જામીન રદ:એડવોકેટને આપઘાત માટે મજબૂર કરનાર ત્રણ આરોપીના જામીન રદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૈસાના મુદ્દે પૂર્વ ડે.મેયર સહિતનાઓએ ધમકી અાપી હતી

શહેરના એડવોકેટ કમ નોટરીને આપઘાત માટે મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા ચિરાગ બાબુ પરસાણા, જગદીશ લીંબાસિયા, ભરત માધા રાદડિયાએ જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી જેલહવાલે કર્યા છે.એડવોકેટ કમ નોટરી જે.બી.ઠુમ્મરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં એડવોકેટ ઠુમ્મરે પૂર્વ ડે.મેયર અશ્વિન મોલિયા સહિત 11 શખ્સને ઉછીના આપેલા સવા બે કરોડ રૂપિયા પરત આપવાના બદલે ધાક-ધમકીઓ આપી ઝઘડા કરતા હોવાથી પગલું ભર્યાનું પોલીસને જણાવ્યું હતું.

સારવાર લઇ રહેલા એડવોકેટ ઠુમ્મરના નિવેદન બાદ બી ડિવિઝન પોલીસે પૂર્વ ડે.મેયર સહિત 11 શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. ફરિયાદ નોંધાતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. નાણાં મુદ્દે એડવોકેટ જે.બી.ઠુમ્મરના આપઘાતના પ્રયાસ પગલે રાજકોટ બાર એસોસિએશને આરોપીઓ તરફે કોઇ વકીલોએ ન રોકાવવાનો ઠરાવ કર્યો હતો. બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલા 11 પૈકી આરોપી ચિરાગ પરસાણા, જગદીશ લીંબાસિયા અને ભરત રાદડિયાને પોલીસે ઝડપી લઇ ધરપકડ કરી હતી.

આરોપીઓ તરફે કોઇ વકીલે કેસ ન લડવાના બાર એસોસિએશનના નિર્ણયથી ત્રણેય આરોપીઓ અન્ય શહેરના વકીલો મારફતે ધરપકડ બાદ અધિક ચીફ જ્યુ.મેજિ. પી.કે.રાયની કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી સામે એડવોકેટ ઠુમ્મર પક્ષે રોકાયેલા એડવોકેટ અંશ ભારદ્વાજે વિરોધ કર્યો હતો. અને રજૂઆતમાં જણાવ્યું કે, ફરિયાદી અને આરોપી વચ્ચે કાયદેસરના નાણાકીય વ્યવહારો બેંક મારફતે થયા હોવાનું સ્પષ્ટ છે.

અગાઉ આરોપીઓએ પોલીસ સમક્ષ એડવોકેટ ઠુમ્મરને નાણાં આપવાની બાંહેધરી આપી હતી. જે બાંહેધરીનો ભંગ કરી ધમકીઓ આપી ઝઘડાઓ કરતા એડવોકેટ ઠુમ્મરે આપઘાતની કોશિશ કરી છે. જે ગંભીર ગુનો હોવાથી ત્રણેય આરોપીની જામીન અરજી રદ કરવા જણાવ્યું હતું. અદાલતે દલીલો સાંભળ્યા બાદ ત્રણેયની જામીન અરજીને નામંજૂર કરતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...