ગાંધીગ્રામના શિવપરામાં રહેતા નિવૃત્ત ફૌજીએ પોતાના ઘરે લાઇસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો, તામશી સ્વભાવને કારણે પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું, માજી સૈનિકે અગાઉ પણ બે વખત આપઘાતની કોશિશ કરી હતી.
શિવપરા શેરી નં.1માં રહેતા નિવૃત્ત ફૌજી હુશેનમિયા કાદરી (ઉ.વ.59) સિસ્કો સિક્યુરિટી એજન્સીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા, હુશેનમિયા કેટલાક સમયથી બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને બુધવારે રાત્રે 11.45 વાગ્યાના અરસામાં નોકરી પૂરી કરીને પોતાના ઘરે આવ્યા હતા.
ઘરે આવતા જ તેમના પત્નીએ ડેલી ખોલી હતી, ઘરમાં પ્રવેશતા જ હુશેનમિયા મકાનના નીચેના રૂમમાં ગયા હતા, તેમના પત્ની મકાનના ઉપરના રૂમમાં પ્રવેશે ત્યાં જ ફાયરિંગનો અવાજ સંભળાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને નીચેના રૂમમાં આવતા જ પતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો, તેમની બાજુમાં તેમની લાઇસન્સવાળી બાર બોરની બંદૂક પડી હતી.
ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ હડિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફોજમાંથી નિવૃત્ત થયા બાદ હુશેનમિયા સિક્યુરિટીમાં નોકરી કરતા હતા, તેઓ તામશી સ્વભાવના હતા, અગાઉ એસિડ પી તેમજ કૂદકો મારી બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હુશેનમિયાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારના મોભીના આપઘાતથી કાદરી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આપઘાતનું કારણ જાણવાની તજવીજ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.