તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ સ્થળે તપાસ પૂરી:આર.કે. ગ્રૂપ કરોડોની કિંમતના સોદા કરી ચિઠ્ઠીમાં રકમ ડબલ ડિજિટમાં બતાવતા હતા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોપર્ટી ખરીદ-વેચાણનું કાળું નાણું થેલા ભરીને આર.કે. ગ્રૂપના ઘરે-ઓફિસે મોકલાતું હતું
  • સોનાની વેલ્યૂ નક્કી કરવા માટે ટીમનો આખો દિવસ નીકળી ગયો

મંગળવારે આર.કે. ગ્રૂપ સહિત કુલ 45 સ્થળે શરૂ થયેલી તપાસ ગુરુવારે પાંચથી વધુ જગ્યાએ પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધીની તપાસમાં રૂ.100 કરોડથી વધુ રકમના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, પ્રોપર્ટી ખરીદ-વેચાણનું કાળું નાણું થેલા ભરીને આર.કે. ગ્રૂપના ઘરે- ઓફિસે મોકલાતું હતું. લાખો- કરોડોની રકમ ચિઠ્ઠીમાં સિંગલ-ડબલ ડિજિટમાં બતાવતા હતા. એટલું જ નહિ, ઉદ્યોગપતિ, એસ્ટેટ બ્રોકર, એજન્ટ વગેરે દર મહિને નક્કી કરેલા સમયે કાળું નાણું પહોંચાડવા માટે ખાસ માણસો રાખ્ચા હતા.

વ્યવહારો સામે ન આવે તે માટે ચિઠ્ઠીમાં નામ પણ ડમી લખાતા. તપાસનીશ અધિકારીના જણાવ્યાનુસાર બે દિવસમાં સ્થળ તપાસ પૂરી થઈ જશે. સાહિત્ય, દસ્તાવેજોની હવે ચકાસણી થશે, સોનાની વેલ્યૂ નક્કી કરવા માટે ટીમનો આખો દિવસ નીકળી ગયો આમ છતાં સમય ઓછો પડતા હવે બાકીની કામગીરી શુક્રવારે થશે.

અંડર વેલ્યૂએશન અને રોકડમાં થતી ખરીદ-વેચાણના વ્યવહારોની બાતમીની ખરાઈ થઇ ગયા બાદ આ દરોડા પાડવામાં આવ્યા છે. જોકે છેલ્લા બે વર્ષનું સૌથી મોટું ઓપરેશન હોય આ સર્ચ ઓપરેશનમાં ઈન્કમટેક્સને લોટરી લાગી ગઈ હોવાનું બિલ્ડર લોબી અને કરદાતામાં ચર્ચા થઈ રહી છે. જોકે, સ્થળ પરથી મળી આવેલા દસ્તાવેજો, રોકડ, સોના અને બેનામી વ્યવહારની સંપૂર્ણ વિગત આપવામાં ઈન્કમટેક્સે મૌન સેવી લીધું છે.

તપાસ દરમિયાન કાળાં નાણાંના વ્યવહારોની ડાયરી ઈન્કમટેક્સના હાથમાં લાગી ગઈ છે.જેની ચકાસણી કરતા માલૂમ પડ્યું છે કે,ચોક્કસ સમય ગાળાના લેતી- દેતીના વ્યવહારો રકમ અને ટૂંકા નામ સાથે લખ્યા છે. જેના પરથી એવું તારણ નીકળી શકે કે, દરેક ખરીદનાર- વેચનારની ચૂકવવાની રકમ ફિક્સ હતી. બ્લેકમની માટે જે સિસ્ટમ ગોઠવેલી હતી તે જોઈને ઈન્કમટેક્સના તપાસનીશ અધિકારીઓ પણ અવાચક થઇ ગયા હતા. ગુરુવારે બપોરે 15 થી વધુ અધિકારીઓની ટીમ તેને સોંપેલા સ્થળની તપાસ પૂરી કરીને આવ્યા ત્યારે તેની સાથે દસ્તાવેજ, સાહિત્ય લાવ્યા હતા. જે વાહનમાં લાવ્યા હતા તેમાં બેસવા માટે માત્ર બે જ વ્યક્તિની જગ્યા વધી હતી.

અન્ય સમાચારો પણ છે...