રસ્તા પર દૂધના વાહનોમાથી દૂધ, ટેન્કરમાંથી ઓઇલ-પેટ્રોલ અને શાકભાજી રસ્તા પર ઢોળાતા તેની લૂંટફાટ થયાના કિસ્સા અગાઉ અનેક બન્યા છે પરંતુ શુક્રવારે સવારે રાજકોટના યાજ્ઞિક રોડ પર રસ્તા પર પડેલા એક થેલામાં દારૂની બોટલો દેખાતા લોકોએ દારૂની બોટલો લેવા પડાપડી કરી હતી, આ ઘટનાનો વીડિયો ફરતો થતાં પોલીસે દારૂનો જથ્થો લઇ આવનાર એસટી ડ્રાઇવરની ધરપકડ કરી લૂંટફાટ કરી દારૂની બોટલો લઇ જનારની પણ શોધખોળ શરૂ કરી હતી.
શહેરના જામનગર રોડ પર ભોમેશ્વર પ્લોટમાં રહેતો અને એસટીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો અલ્તાબ બોદુ હોથી (ઉ.વ.41) રાજકોટથી એસટી બસ લઇને રાજસ્થાન નાથદ્વારા ગયો હતો અને ત્યાંથી પરત મુસાફરો સાથે રાજકોટ બસપોર્ટ પર આવ્યો હતો. અલ્તાબ હોથીએ રાજસ્થાનથી દારૂની બોટલો ખરીદી હતી અને તે દારૂની બોટલનો જથ્થો થેલામાં નાખી બસપોર્ટથી સ્કૂટર પર પોતાના ઘરે જવા નીકળ્યો હતો, દારૂની બોટલો ભરેલો થેલો સ્કૂટર પર આગળ રાખ્યો હતો.
અલ્તાબ હોથી યાજ્ઞિક રોડ પર કલર લેબ નજીક પહોંચ્યો હતો ત્યારે અચાનક જ સ્કૂટર સ્લીપ થઇ ગયું હતું, અલ્તાબ સ્કૂટર પરથી રસ્તા પર પટકાયો હતો અને થેલો પણ રસ્તા પર ફંગોળાયો હતો, સ્થળ પર હાજર લોકો રસ્તા પર પટકાયેલા સ્કૂટર ચાલક અલ્તાબની મદદે દોડ્યા હતા અને તેને ઊભો કરવાની કવાયત શરૂ કરી હતી તે વખતે જ રસ્તા પર ફંગોળાયેલો થેલો ખુલી ગયો હોય તેમાંથી દારૂની બોટલો દેખાઇ હતી, થેલામાં દારૂ હોવાનું દેખાતા જ મદદે દોડેલા લોકોએ અલ્તાબને બાજુ પર મુક્યો હતો.
અને થેલામાંથી દારૂની બોટલો લેવા માટે પડાપડી શરૂ કરી હતી, થેલામાં દારૂ હોવાની વાતથી અન્ય લોકો પણ ટોળે વળ્યા હતા અને તેમણે પણ દારૂની બોટલ મેળવવા લૂંટફાટ ચલાવી હતી, લોકો દારૂની બોટલ લૂંટી રહ્યા હતા તેનો લાભ ઉઠાવી એસટી ડ્રાઇવર અલ્તાબ ત્યાંથી નાસી ગયો હતો, સમગ્ર ઘટના કોઇ જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધી હતી અને તેનો વીડિયો ફરતો થતાં પોલીસ હરકતમાં આવી હતી.
વીડિયોમાં દેખાતો શખ્સ ભોમેશ્વર પ્લોટમાં રહેતો એસટી ડ્રાઇવર અલ્તાબ હોથી હોવાનું સ્પષ્ટ થતાં એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ભુકણ સહિતની ટીમ દોડી ગઇ હતી અને અલ્તાબને ઝડપી લીધો હતો, અલ્તાબ તે વખતે પણ નશો કરેલી હાલતમાં હતો. પોતે રાજસ્થાનથી પાંચ ચપલા દારૂના લાવ્યાની કેફિયત અલ્તાબે આપી હતી.
જોકે થેલામાં દારૂનો મોટો જથ્થો હોવાની ચર્ચા શરૂ થઇ હતી. અલ્તાબ પોતાની ડ્રાઇવર તરીકેની નોકરીમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો છાશવારે લાવીને રાજકોટમાં તેનું વેચાણ કરતો હોવાની દ્રઢ શંકા સેવાઇ રહી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.