જમીન કૌભાંડિયાઓ જમીન હડપ કરવા માટે કારસા રચી પોતાનો ઇરાદો બર લાવતા હોય છે, વાંકાનેરના વતની દંપતીની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે અમદાવાદની બે મહિલાઓએ દંપતીને મૃત જાહેર કરી તેના ખોટા મરણ દાખલા રજૂ કરી પોતાને દંપતીના વારસદાર બતાવી ખોટા દસ્તાવેજો બનાવી નાખી કરોડો રૂપિયાની જમીન રાજકોટના શખ્સને વેચી નાખી હતી. પોલીસે પાંચ સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
વાંકાનેરના વતની અને મુંબઇ સ્થાયી થયેલા રજનીકાંત શાંતિલાલ સંઘવી (ઉ.વ.92)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના સુચિત રમેશ જોષી, અમદાવાદની મોના રજનીકાંત મહેતા, કુસુમ રજનીકાંત મહેતા, રાજકોટના રમેશ ડાયા વડોદરિયા અને જયંતી ધીરૂ સાકરિયાના નામ આપ્યા હતા.
રજનીકાંતભાઇ સંઘવીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વાંકાનેરમાં અલગ અલગ સર્વેની નવથી વધુ જમીન તેમના નામની અને કબજાની આવેલી છે, તાજેતરમાં રજનીકાંતભાઇ વાંકાનેર લગ્નપ્રસંગે આવ્યા હતા ત્યારે તેમના ધ્યાન પર આવ્યું હતું કે, તેમની માલિકીની જમીનનો તા.17 સપ્ટેમ્બર 2022ના દસ્તાવેજ થઇ ગયો છે, જેમાં જમીન વેચનાર તરીકે મોના રજનીકાંત મહેતા કે જે રાજેશ મહેતાની પત્ની દર્શાવવામાં આવી છે અને કુસુમ રજનીકાંત મહેતા કે જેને રમેશ દતાણીની પત્ની દર્શાવવામાં આવી છે તેણે રાજકોટના સુચિત રમેશ જોષીને જમીન વેચી હતી અને સાક્ષી તરીકે રમેશ તથા જયંતીએ સહી કરી હતી.
આરોપીઓએ જમીન માલિક રજનીકાંત અને તેના પત્ની કુસુમબેન હયાત હોવા છતાં બંનેના અમદાવાદ મહાનગર પાલિકાના ખોટા મરણ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા અને બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા એટલું જ નહી દંપતીનું સરનામું અમદાવાદ દર્શાવવામાં આવ્યું હતું, બંનેને મૃત જાહેર કર્યા બાદ અમદાવાદની બંને મહિલાઓ પોતાને રજનીકાંતભાઇ સંઘવીની સીધી વારસદાર તરીકે દર્શાવી વારસાઇ એન્ટ્રી પડાવી હતી અને ખોટો આંબો પણ બનાવડાવ્યો હતો, વારસદાર બન્યા પછી બંને મહિલાઓએ રાજકોટના સુચિત જોષીના નામે વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. ત્રણ કરોડથી વધુની આ જમીન બારોબાર વેંચવાનો કારસો રચ્યાનુ સ્પષ્ટ થતાં પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.