આપઘાત:દેણું થયા બાદ આર્થિક ભીંસથી રેસ્ટોરન્ટ સંચાલકનો આપઘાત

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતાનોના સગપણની ચિંતામાં લાપાસરીના પ્રૌઢે ઝેર પીધું

શહેરમાં આપઘાતના વધુ ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં રેસ્ટોરન્ટ સંચાલકે આર્થિક ભીંસથી, લાપાસરી ગામે સંતાનોના સગપણની ચિંતામાં પ્રૌઢે અને કુવાડવા ગામે યુવાને ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી છે.

પ્રથમ બનાવમાં મોરબી રોડ, પંચવટી ટાઉનશિપમાં રહેતા વલ્લભભાઇ ધરમભાઇ લીંબાસિયા નામના આધેડે ત્રણ દિવસ પહેલા કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોને જાણ થતાં તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ત્રણ દિવસની સારવાર કારગત નહિ નિવડતા વલ્લભભાઇએ ચાલુ સારવારમાં દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં ચાર ભાઇ, ચાર બહેનમાં વચેટ વલ્લભભાઇ ઘર નજીક જ રેસ્ટોરન્ટ ચલાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે. વલ્લભભાઇને દેણું થઇ જતા તે ભરપાઇ કરવા ફાઇનાન્સ અને બેંકમાંથી લોન લીધી હતી, પરંતુ વલ્લભભાઇ ફાઇનાન્સ અને બેંકમાંથી લીધેલા નાણાં પરત કરવામાં અસક્ષમ થયા હતા. દરમિયાન ફાઇનાન્સ વાળાએ ઉઘરાણી શરૂ કરી હતી. જેનાથી કંટાળીને વલ્લભભાઇએ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું છે.

બીજો બનાવ લાપાસરી ગામે બન્યો છે. અહીં ધીરૂભાઇ ચૌહાણની વાડીમાં પરિવાર સાથે રહી ખેતમજૂરી કરતા ચકલાભાઇ વિઠ્ઠલભાઇ રાઠવા નામના પ્રૌઢે ગત મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યાનું જાહેર થયું હતું. આજી ડેમ પોલીસ તપાસમાં મૃતક મૂળ જેતપુર પાવીના અમરોલી ગામના હતા. તેમને સંતાનમાં એક પુત્ર, પુત્રી છે. પુત્રના જણાવ્યા મુજબ, પિતાની પાસે પૈસા ન હોય અને બંને ભાઇ-બહેનના સગપણની ચિંતા સતાવતી હતી. બધાના છોકરા પરણી ગયા મારા છોકરાવનું શું થશે તેવું ઘરમાં રટણ રટતા હોય આ કારણથી પગલું ભરી લીધાનું જણાવ્યું છે. જ્યારે ત્રીજા બનાવમાં કુવાડવા ગામે શીતળા માતાજીના મંદિર પાછળ રાંગણી માતાના મઢ નજીક રહેતા નિલેશ વિનોદભાઇ બાહુકિયા નામના યુવાને ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...