સુવિધા:રસ્તામાં ખાડા ન પડે તે માટે રાજકોટમાં મુંબઈની જેમ વ્હાઈટ ટોપિંગ ટેક્નોલોજીથી રોડ બનાવાશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુંબઈમાં નવી ટેક્નોલોજીથી આવા રોડ બને છે. - Divya Bhaskar
મુંબઈમાં નવી ટેક્નોલોજીથી આવા રોડ બને છે.
  • રોડની નવી ટેક્નોલોજી જાણવા મુંબઈ ગયેલા રાજકોટ મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વાય. કે. ગોસ્વામીએ ભાસ્કર માટે લખ્યું
  • ડામર રોડ પર રિપેરિંગ​​​​​​​ કામ કરીને તેના પર સિમેન્ટ તેમજ કેમિકલનું એપ્લિકેશન થાય તો રોડનું આયુષ્ય 20 વર્ષ વધે, દર વર્ષે ખાડા બૂરવામાંથી રાહત

રાજકોટમાં ચોમાસા દરમિયાન રસ્તા પર પડતા પોટહોલ્સ(ખાડા)ને લઈને દર વર્ષે મનપા ઘણું કામ કરે છે પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમાર નવી નવી ટેક્નોલોજી શોધી રહ્યા હતા. તેના જ ભાગરૂપે કમિશનરે મને બોલાવ્યો હતો અને મુંબઈમાં ખાડાની શક્યતા નહિવત હોય તેવા રોડ બનાવાતા હોવાથી તે ટેક્નોલોજી જાણવા મુંબઈ જવા કહ્યું હતું. ત્યાંની કોર્પોરેશન સાથે તેઓએ સંવાદ કરીને બધી જ વ્યવસ્થા કરી આપી હતી.

વાય. કે. ગોસ્વામી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર
વાય. કે. ગોસ્વામી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર

હું મુંબઈ પહોંચ્યો અને ત્યાંના એક્ઝિક્યુટિવ એન્જિનિયર થોમ્બ રે સાથે મુલાકાત થઈ અને તેઓએ મને બધી વિગત આપી ત્યાં પણ વરસાદ બાદ પોટહોલ્સની ખૂબ જ ગંભીર સમસ્યા છે અને તેના ઉકેલ માટે વ્હાઈટ ટોપિંગ ટેક્નોલોજી અંગે માહિતી આપી હતી. હું વરલી પહોંચ્યો જ્યાં ડામર રોડ પર ઊંચી ગ્રેડના સિમેન્ટ અને અન્ય કેમિકલ બિછાવી સીસી રોડ થઈ રહ્યા હતા. સફેદ રંગ અને એક એક મીટરે ગ્રુવ્સ પાડ્યા હતા. સ્થળ પરથી બધી માહિતી મેળવી જેમાં ઘણા મુદ્દાઓ એવા લાગ્યા કે કમિશનરનું જે વિઝન છે તે વ્હાઈટ ટોપિંગ ટેક્નોલોજીનું રાજકોટમાં અમલ થાય તો લોકો અને તંત્ર બંનેને ઘણો ફાયદો થશે.

ડામર રોડ એ ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર કહેવાય છે જ્યારે તેને સ્થાને રીઝિડ સીસી રોડ બનાવવો હોય તો ડામરને ખોદીને ફરીથી સમથળ કરી લોખંડ અને સિમેન્ટ વાપરવાનો રહે છે જેથી કોસ્ટ ડામર કરતા અનેકગણી હોય છે. જ્યારે વ્હાઈટ ટોપિંગ ટેક્નોલોજીએ આ બંને વચ્ચેનો રસ્તો છે જેમાં ડામર પર જ સિમેન્ટ અને કેમિકલનું લેયર મશીન વડે બિછાવાય છે અને સીસી રોડ બને છે. ફરક એટલો કે તેને રીઝિટ સીસી રોડ ન કહી શકાય. આવા રોડનું આયુષ્ય ડામર કરતા 15થી 20 વર્ષ વધુ હોય છે. કોંક્રીટ હોવાથી વરસાદી પાણીમાં પણ ડામરની જેમ તરત ઉખડે નહિ.

આ ઉપરાંત તે રીઝિડ સીસી રોડ સ્ટ્રક્ચર કરતા સસ્તું છે જ્યારે ડામર રોડ કરતા લગભગ દોઢું મોંઘું છે પણ તેની સામે દર વર્ષે પેચવર્ક અને ખાડા બૂરવાના ખર્ચમાં રાહત મળી જાય છે. હજુ ઘણી વિગતો અને ડોક્યુમેન્ટ આવવાના બાકી છે તે તમામ આવી જાય એટલે કમિશનરે બનાવેલી એક્સપર્ટ કમિટીમાં ચર્ચા કરાશે અને એકાદ રોડ પર તેનો પ્રયોગ કરી શકાશે. આ ટેક્નોલોજી પર ભરોસો વધુ એટલા માટે છે કારણ કે, મુંબઈ, ઈન્દોર, પુનાએ તેને અપનાવી છે અને અમદાવાદમાં પણ ટેન્ડર થઈ રહ્યું છે. શરૂઆતમાં થોડી સમસ્યા થશે પણ ટેક્નોલોજીનો જેમ જેમ ઉપયોગ કરીશું તેમ તેમ કામમાં ઝડપ આવશે અને શહેરીજનોને ખૂબ જ સારા રોડ મળશે.

રાત્રે રોશની વધુ મળે, ઉનાળે ગરમ ઓછો થાય
ઈજનેર વાય. કે. ગોસ્વામીએ અન્ય ફાયદા વિશે કહ્યું કે, વ્હાઈટ ટોપિંગથી રસ્તાનો રંગ થોડો સફેદ થાય છે જ્યારે ડામર કાળો હોય છે. કાળો રંગ પ્રકાશ શોષી લે છે જ્યારે સફેદ પરાવર્તિત કરે છે આ જ કારણે રાત્રીના સમયે થોડો પણ પ્રકાશ હશે તો પણ રોડની સપાટી પરથી પરાવર્તિત થતા રોશની વધારે લાગશે. આ જ બાબત તડકાને પણ લાગુ પડે છે. વ્હાઈટ ટોપિંગવાળો રોડ ડામરની સરખામણીએ ઘણો ઓછો ગરમ થાય છે.

દિવ્ય ભાસ્કરની ઝુંબેશ બાદ કાયમી ઉકેલ માટે પ્રયાસ
વરસાદ બાદ સતત ખાડા બૂરવાના દાવા તંત્ર દ્વારા થતા હતા પણ હકીકત એ હતી કે, લોકોને ખરાબ જ રસ્તા મળતા હતા. ખાડાઓનો કાયમી ઉકેલ લાવવાને બદલે દર વર્ષે માત્ર રૂટિન કામગીરી કરી બિલ જ બનાવાતા હોવાના આધાર પુરાવા સાથે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી હતી કે, દાયકાઓથી આ જ રીતથી કામ થાય છે તંત્ર મજબૂત હોવા છતાં કાયમી ઉકેલ નથી શોધાતો કારણ કે તેમાં કેટલાક લોકોના હિત છે. આ મુદ્દાને ધ્યાને લઈ કમિશનર અને નાયબ કમિશનરે કાયમી ઉકેલના ભાગરૂપે વ્હાઈટ ટોપિંગ ટેક્નોલોજીનો વિચાર શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...