ક્રાઈમ:ખાનગી શાળામાંથી ફીની રૂ.1.90 લાખની રોકડ ચોરાઇ, ક્રાઇમ બ્રાંચે એક શંકાસ્પદને સકંજામાં લેતા ફરિયાદ નોંધાઇ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માતુશ્રી વિદ્યા મંદિરમાં માર્ચમાં બનેલો બનાવ

કોઠારિયા રોડ પર ખાનગી શાળામાંથી બે મહિના પૂર્વે કોઇ ફીની રકમ તેમજ મોબાઇલ મળી કુલ રૂ.1.95 લાખની મતા ચોરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. દેવપરા-2માં રહેતા સ્કૂલ સંચાલક દિલીપભાઇ મનુભાઇ અગ્રાવતે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ માતુશ્રી વિદ્યા મંદિર નામની સ્કૂલ છેલ્લા દસ વર્ષથી ચલાવે છે. વૈશ્વિક મહામારીના કારણે તા.20-3ના રોજ બપોરે સ્કૂલને બંધ કરી હતી. બાદમાં બીજા દિવસે શાળામાં દીવાબત્તી કરવા માટે તેઓ શાળાએ ગયા હતા. અંદર જતા ઓફિસનું તાળું તૂટેલું અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો.

જેથી અંદર જઇ તપાસ કરતા તમામ કાગળો અને ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. તેમજ દીવાલમાં બનાવેલા ખાના પણ ખુલ્લા હતા. તે ખાનામાં રાખેલા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી ફીના રોકડા રૂ.1.90 તેમજ એક મોબાઇલ ગાયબ હતા. શાળામાં ચોરી થયા બાદ સ્ટાફની જ સંડોવણી હોવાની શંકા ગઇ હતી. જેથી ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. જે જે સ્ટાફ શંકાસ્પદ હતા તેમને ખાનગી રાહે તપાસ્યા હતા, પરંતુ કોઇ સ્ટાફની સંડોવણી નહીં હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન ચોરીના બનાવમાં એક શંકાસ્પદ ક્રાઇમ બ્રાંચના સકંજામાં આવતા બે મહિના બાદ પોલીસ ફરિયાદ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...