તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:રા.લો. સંઘમાં લાંબી કસરત બાદ 15 ઉમેદવારો ફાઇનલ, સમાધાન છતાં 3 અપક્ષે ફોર્મ ભર્યાં

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ઉમેદવારોના નામ નક્કી કરવા બે દિવસની કસરત બાદ સમાધાન થયું હતું. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નીતિન ઢાંકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ટીમમાંથી 15 નામ જયેશ રાદડિયાએ ફાઇનલ કર્યા બાદ તમામે એક સાથે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરાયા બાદ છેલ્લા સમયે ત્રણે બેઠક પર અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હવે જો આ અપક્ષ પોતાનું ફોર્મ પાછું નહી ખેંચે તો આ ત્રણેય બેઠક પર ચૂંટણી થશે અને સમાધાન પડી ભાંગશે. સહકારી ક્ષેત્રના અગ્રણીઓનું કહેવું છે કે ત્રણેય ઉમેદવારોને સમજાવી ફોર્મ પાછું ખેંચાવી લેવામાં આવશે. ધારાસભ્ય રૈયાણીના જૂથે પ્રથમ વખત સંઘમાં એન્ટ્રી કરી છે અને તેમના જૂથના આઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાથી આગામી ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ પર ફરી ખેંચતાણ થવાની સંભાવના છે.

રા.લો. સંઘમાં સમાધાન બાદ નિતિન ઢાંકેચા, અરવિંદ રૈયાણી, હરીશ અજાણી, હંસરાજ પીપળિયા, બાબુ નસીત, પ્રવિણ સખિયા, રામ જળુ, લક્ષ્મણ સિંઘવ, સંજય અમરેલીયા, મનસુખ સરધારા, નરેન્દ્રસિંહ જાડેજા, કાના ખાંપરા, અરજણ રૈયાણી અને નરેન્દ્ર ભુવાએ ફોર્મ ભર્યા છે. આ 15 ઉમેદવારો અને એક વ્યક્તિગત બેઠક પર ભીમજી કલોલાએ ફોર્મ ભર્યુ છે. ફોર્મ ભરવાનો અંતિમ સમય શુક્રવારે બપોરે 3 વાગ્યાનો હતો તે પહેલા બ્લોક નં.3,5 અને 8માં વધારાના એક એક ફોર્મ ભરાયા છે. જેમાં ખાંભા બેઠક પર જાડેજા ગોપાલસિંહ, હડમતિયા બેઠક પર કરશન ડાંગર અને રૈયા બેઠક પર ભુપેન્દ્રસિંહે ફોર્મ ભર્યું છે.

ડેરીમાં બેઠક પર દેસાઇએ ફોર્મ ભર્યું
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની પણ ચૂંટણી જાહેર થઇ છે અને તેમાં વર્તમાન ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયાની પેનલ સોમવારે ફોર્મ ભરે તેવી સંભાવના છે. દૂધ ઉત્પાદક સંઘની વ્યક્તિગત બેઠક પર વર્ષોથી બિનહરીફ થતા દેવેન્દ્રભાઇ દેસાઇએ ફોર્મ ભર્યું છે. ચૂંટણી અધિકારી સમક્ષ દેવેન્દ્રભાઇએ ફોર્મ રજૂ કર્યું ત્યારે તેમની સાથે ગોવંદભાઇ રાણપરિયા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...