ધરપકડ:રૂા. 51.56 લાખના સોનાની ચોરીમાં ધુળધોયા ગેંગના બે શખ્સ સકંજામાં

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોનીબજારમાં ત્રણ દિવસ પૂર્વે થયેલી ચોરીમાં પોલીસને મહત્વની સફળતા
  • ઘટનાસ્થ‌ળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ મળી

શહેરના સોનીબજારમાં ત્રણ દિવસ પૂર્વે રાત્રીના ત્રણ માળની દુકાનમાં ખાબકી તસ્કરો રૂ.51.56 લાખનું સોનું ચોરી કરી ગયા હતા. ક્રાઇમબ્રાંચે બે ધુળધોયાને ઉઠાવી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને ચોરાઉ સોનું પણ જપ્ત કર્યુ છે નાસી છૂટેલા એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના વતની અને રાજકોટના હાથીખાનામાં રહેતા શરીફુલઅલી તેમજ તેનો નાનોભાઇ સરફરાઝ સોનીબજારમાં સવજીભાઇની શેરીમાં મલીક ઓર્નામેન્ટ નામે પેઢી ધરાવે છે.

ગત તા.28ના રાત્રીના ધોધમાર વરસાદ પડયો હતો, મોડીરાત સુધી પેઢીના સંચાલકો અને કર્મચારીઓ પેઢીમાં રોકાયા હતા, મધરાત્રે દુકાનને તાળા માર્યા બાદ બીજા દિવસે સવારે દુકાનના તાળા તૂટેલા નજરે પડ્યા હતા અને દુકાનના ત્રીજામાળે કબાટમાંથી રૂ.51.56 લાખના સોનાની ચોરી થયાની જાણ થઇ હતી. લાખો રૂપિયાના સોનાની ચોરીનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારરૂપ હતો, તસ્કરો દુકાનના સીસીટીવીનું ડીવીઆર ઉઠાવી ગયા હતા જેથી તસ્કરોની ઓળખ મેળવવી મુશ્કેલ હતું, ક્રાઇમબ્રાંચની ટીમે ઘટના સ્થળ નજીક આવેલી અન્ય દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ત્રણ શખ્સો શંકાસ્પદ હિલચાલ કરતા દેખાયા હતા, અને એ ત્રણેય ધુળધોયા હોવાની ઓળખ સ્પષ્ટ થતાં પોલીસે બે ધુળધોયાને ઉઠાવી લીધા હતા અને તેની પાસેથી ચોરાઉ સોનું પણ મળી આવ્યું હતું, જોકે એક શખ્સ પોતાના હિસ્સાનું સોનું લઇ નાસી ગયો હોય પોલીસે તેની શોધખોળ આદરી હતી.

રૂ.51.56 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસે રાહતનો દમ લીધો હતો.દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી છ વર્ષે ઝડપાયો લોધિકા પંથક વિસ્તારની સગીરાને ઉઠાવી જઇ તેના પર દુષ્કર્મ આચરવાના આરોપમાં ફરાર આરોપી છ વર્ષે પોલીસને હાથ આવ્યો હતો. મધ્યપ્રદેશના કદવાલ ગામના ઇશ્વર નરશી ઉર્ફે નકુ મંડોરિયા સામે વર્ષ 2014માં લોધિકા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો, ગુનો નોંધાયા બાદ ઇશ્વર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, પોલીસે તત્કાલીન સમયે લોધિકા પંથક અને મધ્યપ્રદેશ સુધી તપાસ કરી હતી પરંતુ આરોપી હાથ આવ્યો નહોતો.

દુષ્કર્મના ગુનામાં છ વર્ષથી ફરાર ઇશ્વરે મંડોરિયા રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં હોવાની માહિતી મળતાં જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કોલાદરા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે ઇશ્વરને ઝડપી લઇ લોધીકા પોલીસ હવાલે કર્યો હતો. લોધીકા પોલીસે આરોપીની ધરપકડ કરી વિશેષ પુછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...