કરોડોનું ફુલેકુ:રાજકોટમાં ધનંજય ફાયનાન્સની 4 કરોડની ઠગાઈ, ફરિયાદ નોંધાતા આરોપીએ દવા પીધી, વિધવાએ મકાન વેચી રોકાણ કર્યું પણ ઘપલાથી મરણમૂડી ફસાઈ

રાજકોટએક મહિનો પહેલા
ધનંજય ફાયનાન્સની છેતરપિંડીથી રોકાણકારો ચિંતામાં મુકાયા.
  • 2015થી 2019 સુધી મંડળીના સંચાલકોએ વળતર ચૂકવ્યું પરંતુ ત્યારબાદ વળતર આપવાનું બંધ કરી દીધું
  • 4 રોકાણકારોએ પોલીસમાં ધનંજય ફાયનાન્સરના ડાયરેક્ટર, તેની પત્ની અને પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

રાજકોટમાં ઊંચા વળતરની લાલચ આપી ધનંજય ફાયનાન્સનાં સંચાલકોએ કરોડોનું ફુલેકું ફેરવ્યાનું બહાર આવ્યું છે. જેમાંથી હાલ ચાર કરોડની છેતરપિંડીની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે. આગામી દિવસોમાં વધુ રોકાણકારો ફરિયાદ નોંધાવે તેવી શક્યતા પોલીસે દર્શાવી છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલમાં સુરત રહેતા ધનંજય ફાયનાન્સ લિ. ના ડાયરેક્ટર ઘનશ્યામ વલ્લભ પાંભર, તેની પત્ની અસ્મિતા અને પિતા વલ્લભ લાલજી પાંભરના નામ આપ્યા છે. જોકે ફરિયાદ નોંધાતા જ ઘનશ્યામના પિતા વલ્લભ પાંભરે ઝેરી દવા પીતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક વિધવાએ તો મકાન વેચી રોકાણ કર્યું હતું પરંતુ છેતરપિંડીનો ભોગ બનતા મરણમૂડી પણ ફસાઈ ગઇ છે.

ડાયરેક્ટર ઘનશ્યામ પાંભર ભૂગર્ભમાં ઉતરી ગયો
ફરિયાદીના જણાવ્યા મુજબ શરૂઆતમાં તેને અને પરિવારનાં સભ્યોને નિયમિત વ્યાજ મળ્યું હતું. પરંતુ 2019ની સાલથી વળતર ઓછુ વ્યાજ મળવાનું બંધ થઈ ગયું હતું. જેને કારણે તપાસ કરતા ઘનશ્યામ સુરત જતો રહ્યાનું જાણવા મળ્યું હતું. તેના માણસોએ ટૂંક સમયમાં પૈસા મળી જશે તેવી ધરપત આપી હતી. પરંતુ ઘણા સમય સુધી રકમ પરત નહીં મળતા ઘનશ્યામનાં પિતા વલ્લભભાઈને મળ્યા હતાં. તે વખતે તેણે કહ્યું કે, તેનો પુત્ર હાલ સુરત છે પરંતુ તેનો ફોન બંધ આવે છે. સુરતનાં કામરેજ પોલીસ સ્ટેશનમાં તેના મિત્રએ ગુમ થયાની નોંધ કરાવી છે. જેથી તે પરત આવે ત્યારે તમારી વ્યાજની રકમ પરત મળી જશે પરંતુ કોઇ રકમ પરત ન મળતા આખરે રોકાણકારે તાલુકા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ધનંજય ફાયનાન્સને તાળા મારી ડાયરેક્ટર ફરાર.
ધનંજય ફાયનાન્સને તાળા મારી ડાયરેક્ટર ફરાર.

ધનંજય ફાયનાન્સમાં પૈસા ડૂબી ગયા તેવા લોકોની યાદી
ધનંજય ફાયનાન્સમાં જેની રકમ ફસાય છે તેવા રોકાણકારોમાં દિનેશ ધરમશી લીંબાસીયાના 15.50 લાખ ઉપરાંત વ્યાજ મળી 31 લાખ, જયેશ બાબુભાઈ કોટડિયાના વ્યાજ સહિત 20 લાખ, જયેશ રવજીભાઈ સખીયાના વ્યાજ સહિત 98 લાખ, વલ્લભ દામજી બુસાના વ્યાજ સહિત 60 લાખ, રાકેશ ભગવાનજી ઘેલાણીના 85 હજાર, અરવિંદ વિરજીભાઈ દોંગાના 2 લાખ, અસ્મિતાબેન કૈલાશભાઈ પાણના 14.50 લાખ, નારણભાઈ જીવાભાઈ ધાંધીયાના 1.60 લાખ, બાલકદાસ બંસીદાસ દેવમુરારીના 3 લાખ, ફોરમબેન દિનેશભાઈ દેવમુરારીના 1 લાખ, પ્રવિણભાઈ ભીખાભાઈ ખુમાણના 1 લાખ મળી કુલ 2.32 કરોડ તથા ફરિયાદી અને તેના પરિવારનાં સભ્યોનાં મળી કુલ 4.04 કરોડ ફસાયા છે.

વિધવાએ મકાન વેચી રોકાણ કર્યું અને મરણમૂડી ગુમાવી
ધનંજય ફાયનાન્સમાં અસ્મિતાબેન નામનાં વિધવાની મરણમૂડી સમાન 14.50 લાખ ફસાય જતાં કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. પોલીસે જણાવ્યું કે, અસ્મિતાબેને પતિનું અવસાન થયા બાદ પોતાનું મકાન 25 લાખમાં વેંચી ઘનશ્યામની પેઢીમાં રૂા. 22 લાખનું રોકાણ કર્યું હતું. જે પેટે મળતા વળતરથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સાથે બાળકોની સ્કૂલ ફી વગેરે પણ ભરતા હતાં. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફાયનાન્સની ઓફિસે રોકાણકારો ધક્કા ખાય છે પણ તાળા જોઇ પાછા ફરે છે.
ફાયનાન્સની ઓફિસે રોકાણકારો ધક્કા ખાય છે પણ તાળા જોઇ પાછા ફરે છે.

રાજકોટમાં 11 મહિનામાં 100 કરોડના ઘપલા થયા
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા 11 માસમાં અંદાજે એક અબજના બે આર્થિક કૌભાંડો બહાર આવ્યા બાદ ધનંજય ફાયનાન્સનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે. ડિસેમ્બર 2020માં રામેશ્વર શરાફી મંડળીનું અંદાજે 50 કરોડનું કૌભાંડ બહાર આવતા ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના થોડા મહિના પછી આશિષ ક્રેડીટ સોસાયટી અને સમય ટ્રેડીંગનું અંદાજે 55 કરોડનું કૌભાંડ બહાર આવતા તે અંગે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...