હુમલો:રિક્ષાચાલકે ટ્રાફિક કોન્સ્ટેબલને ધમકી આપી ફડાકો ઝીંકી દીધો, પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાઇડ તોડીને ભાગેલા રિક્ષાચાલકનો પોલીસમેન પર હુમલો

શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે ત્યારે પોલીસ અને વાહનચાલકો વચ્ચે અવારનવાર માથાકૂટ થઇ રહી છે, મોચીબજારમાં કોર્ટ પાસે સાઇડ તોડીને ભાગેલા રિક્ષા ચાલકને ટ્રાફિક પોલીસમેને પકડીને અટકાવતા રિક્ષા ચાલકે ઉશ્કેરાઇને પોલીસમેનને પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી ફડાકો ઝીંકી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ નિલેશભાઇ મનસુખભાઇ વાવેચા સહિતનો સ્ટાફ ગુરૂવારે સવારે મોચીબજારમાં કોર્ટ પાસે સાઇડ આપી ટ્રાફિક નિયમનની કામગીરી બજાવી રહ્યા હતા ત્યારે ભગવતીપરામાં રહેતો રિક્ષાચાલક મહેબુબ ઇબ્રાહિમ ઉઢેજા રિક્ષા ચલાવીને નીકળ્યો હતો, સાઇડ બંધ હોવા છતાં મહેબુબે રિક્ષા હંકારી સાઇડ તોડી ભાગ્યો હતો. ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરનાર રિક્ષાચાલક મહેબુબનો પોલીસમેન નિલેશભાઇ સહિતના સ્ટાફે પીછો કરી રિક્ષા ઊભી રખાવતા જ રિક્ષાચાલક મહેબુબ ઉશ્કેરાયો હતો અને પોલીસમેન નિલેશભાઇને ગાળો ભાંડી પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી અને પોલીસમેન નિલેશભાઇને ફડાકો ઝીંકી દીધો હતો.

સરાજાહેર પોલીસમેનને ફડાકો ઝીંકાતા ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસ સ્ટાફે મહેબુબને સકંજામાં લઇ પોલીસ મથકે લઇ ગયા હતા. એ.ડિવિઝન પોલીસે કોન્સ્ટેબલ નિલેશભાઇની ફરિયાદ પરથી મહેબુબ ઉઢેજા સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...