ઈન્કમટેક્સની તપાસ જારી:આર.કે. ગ્રૂપના ત્રણ લોકરમાંથી શું મળ્યું?, આઈટીએ મૌન સેવી લીધું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રૂપના ડિજિટલ ડેટા તપાસવા માટે સાઈબરની ટીમ કામે લાગી

આર.કે. ગ્રૂપના બેનામી વ્યવહારો અને કાળાં નાણાં સંદર્ભે હજુ ઈન્કમટેક્સની તપાસ ચાલી રહી છે. ગત સપ્તાહે કુલ 3 લોકર ખોલવામાં આવ્યા હતા. જેમાંથી જ્વેલરી, રોકડ અને જમીન મકાનની ખરીદી- વેચાણના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ સપ્તાહમાં વધુ નવા બે લોકર ખોલવામાં આવ્યા હતા.જેમાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારોના પુરાવા આપતા દસ્તાવેજો, રોકડ અને જ્વેલરી મળી આવ્યા છે. જોકે આ અંગે ઈન્કમટેક્સના અધિકારીઓએ મૌન સેવી લીધું છે.

અત્યાર સુધીની તપાસમાં આર.કે.ગ્રૂપને ત્યાંથી 5 કરોડથી વધુ રકમની રોકડ, 2.50 કરોડની જ્વેલરી મળી આવી છે. જે કબજે લેવામાં આવ્યા છે અને તેમના આધાર પુરાવા રજૂ કરવા પણ જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી આધાર પુરાવા રજૂ નહિ થાય અને સાબિત નહિ થાય ત્યાં સુધી તેમનો કબજો ઈન્કમટેક્સ પાસે જ રહેશે. જો કાળું નાણું સાબિત થશે તો રોકડ અને જ્વેલરી બન્ને કબજે કરવામાં આવશે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આર.કે. ગ્રૂપ પર આવકવેરા વિભાગની નજર હતી. બાતમી મળ્યા બાદ તેની તપાસ કરતા બાતમી સાચી હોવાનું સાબિત થયું હતું. ત્યારપછીના બીજા 6 મહિના આવકવેરા વિભાગે વધુ તપાસ માટેનો સમય લીધો હતો ટેક્સ ચોરીના મૂળ સુધી પહોંચી શકાય તે માટે રાજકોટ આવકવેરા વિભાગે પોતાના ડમી માણસોને આર.કે.ગ્રૂપને ત્યાં ખરીદી માટે મોકલ્યા હતા અને ટેક્સચોરીનો તમામ ડેટા કલેક્ટ કર્યા બાદ આ રેડ પાડવામાં આવી હતી.

આયકર ટીમે તપાસ દરમિયાન કાચી ચિઠ્ઠીના વેપાર પકડી પાડ્યા હતા. કાચી ચિઠ્ઠીના વેપારમાં જે તે વ્યક્તિના ટૂંકા નામ અને કરોડો - લાખો રૂપિયાની રકમના વ્યવહારો સિંગલ કે ડબલ ડિજિટમાં લખ્યા હતા. લોકર ખોલવાની કામગીરી હજુ એક મહિનો સુધી ચાલે તેવી શકયતા છે. સોનાની કિંમત નક્કી કરવા માટે વેલ્યૂએશનની ટીમને બોલાવવામાં આવી છે. આ સિવાય ડિજિટલ ડેટા તપાસવા માટે ખાસ સાઈબરની ટીમ પણ કામે લાગી છે.

અન્ય સમાચારો પણ છે...