રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીના પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એજન્ડામાં રહેલી તમામ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરી કુલ રૂ.71.36 કરોડના ખર્ચે તમામ 54 વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરના હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામતા થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજનું નિયત મુદતમાં કોન્ટ્રાકટ એજન્સીએ કામ પૂર્ણ નથી કર્યું. છતાં કોન્ટ્રાકટ એજન્સીને રૂ.25 કરોડ ફાળવતા આજની બેઠક ચર્ચાસ્પદ બની હતી.
એજન્સીએ નિયત મુદતમાં કામ પૂર્ણ નથી કર્યું
આ અંગે સ્પષ્ટતા કરતા સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે,રાજકોટના હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામતા થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજમાં સિમેન્ટ, લોખંડના ભાવવધારાના કારણે 10 કરોડ અને વધારાની થયેલી કામગીરીના 14.89 કરોડ સહિત કુલ 25 કરોડ વધારાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જે મનપાના નિયમ મુજબ જ થયો છે. કોન્ટ્રાકટ એજન્સીએ જે ભાવ વધારો માંગ્યો હતો. એ માટે મનપાના ઇજનેરો દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી હતી. અને એ બાદ જ આ ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. વાત રહી એજન્સીને પેનલ્ટી આપવાની.., તો મનપા દ્વારા જે-તે સમયે કોન્ટ્રાકટ એજન્સીને બ્રિજ માટે જમીન ફાળવવામાં મોડું થયું હતું. એટલે કોન્ટ્રાકટ એજન્સીએ નિયત મુદતમાં કામ પૂર્ણ નથી કર્યું.
રૂ.37.85 લાખના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન પથરાશે
આજની બેઠકમાં વોર્ડ નં.11માં મોટા મવા તથા આસપાસના નવા ભળેલા વિસ્તાર માટે 11.82 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન પ્રથમ વખત પાથરવામાં આવશે. આ જ વોર્ડમાં મોટા મવાના જ વધુ ભાગો માટે પણ 8.91 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. વોર્ડ નં.11માં આર્યલેન્ડ રેસીડેન્સી પાસે 37.85 લાખના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન પથરાશે. તો જીવરાજ રેસીડેન્સી પાસે પણ આ કામ માટે 21 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.
7 આંગણવાડી બનાવવા માટે 70 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો
વોર્ડ નં.11માં જ અંબિકા ટાઉનશીપ અને જીવરાજ પાર્કના આંતરિક રસ્તાઓમાં પેવર કામ કરવા માટે 2.39 કરોડનો ખર્ચ આજની મિટિંગમાં મંજૂર કરવામાં આવ્યો છે. આ વોર્ડ માટે 23.71 કરોડ ખર્ચાશે. કોઠારીયા રોડના વોર્ડ નં.18 માટે પણ આજની મીટીંગમાં 7 કરોડના વિકાસ કામ મંજૂર કરાયા છે. જેમાં સાંઇબાબા સર્કલથી રેલવે ટ્રેક અને સ્વાતિ 24 મીટરના મેટલીંગ કામ માટે 1.36 કરોડ, લિજજત પાપડથી સ્વાતિ અને રામનગર તરફ મેટલીંગ માટે 1.12 કરોડ, માધવ રેસીડેન્સીમાં મેટલીગ માટે 26.25 કરોડ, જુદી જુદી સોસાયટીઓમાં ડામર કામ માટે 3.56 કરોડ, આ જ વોર્ડમાં નવી 7 આંગણવાડી બનાવવા માટે 70 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલનો કોન્ટ્રાકટ 26.96 લાખમાં અપાયો
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નિયમિત રીતે મચ્છર નાબુદી માટે ફોગીંગની કામગીરી કરવામાં આવે છે. મેલેરીયા વિભાગના ઉપયોગ માટે પ્રથમ વખત કોલ્ડ-હોટ બોથ ઓપરેટેડ પોર્ટેબલ ફોગીંગ મશીન ખરીદવા 19 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આજી ડેમ બાજુના રામવનમાં લાઇટીંગ માટે 1.39 કરોડ આજની મીટીંગમાં મંજૂર કરાયા હતા તો રસ્તાઓના સેન્ટ્રલ વર્ઝ તથા ટ્રાફિક જંકશનની જાળવણી માટે 1.91 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. વોર્ડ નં. 13માં ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલનો કોન્ટ્રાકટ 26.96 લાખમાં અપાયો છે.
કોરોના કાળમાં થયેલા 1.90 કરોડના ખર્ચને મંજૂરી અપાઇ છે
તો સામાકાંઠે વોર્ડ નં.4માં મંત્ર અરવિંદ રૈયાણીની ખાસ ગ્રાન્ટમાંથી વેલનાથપરાની શેરીઓમાં સીસી કામ કરવા 39.83 લાખ મંજૂર કરાયા છે. વોર્ડ નં.2 તથા રેસકોર્ષ સંકુલમાં નવા વર્ષ માટેનો મેશનરી ઝોન કોન્ટ્રાકટ આજે ફાઇનલ કરાયો છે. તો સેન્ટ્રલ સ્ટોરમાં ખરીદીમાં પણ વાર્ષિક રેટ કોન્ટ્રાકટ મંજૂર કરાયો હતો. વોર્ડ નં.17ના અટીકા વિસ્તારમાં નવા પબ્લીક ટોયલેટનું સંચાલન મંજૂર કરાયું છે. કોરોના કાળમાં થયેલા વધુ 1.90 કરોડના ખર્ચને મંજૂરી અપાઇ છે. આઉટ સોર્સીંગથી લેવાયેલા સ્ટાફના 1 કરોડ મંજૂર કરાયા છે. તો જુદા જુદા જીમની ફીના દર પણ ફાઇનલ કરીને મંજુરી અપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.