જાજરમાન સ્વાગતની તૈયારી:રાજકોટમાં બપોરના 4.15 વાગ્યે ધોમધખતા તાપમાં મોરેશિયસના PMનો રોડ શો, 25 સ્ટેજ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે

રાજકોટએક મહિનો પહેલા
શહેરમાં ઠેર ઠેર મોરેશિયસના વડાપ્રધાનને આવકારતા હોર્ડિંગ્સ લાગ્યા. - Divya Bhaskar
શહેરમાં ઠેર ઠેર મોરેશિયસના વડાપ્રધાનને આવકારતા હોર્ડિંગ્સ લાગ્યા.
  • બપોરે 1થી સાંજના 6 વાગ્યા સુધી એરપોર્ટ રોડ પર વાહનોને નો એન્ટ્રી

આજે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટના મહેમાન બનવા આવી રહ્યા છે. તેમના જાજારમાન સ્વાગત માટે એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 4.15 વાગ્યે ધોમધખતા તાપમાં રોડ શો યોજાશે. તેમજ રોડ શોમાં 25 સ્ટેજ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રવિંદ જુગનાથ આવકારવા ઠેર ઠેર હોર્ડિંગ્સ લાગ્યા
પ્રથમ એરપોર્ટ પર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરની સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ 25 પોઇન્ટ ઉપર તેમના રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને ગુજરાતી ક્લચરથી તેમનું સ્વાગત કરવામાં આવશે. આ માટે ઠેર ઠેર તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે.

25 સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ થશે
આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી અંદાજિત બે કિલોમીટરના રોડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર તથા અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે દરમિયાન કુલ 25 સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જે પૈકી 10 સ્ટેજ પરથી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ 15 સ્ટેજ પરથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોક સંસ્કૃતિ તથા નૃત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. રાજકોટ અને જામનગરના કાર્યક્રમો માટે 40 દેશના 140 ડેલિગેટ્સ આવશે. રાજકોટની રિજન્સી લગુનમાં ડિનર સહિતના કાર્યક્રમો રખાયા છે. આવતીકાલે મોરેશિયસના પ્રધાનમંત્રી જામનગર જશે.

કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયાને કાર્યક્રમોની માહિતી આપી.
કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયાને કાર્યક્રમોની માહિતી આપી.

શાળા કોલેજના છાત્રો દ્વારા સ્વાગત કરવામાં આવશે
સમગ્ર રોડ શો દરમિયાન પ્રાચીન ગરબા, તલવાર રાસ, નાસિક ઢોલ, કથ્થક નૃત્ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્ય, વંદે માતરમ, લોકનૃત્ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્થાઓ તથા શાળા-કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવશે. રોડ શોના વિવિધ સ્પોટ પર આત્મિય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનિયસ સ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્ડેશન, ધોળકિયા સ્કૂલ તથા તાલાલા ગીરની સંસ્થાના સભ્યો દ્વારા આમંત્રિતોનું ઉષ્માસભેર અભિવાદન કરવામાં આવશે.

બપોરે 1થી સાંજે 6 એરપોર્ટ રોડ પર આજે વાહનોને નો એન્ટ્રી
મોરેશિયસ દેશના વડાપ્રધાન સહિતનો કાફલો સોમવારે રાજકોટના પ્રવાસે આવી રહ્યાં છે. મોરેશિયસના વડાપ્રધાન અને તેમનો કાફલો એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી રોડ શો કરવાના છે. આ રોડ શો દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ મોરેશિયસના વડાપ્રધાનના કાફલાની સુરક્ષાને ધ્યાને રાખી શહેરભરની પોલીસને તૈનાત કરવામાં આવી છે. રોડ શો સમયે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સોમવારે બપોરે એક વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એરપોર્ટ, એરપોર્ટ રેલવે ફાટકથી રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જૂની એનસીસી ઓફિસ સુધીના રોડ પર સરકારી વાહનો સિવાયના અન્ય વાહનો માટે નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યાનું ટ્રાફિક શાખાના એસીપી વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું છે.

લોકો આ રૂટ પરથી એરપોર્ટ જઇ શકશે
ટ્રાફિક શાખાના એસીપી મલ્હોત્રાના જણાવ્યા મુજબ, એરપોર્ટ પર આવતા-જતા મુસાફરો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. જે મુસાફરો રેસકોર્સ રિંગ રોડ તરફ જવા માગતા હોય તે લોકો એરપોર્ટ સર્કલથી ગીતગુર્જરી-3માંથી થઇ રૈયા રોડ, આમ્રપાલી અન્ડરબ્રિજ થઇને રેસકોર્સ રિંગ રોડ પર જઇ શકશે. જ્યારે એરપોર્ટ જવા માગતા લોકો રૈયા રોડ અન્ડરબ્રિજ થઇ હનુમાનમઢી ચોક અને ત્યાંથી એરપોર્ટ સર્કલ થઇને એરપોર્ટ પર પહોંચી શકાશે.

એરપોર્ટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો.
એરપોર્ટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો.

કોણ છે પ્રવિંદ જુગનાથ
મોરેશિયસ આશરે 2 હજાર ચો.કિ.મી.માં આવેલ દેશ છે અને 61 વર્ષની વયના પ્રવિંદ જુગનાથ ત્યાં જ જન્મેલા છે અને 2003થી તેઓ મિલિટન્ટ સોશ્યાલિસ્ટ પાર્ટીના લીડર છે અને જાન્યુઆરી-2017થી મોરેશિયસના વડાપ્રધાન છે.

રોડનો શોનો કાર્યક્રમ
- બપોરના 4 વાગ્યે મોરેશિયસના પ્રધાનમંત્રીનું આગમન
- 4.15 વાગ્યે મોરેશિયના પ્રધાનમંત્રીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાશે
- 4.15થી 5 વાગ્યા સુધી રોડ શો ચાલશે
- રોડ શોમાં રૂટ પર અલગ અલગ 25 સંસ્થાઓ દ્વારા સ્વાગત
- 5 વાગ્યે રોડ શો પૂરો થશે
- પાંચ વાગ્યા બાદ મોરેસિસનાના પ્રધાનમંત્રી હોટેલમાં જશે

અન્ય સમાચારો પણ છે...