તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમોસમી વરસાદ:રાજકોટના વાતાવરણમાં પલ્ટો, મિની વાવાઝોડું ફૂંકાયુ, ધૂળની ડમરી ઉડી, બેડી હડમતીયા અને ગવરીદળમાં વીજળીનાં કડાકા સાથે ધોધમાર વરસાદ

રાજકોટ3 મહિનો પહેલા
ગવરીદળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ.
  • 16થી 18 મે સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં આજે બપોર બાદ પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. તેમજ મિની વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. શહેરની ભાગોળે આવેલા ગવરીદળ અને બેડી હડમતીયા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ રસ્તા પર હોર્ડિંગ ઉડ્યા હતા. રાજકોટના ખીરસરા પાસે મિની વાવાઝોડુ ફૂંકાતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી હતી.

વાજડી વડ ગામમાં ભારે પવન ફૂંકાયો
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા વાજડી વડ ગામ પાસે ભારે પવન ફૂંકાયો હતો. તેમજ રાજકોટમાં પણ પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. રાજકોટ શહેરમાં પવન ફૂંકાતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આથી લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી હતી. ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળુ પાક તલ, બાજરી અને મગના પાકને નુકસાન પહોંચ્યું છે.

બેડી હડમતીયા ગામે ધોધમાર વરસાદ.
બેડી હડમતીયા ગામે ધોધમાર વરસાદ.

બેડી હડમતીયા અને ગવરીદળમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા
બેડી હડમતીયા અને ગવરીદળમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ ભારે પવન સાથે વરસાદ આવતા વૃક્ષો પણ ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે. ઇશ્વરીયા ગામમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. આથી ટુવ્હીલર ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઇશ્વરીયા ગામે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી.
ઇશ્વરીયા ગામે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી.

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે
અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર આગામી ચોવીસ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામા આવી છે. સંભવિત વાવાઝોડા 'તૌકતે'ની આગાહીના પગલે આગામી 16 થી 18 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દેવામા આવ્યા છે. દરિયામાં ગયેલા માછીમારોને પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો સાથે્ સંભવિત આફતને પહોંચી વળવા માટે ગુજરાતમાં NDRFની 15 ટીમ પણ સ્ટેન્ડ બાય રાખી દેવામા આવી છે.