વાવડી ગ્રામપંચાયતમાં કૌભાંડની આશંકા:રેવન્યુ રેકોર્ડ ગુમ, ભંગારના ડેલમાંથી દસ્તાવેજ મળ્યા, મામલતદારે રાજકોટ મનપાના હોવાનું રટણ કર્યું

રાજકોટ4 દિવસ પહેલા
દસ્તાવેજી કાગળો વોકળા-ભંગારના ડેલામાં પડેલા જોવા મળ્યા
  • પોલીસે શકમંદોના નિવેદન નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ શહેરના વાવડી ખાતે આવેલ ગ્રામ પંચાયતની કચેરી એટલે કે હાલની વોર્ડ ઓફીસના બિલ્ડીંગમાં રેવન્યુ રેકોર્ડ તેમજ હકકપત્રકની મેન્યુઅલ નોંધ સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજો ગુમ થવા મામલે રાજકોટ તાલુકા પોલીસમાં જાણવા જોગ નોંધ દાખલ કરી પોલીસ દ્વારા શકમંદોના નિવેદન નોંધી પુછપરછ કરવામાં આવી રહી છે જો કે આજે કેટલાક દસ્તાવેજી કાગળો ભરેલા પોટલાં નજીકના વોકળા તેમજ ભંગારના ડેલામાં પડેલા જોવા મળ્યા છે. આ મુદ્દે મામલતદારે તમામ દસ્તાવેજો રાજકોટ મનપાના છે તેવું નિવેદન મીડિયાને આપ્યું હતું. ત્યારે સમગ્ર મામલે કૌભાંડની આશંકા અને બેદરકારી સબબ પોલીસ તેમજ વહીવટી તંત્ર સંયુક્ત તપાસ હાથ ધરી છે.

કાગળો અને દસ્તાવેજો મળ્યા નથી
પ્રાપ્ત વિગત મુજબ જુની પંચાયત કચેરીમાં વાવડીના રેવન્યુ તલાટી મનીષ ગીધવાણી ગત તા.7 માર્ચના તપાસ કરવા જતા આ કબાટમાં રેવન્યુ રેકર્ડના સાધનીક કાગળો અને દસ્તાવેજો મળી આવેલ ન હતા. જેથી તેઓએ આ બાબતે આ વોર્ડ કચેરીએ મહાનગરપાલિકાના સ્ટાફને આ અંગે પૂછપરછ કરેલ હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને આ અંગેની કોઈ જાણ ન હોવાનું ખુલ્યુ હતું. ત્યારબાદ આ વાવડીની જુની પંચાયત કચેરી અને હાલની વોર્ડ ઓફીસમાંથી રેવન્યુ રેકર્ડ ગુમ થયાની નોંધ કરી પોલીસને આ અંગેની જાણ કરતા પીએસઆઈ ચાવડા દ્વારા આ પ્રકરણમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

વાવડીના રેવન્યુ તલાટી મનીષ ગીધવાણી
વાવડીના રેવન્યુ તલાટી મનીષ ગીધવાણી

શકમંદોના પોલસીએ નિવેદન લીધા
રાજકોટ તાલુકા મામલતદાર કે કે કરમટાએ જણાવ્યું હતું કે રાજકોટના વાવડી ગામનો રાજકોટ મનપામાં સમાવેશ થયા બાદ વોર્ડ ઓફિસ ખાતે જ રેવન્યુ રેકર્ડ ફાઈલ ત્યાં રાખવામાં આવતી હતી થોડા દિવસ પૂર્વે અમારા તલાટી મંત્રી ત્યાં જતા કબાટમાં ફાઈલો મળી ન આવતા અમને જાણ કરી હતી અને કલેકટરના માર્ગદર્શન મુજબ પોલીસને જાણ કરતા પોલીસે હાલ જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે અને શકમંદોના નિવેદનો નોંધી તપાસ કરી રહી છે.

દસ્તાવેજી પુરાવા રેવન્યુ રેકર્ડના નથી
દસ્તાવેજી પુરાવા રેવન્યુ રેકર્ડના નથી

દસ્તાવેજો ગુમ થતા તપાસનો વિષય
વધુમાં તેમને જણાવ્યું હતું કે, લોક એન્ડ કીમાં રહેતા પુરાવા આ રીતે બહાર કેમ ગયા ગુમ કેમ થયા તે જ તપાસનો વિષય છે. 1950થી 2004 સુધીના તમામ દસ્તાવેજી ફાઈલો ડિજિટલ નોંધ થયેલી છે પરંતુ આ દસ્તાવેજો ગુમ થતા તપાસનો વિષય છે. ભંગારના ડેલામાં મળેલ દસ્તાવેજી પુરાવા રેવન્યુ રેકર્ડના નથી એ તમામ રાજકોટ મહાનગરપાલિકાના છે એ બાબતે પણ તપાસ ચાલુ છે.

કોની બેદરકારી?
ઉલ્લેખનીય છે કે આ મામલે તલાટી મંત્રી તેમજ વોર્ડ ઓફિસર સહીત તમામની જવાબદારી હોય છે તેમની પણ ક્યાંક બેદરકારી હોય તેવું માનપવામાં આવી રહ્યું છે. ત્યારે તપાસ બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...