તપાસ:સ્માર્ટ સિટીમાં રોયલ્ટી ચોરી, હવે જાહેર કરાશે ખનીજની માહિતી, ઈજનેરોએ પત્ર અંગે અધિકારીઓને અંધારામાં રાખ્યા હોવાનું ખુલ્યું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોયલ્ટી ભર્યા વગર લાખો ટન કપચી અને હાર્ડ મોરમ પણ વપરાયા

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની લિમિટેડ કે જે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ સંભાળે છે. આ કંપનીએ રૈયા વિસ્તારમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે કરોડો રૂપિયાના કામ આપ્યા છે તેમાં જે પણ ખનીજ વપરાયા છે તે તેમજ ખોદકામ દરમિયાન જે ખનીજ નીકળ્યા છે તેની રોયલ્ટી જ ભરાઈ ન હોવાનું સામે આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગે પત્ર લખ્યા બાદ પણ વિગતો જાહેર કરાઈ ન હતી આખરે આ પત્ર બહાર આવતા જ એક જ દિવસમાં તમામ માહિતી પૂરી પાડવા માટે આદેશ કરાયો છે.

ખાણ ખનીજ વિભાગે ત્રણ મહિના પહેલા જ સ્માર્ટ સિટીના હોદ્દેદારોને પત્ર લખીને ખનીજચોરી અને રોયલ્ટી ચોરી થતી હોવાની ફરિયાદ મળી હોવાનું કહ્યું હતું અને તે જ સંદર્ભે કોન્ટ્રાક્ટરના નામ ટેન્ડરમાં ખનીજ વાપરવાની શરત તેમજ રોયલ્ટી માફ કર્યાના પુરાવા માગ્યા હતા. જોકે રોયલ્ટી ન ભરવામાં પ્રકરણમાં જાણે સ્માર્ટ સિટીના ઈજનેરોનું કોઇ હિત સંડોવાયેલું હોય તેમ કોઇ વિગત અપાઈ ન હતી.

ભાસ્કરે આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરતાં જ નાયબ મ્યુનિસિપલ કમિશનરે તુરંત જ આ અંગે માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો હતો અને કહ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં મનપાને કશું જ લેવા દેવા નથી તેથી માહિતી આપવામાં કોઇ વાંધો પણ નથી. આ બાબત સ્પષ્ટ કરે છે કે, અત્યાર સુધી જે માહિતી છુપાવવામાં આવી હતી તેમાં મનપાના જ કેટલાક ઈજનેરો અને કર્મચારીઓ સંડોવાયેલા હતા. મનપા હવે રોયલ્ટી અંગેની તમામ માહિતીઓ પૂરી પાડશે.

કામ ચોપડે એક જ એજન્સીને, કરે છે ઘણા બધા
સ્માર્ટ સિટીમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક જ એજન્સીને બલ્ક વર્ક ઓર્ડર અપાયો છે પણ તે એજન્સીએ કેટલાક કામો પેટામાં આપી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે તેથી જો તે પેટા કોન્ટ્રાક્ટરે પણ કોઇ ખનીજ કે રોયલ્ટી ચોરી કરી હશે અને જે તે દંડ ફટકારાશે તો પણ મુખ્ય એજન્સીની જ બેદરકારી ગણાશે અને મનપા તેની સામે પગલાં લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...