શહેરના કાલાવડ રોડ પર આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટ પાસેનો રસ્તો ડિવાઈડર દ્વારા બંધ કરી દેવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. આ મુદ્દે આ વિસ્તારના લોકોએ બીએપીએસના સંતો, કોર્પોરેશન અને પોલીસને રજૂઆત કરી આ સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી.
આ મુદ્દે તાજેતરમાં જ બીએપીએસના સંતો સાથે સ્થાનિકોની થયેલી ચર્ચા બાદ અપૂર્વમુનિ સ્વામીના પ્રતિનિધિ ઘનશ્યામસિંહ ઝાલાએ કહ્યું હતું કે, સોસાયટીના રહીશો કરતા મંદિરના હરિભક્તો અને બહારગામથી આવતા મહેમાનોને પણ આ બાબતે મુશ્કેલી પડે છે. આ મુશ્કેલી માટે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર સંપૂર્ણ પણે સાથે છે અને આ સમસ્યાના નિવારણ માટે સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર હોવાની ખાતરી આપી છે.
અગાઉ કૃષ્ણદત્ત રાવલ સહિતનાઓએ બીએપીએસના કોઠારી સ્વામીને પણ લેખિત રજૂઆત કરી કહ્યું હતું કે, મંદિરની આજુબાજુની સોસાયટીના રહીશોને તેમજ કાલાવડ રોડ પરથી પસાર થતા વાહનચાલકોને પ્રેમવતી રેસ્ટોરન્ટ પાસેનો રસ્તો બંધ કરી ડિવાઈડર મુકવાથી સમય, પેટ્રોલ, ડીઝલ વગેરેનો વ્યય થાય છે. આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને ટ્રાફિક પોલીસમાં પણ રજૂઆતો કરી છે પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી.
આ બાબતે તંત્ર આપની પાસે લાચાર હોય એવું લાગી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. બાદમાં મંગળવારે સંતો સાથે સ્થાનિકોની થયેલી ચર્ચા બાદ સંતોએ લોકોની સમસ્યા નિવારવા મંદિર સહમત હોવાનું અને સહયોગ આપશે તેવું જણાવ્યું હતું. હવે મનપા,પોલીસ અને મંદિર ત્રણેય સહમત થાય તો હજારો લોકોને રાહત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.