તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકોને હાલાકી:કેસરી પુલથી હોસ્પિટલ ચોક સુધીનો રસ્તો બંધ, ટ્રાફિકજામ, વાહનચાલકો લાંબાે સમય ફસાયા

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ ચોકમાં બની રહેલા બ્રિજનું કામ આગળ વધતાં રસ્તો બંધ કર્યો, ભાવનગર રોડથી પાંજરાપોળ અને ભૂપેન્દ્ર રોડથી 2.5 કિ.મી. ફરશો તો જામમાં ફસાશો નહીં
  • ભાસ્કરે સરવે કરી મંગળવારે અહેવાલ પ્રસિદ્ધ કર્યો તે પ્રમાણે જ ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા

હોસ્પિટલ ચોકમાં બની રહેલા થ્રી આર્મ ફ્લાય ઓવરનું કામ આગળ વધતાં મંગળવારથી કેસરી પુલથી હોસ્પિટલ ચોક સુધીનો રસ્તો બંધ કરી દેવાયો હતો. ‘દિવ્ય ભાસ્કરે’ એક દિવસ અગાઉ જ જાહેર કર્યું હતું કે, મોચીબજારથી મચ્છીમાર્કેટ સુધીના રસ્તા પર ટ્રાફિકજામ થવાની સંભાવના છે અને તે મુજબ મંગળવારે આ રસ્તા પર ભયંકર ટ્રાફિકજામ થયો હતો. મોચીબજારના સાંકડા રસ્તાને કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી અને લાંબા સમય સુધી વાહનચાલકો ફસાયા હતા.

મોચીબજાર મેઇન રોડ પર ટુ-થ્રી વ્હિલરને જ અવરજવર માટે મંજૂરી આપવામાં આવી છે આમ છતાં ફોર વ્હિલર પણ આ રસ્તા પર ઘૂસતા ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બની હતી. મોચીબજાર મેઇન રોડ અને મચ્છી માર્કેટ પાસે ટ્રાફિકજામ થશે તેવી સંભાવના હોય દિવ્ય ભાસ્કરે છ કલાક સુધી શહેરના અલગ અલગ માર્ગો પર સરવે કર્યો હતો અને ડિલક્સ તરફથી આવતા વાહનચાલકો પાંજરાપોળ થઇ ભૂપેન્દ્ર રોડ પરથી 2.5 કિ.મી. ફરશે તો તેને જામની સમસ્યા રહેશે નહીં તેવો નિર્દેશ પણ કર્યો હતો.

મનપા-ટ્રાફિક પોલીસની ઢીલી નીતિને કારણે સ્થિતિ વણસી
કેસરી પુલથી બેડીનાકા તરફ જતા મોચીબજાર મેઇન રોડ પર વાહન ડાઇવર્ટ કરવાના હતા, સોમવારે રાત્રે જ કેસરી પુલથી આઇપી મિશન તરફ પતરાં લગાવી દેવામાં આવ્યા હોત તો વાહનચાલકો મોચીબજાર મેઇન રોડ તરફ વળી જાત પરંતુ મનપા તંત્ર રાત્રે આ કામગીરી નહીં કરી શકતાં મંગળવાર સવારે વાહનચાલકો કોર્ટ સુધી પહોંચી ગયા હતા પરંતુ ત્યાં બ્રિજની કામગીરીના ભાગરૂપે રોડ પર ખોદાણ કરી નાખવામાં આવ્યું હોવાથી વાહનચાલકો ત્યાંથી પરત પુલ તરફ આવતા હતા.

અને તે કારણે પણ ટ્રાફિકજામ થયો હતો, એટલું જ નહીં સવારે ટ્રાફિક પોલીસ પણ ત્યાં દેખાઇ નહોતી, પરંતુ ટ્રાફિકજામ થતાં અંતે ટ્રાફિક પોલીસ આવી હતી અને પુલથી થોડે આગળ આઇપી મિશન પહેલા બેરિકેડ લગાવી વાહન વ્યવહાર ડાઇવર્ટ કર્યો હતો.

લોકોએ પાઇપ ઉખેડી નાખ્યા તેથી પતરાં ન લાગ્યા, આડેધડ અંદર ઘૂસ્યા અને ટ્રાફિકજામ થયો
સિટી એન્જિનિયર એચ.યુ.દોઢિયાએ જણાવ્યું હતું કે, અગાઉ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ મંગળવારથી કેસરી પુલથી કોર્ટ સુધીનો રસ્તો બંધ કરવાનો હતો, સોમવારે રાત્રે જ કેસરી પુલથી થોડે આગળ આઇપી મિશન સ્કૂલ પહેલા પાઇપ નાખી પતરાં લગાવવાની કામગીરી કરવાની હતી.

શ્રમિકો દ્વારા પાઇપ નાખવાની કામગીરી ચાલુ હતી ત્યારે કેટલાક લોકો ટોળાં સ્વરૂપે આવ્યા હતા અને પતરાં ફિટ કરવા દીધા નહોતા અને પાઇપ ઉખેડી ફેંક્યા હતા. જોકે મંગળવારે સવારે પોલીસની હાજરીમાં ફરીથી આ કામગીરી કરી રસ્તા પર પાઇપ નાખી રસ્તો બંધ કરી દેવયો હતો.

અન્ય સમાચારો પણ છે...