અવિરત મેઘમહેર:રાજકોટમાં આજે મેઘરાજાનો બીજો રાઉન્ડ, સવારે 1 ઇંચ પડ્યા બાદ બપોર પછી ધોધમાર વરસાદ, ગોંડલમાં 20 મિનીટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો

રાજકોટ2 મહિનો પહેલા
ગોંડલમાં ધોધમાર વરસાદથી રસ્તા નદી બન્યા.
  • કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાતા વિઝિબિલીટીમાં ઘટાડો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટ ગત મોડી રાતથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બાદમાં સવારે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સવારે 9.30 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ફરી આજે બપોર બાદ બીજો રાઉન્ડ શરૂ થયો છે. બપોરે 2.35 વાગ્યે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થયું છે. બીજી તરફ જસદણના આટકોટમાં પણ બપોર બાદ મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલમાં પણ બપોર બાદ બીજો રાઉન્ડ શરૂ થયો હતો. માત્ર 20 મિનીટમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસ્યો હતો. સવારે દોઢ ઇંચ વરસાદ બાદ વધુ એક ઇંચ વરસાદ નોંધાયો છે. આથી રસ્તાઓ પાણી પાણી બની ગયા છે.

ગોંડલમાં બપોર બાદ ધોધમાર વરસાદ.
ગોંડલમાં બપોર બાદ ધોધમાર વરસાદ.

રાત્રે ઝરમર વરસાદ વરસ્યો હતો
મધરાતે ઝરમર વરસાદે સવાર પડતા જ જોર પકડ્યું હતું. બપોર બાદમાં સમગ્ર શહેરમાં વરસાદ શરૂ થયો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, યાજ્ઞીક રોડ, રેસકોર્સ, મોરબી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાતા વિઝિબિલીટી ઘટતા વાહનચાલકોને ફરજીયાત વાહનમાં લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે.

નાણાવટી ચોકમાં પાણી ભરાયા.
નાણાવટી ચોકમાં પાણી ભરાયા.
ગોંડલમાં રસ્તા પાણી પાણી.
ગોંડલમાં રસ્તા પાણી પાણી.

રાજકોટમાં સિઝનનો 21 ઈંચ વરસાદ
રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ 21 ઈંચ(550 મીમી) વરસાદ પડ્યો છે. જોકે આ માત્ર સેન્ટ્રલ ઝોનના જ આંક છે. શહેરના અન્ય વિસ્તારો જેમ કે વેસ્ટ ઝોનમાં 476 મીમી જ્યારે સૌથી ઓછો ઈસ્ટ ઝોનમાં 459 મીમી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ જસદણ અને ગોંડલમાં ગાજવીજ સાથે 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ, અંડરબ્રિજમાં કાર ફસાઇ, રાજકોટ 1 ઇંચમાં પાણી પાણી

150 ફૂટ રિંગ રોડ પર ધોધમાર વરસાદ.
150 ફૂટ રિંગ રોડ પર ધોધમાર વરસાદ.

સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો છવાયા હતા. જોકે આજે મેઘરાજાએ મહેર કરતા ફરીથી આશા બંધાઇ છે. આ અંગે વેધર એક્સપર્ટે પણ આગામી 3 દિવસ સુધી સારા વરસાદની આગાહી કરી છે. વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યું છે જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ કારણે મંગળવાર રાત્રિથી 48 કલાક સુધી વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર સારો વરસાદ પડશે જ્યારે બાકીના વિસ્તારમાં ઓછામાં ઓછા એક ઇંચથી શરૂ કરીને 5 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...