શહેરના થોરાળા વિસ્તારમાં થયેલી હત્યાના આરાપી કુખ્યાત અલ્તાફ ઉર્ફે છ આંગળીવાળાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી, હત્યા કેસમાં આરોપીને મદદ કરવાના બદલામાં ક્રાઇમ બ્રાંચની ટીમે રૂ.95 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયો હતો, આ મામલે ડીસીપી મીણા પીએસઆઇ જેબલિયા સહિતની ટીમના ફરીથી નિવેદનો નોંધશે, તેમજ પીઆઇ વી.કે.ગઢવીનું મંગળવારે નિવેદન નોંધવામાં આવશે.
95 લાખના તોડના મામલાની તપાસ કરી સાચો રિપોર્ટ રજૂ કરવા રાજ્યના પોલીસવડાએ આદેશ કર્યો હતો અને આ મામલાની તપાસ ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણા ચલાવી રહ્યાં છે, અલ્તાફ ઉર્ફે છ આંગળીવાળાને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો હતો, તેને પકડ્યા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં છ દિવસ સુધી બેસાડી રખાયો હતો, અલ્તાફે રજૂ કરેલી કાર તપાસનીશ અધિકારીએ જમા કરી લીધી હતી, જે કાર મામલે તપાસનીશ ટીમ સામે અનેક આક્ષેપો થઇ રહ્યાં છે, તેમજ 95 લાખની તોડની રકમ એકઠી કરવા અલ્તાફની કાર વેચવામાં આવી હતી, તેની બે પત્નીના સોનાના દાગીના વેચવામાં આવ્યા હતા.સ્થાનિક બૂટલેગરોએ મદદ કરતા 95 લાખ એકઠા થયા હતા.
ડીસીપી મીણાએ આ મામલે અગાઉ ક્રાઇમ બ્રાંચના પૂર્વ પીએસઆઇ જેબલિયા, તેની ટીમના સભ્યો, જેલમાં રહેલા અલ્તાફ, અલ્તાફની બે પત્ની સહિતનાઓના નિવેદનો નોંધ્યા હતા, પીએસઆઇ જેબલિયા તથા તેની ટીમના સભ્યોના નિવેદનોમાં વિરોધાભાસ આવતા તેઓ સામેની શંકા વધુ દૃઢ બની હતી, ડીસીપી મીણાએ કહ્યું હતું કે, નિવેદનોમાં વિરોધાભાસને કારણે પીએસઆઇ જેબલિયા, તેની ટીમ તથા સાક્ષીઓના ફરીથી નિવેદનો નોંધવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.