શંકા-કુશંકાઓ ઉપજી:RPJ હોટેલની જુગાર ક્લબ પર દરોડો 5 શખ્સ રૂપિયા 1.57 લાખ સાથે ઝડપાયા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંગળાજનગરના શખ્સે હોટેલનો રૂમ બુક કરી ક્લબ ચાલુ કરી હતી

શહેરના કાલાવડ રોડ પર આવેલી હોટેલમાં ચાલતી જુગાર ક્લબ પર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમી રહેલા 5 શખ્સને રૂ.1.57 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. રાજકોટના શખ્સે હોટેલનો રૂમ ભાડે રાખ્યો હતો અને બહારથી જુગાર રમવા શખ્સોને બોલાવ્યા હતા.

કાલાવડ રોડ પર આવેલી આર.પી.જે હોટેલના ચોથા માળે આવેલા રૂમ નં.4616માં જુગાર રમાતો હોવાની માહિતી મળતાં સોમવારે સાંજે ક્રાઇમ બ્રાંચની ટીમ દોડી ગઇ હતી અને જુગાર રમી રહેલા રાજકોટના હિંગળાજનગરના વિપુલ પ્રવીણ બગથરિયા, રવિરત્ન પાર્કના રમેશ પોપટ કગથરા, જલારામ સોસાયટીના રાજ રજનીકાંત ગોહેલ, જૂનાગઢના ખાખીનગરના જલ્પેશ રણછોડ જખાણિયા અને મોરબીની રાજનગર સોસાયટીના વિવેક મનસુખ પટેલને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.1.57 લાખ જપ્ત કર્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિપુલ બગથરિયાએ જુગાર રમાડવા માટે આર.પી.જે. હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો અને બહારથી માણસો બોલાવી જુગાર ક્લબ શરૂ કરી હતી, જૂનાગઢ અને મોરબીથી જુગાર રમવા આવેલા શખ્સો રાજકોટ આવ્યા બાદ તેને ચોક્કસ વાહનમાં હોટેલ સુધી લઇ આવવામાં આવ્યા હતા, તેમજ રાજકોટના શખ્સો પણ તેની સાથે એજ વાહનમાં આવ્યાનું પોલીસે કહ્યું હતું,

જોકે તે વાહન કબજે કરવામાં આવ્યું નહોતું, ઉપરોક્ત હોટેલમાં છેલ્લા કેટલાક દિવસથી જુગાર ક્લબ ધમધમતી હતી, અને પોલીસ પહોંચી ત્યારે અનેક લોકો રમતા હતા અને અગાઉ પણ અનેક લોકો રમીને જતા રહ્યા હતા, સામાન્ય સંજોગોમાં આવા દરોડામાં પોલીસ સ્થળ પર સીસીટીવી કેમેરા હોય તો તે સ્થળેથી ડીવીઆર કબજે કરીને કેટલાક દિવસોના ફૂટેજ ચેક કરતી હોય છે પરંતુ આ હોટેલમાંથી ડીવીઆર કબજે કરવામાં પોલીસના હાથ ધ્રુજ્યા હતા. તેમજ વાહન કબજે ન કરી, સીસીટીવી પણ ચેક ન કરાતા અનેક શંકા-કુશંકાઓ ઉપજી રહી છે.

અન્ય સમાચારો પણ છે...