આક્રોશ:હિરાસર એરપોર્ટ નજીક રસ્તા તૂટતાં ટ્રાફિકને અસર, લોકો રસ્તા પર ઉતર્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ મળતાં જ અધિક કલેક્ટરે તાકીદે એરપોર્ટ ઓથોરિટીને રસ્તા રિપેરિંગનું કામ કોઈપણ સંજોગોમાં ત્રણ દિવસમાં પૂરું કરવા કર્યો આદેશ

રાજકોટ તાલુકાના હિરાસર એરપોર્ટ નજીક ચોટીલા તાલુકામાં આવેલા ડોસલીધુના અને લોમાકોટડી ગામને જોડતા મુખ્ય રસ્તાઓ વરસાદ અને એરપોર્ટના નિર્માણના કારણે દોડતા હેવી લોડેડ ટ્રકોના કારણે તૂટી જતા ટ્રાફિકને અસર થઇ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડવાનું શરૂ થતા બન્ને ગામના ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાજકોટના અધિક કલેક્ટર તથા ચોટીલાના પ્રાંત અધિકારીને ફરિયાદ મળતા તાકીદે સરવે કરાવી 6 કિલોમીટરનો રસ્તો 3 દિવસમાં સરખો કરવા આદેશ કરાયો છે.

રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટર પરિમલ પંડ્યાને હિરાસર એરપોર્ટ અને આસપાસના ગામો ડોસલીધુના અને લોમાકોટડીના રસ્તામાં મસમોટા ખાડા પડી ગયાની અને ટ્રાફિક ખોરવાયાની ફરિયાદ મળતા તાલુકા મામલતદારને તપાસના આદેશ કર્યા હતા જેમાં ડોસલીધુના અને લોમા કોટડીમાં રસ્તા તૂટી ગયાનું બહાર આવતા ચોટીલા પ્રાંત અધિકારીને જાણ કરાઇ હતી. ચોટીલા પ્રાંત અધિકારીના આદેશના પગલે ડેપ્યુટી ઇજનેર ઉદય દવે સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ કરતા 6 કિલોમીટર જેટલો રસ્તો તૂટી ગયાનું અને ટ્રાફિકને અસર થાય તે હદના ખાડા પડી ગયાનું ધ્યાનમાં આવતા એરપોર્ટ ઓથોરિટીને 3 દિવસમાં રાજકોટ માર્ગ અને મકાન વિભાગના નિરીક્ષણમાં કામગીરી પૂરી કરવા આદેશ કરાયો છે.

લોમાકોટડીમાં ગૌચર જમીન અંગે રજૂઆત
લોમાકોટડીમાં રસ્તાના પ્રશ્નો ઉપરાંત ગૌચરની જમીનના પ્રશ્ન હોય સરપંચ ગઢવીએ આ મુદ્દે પ્રાંત અધિકારી અને મામલતદાર સમક્ષ રજૂઆત કરી યોગ્ય કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...