાર્થી કુલ વાર્ષિક ફી પેટે રૂ.13,650 ચૂકવાશે.
રાજકોટ કોર્પોરેશન વિસ્તારની કુલ અંદાજિત 481 શાળા અને રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની 408 જેટલી શાળાને આ ફી વધારાનો લાભ મળવાનો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું છે.રાજકોટ જિલ્લામાં દર વર્ષે 5 હજારથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ મફત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં કેટલાક સમયથી આરટીઈની ફીમાં વધારો કરવા માટે શાળા સંચાલકો દ્વારા પણ માંગ કરવામાં આવી હતી જેથી તાજેતરમાં જ સરકારે આરટીઈની વિદ્યાર્થી દીઠ ફીમાં રૂ. 650નો વધારો કર્યો છે.
આ ફી વધારો દરેક શાળાને મળશે નહીં પરંતુ જે શાળાની વાર્ષિક ફી રૂ.13 હજાર કરતા વધુ છે તેમને જ આ લાગુ પડશે. બાળકોને સ્ટેશનરી, યુનિફોર્મ વગેરે માટે સરકાર પ્રતિવર્ષ રૂ.3 હજાર ચૂકવે છે. સરકારે સ્કૂલની ફીમાં જ વધારો કર્યો છે પરંતુ વાલીઓને ચૂકવવામાં આવતી રકમમાં કોઈ વધારો કરાયો નથી. તેમને નવા વર્ષે પણ રૂ.3 હજાર જ મળશે. હાલ રાજ્યમાં કુલ 5.12 લાખ જેટલા વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે નવી નક્કી થયેલી ફી પ્રમાણે હવે શાળાઓને ફી ચૂકવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.