રાજકોટના સમાચાર:આવાસના 215 રહેવાસીઓની રૂ.390 લાખની પેનલ્ટી માફ, ભારે વરસાદમાં તૂટેલા ફોફળ નદીના પુલનું સમારકામ કરાયું

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ગુજરાત હાઉસિંગ બોર્ડની રાજકોટ જાગીરમાં 150 જેટલી કોલોનીઓ આવેલી છે. જેમાં 215 રહેવાસીઓની રૂ.390 લાખની પેનલ્ટી માફ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડ-રાજકોટના એસ્ટેટ મેનેજર એ.જે. કનેરિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ‘પ્રોત્સાહક વળતર યોજના’ જાહેર કરી હતી. આ યોજના 10મી ઑક્ટોબર સુધી ચાલનાર છે. જે અરજદારો કોઈ કારણસર હપ્તા નથી ભરી શક્યા, તેઓ જો હપ્તાની રકમ એકસાથે ભરી દે તો તેમની પેનલ્ટી માફ કરી દેવામાં આવે છે. જેમાં 215 જેટલા અરજદારોએ પોતાના ઘરના હપ્તા પેટેની લહેણી રકમ રૂપિયા 107.62 લાખ ભરપાઈ કરી દીધા છે. જેની સામે તેમની 389.37 લાખ રૂપિયાની પેનલ્ટી માફ કરવામાં આવી છે.

ફોફળ નદી ઉપરના પુલનું ધોવાણ થઈ ગયું
રાજકોટ જિલ્લામાં જુલાઈ માસમાં થયેલા અતિ ભારે વરસાદથી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પાસેની ફોફળ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ગોંડલથી જામકંડોરણા જતા સ્ટેટ હાઇવે નંબર-1 પર ફોફળ નદી ઉપરના પુલનું ધોવાણ થઈ ગયેલ અને જામ કંડોરણા ધોળીધાર ઉમરાળી તરફના ગામોનો આ માર્ગ લોકોની અવરજવર અને વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયેલ હતો.

પુલ વાહન વ્યવહાર માટે પુન:સ્થાપિત કરવામાં આવ્યો
આ અંગે માર્ગ મકાન વિભાગના નાયબ ઇજનેર નીરવ પીપળીયાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા તાત્કાલિક નવા બ્રિજ બનાવવાની કામગીરીના ટેન્ડર બહાર પાડી દેવામાં આવેલ હતા,પરંતુ હાલ ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ હેઠળ હોવાથી આ વિસ્તારના ગામોને ગોંડલ તરફ આવવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા હેતુસર માર્ગ મકાન વિભાગની નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી, જેતપુર દ્વારા ગોંડલ-ત્રાકુડા-જામકંડોરણા રોડ પર ફોફળ નદીના ડેમમાં વરસાદી પાણીની ભારે આવક થતા પુલનું મરામત કામમાં ક્ષતિ થતા રોડ પરનો વાહન વ્યવહાર બંધ થયેલ જેને હંગામી મરામત કરી લોકોની અવર જવર અને વાહન વ્યવહાર માટે પુન:સ્થાપિત કરવામાં આવેલ છે.